કુદરતે પોતાના માર્ગમાં મૂકેલી બધી ય આડખીલીને હટાવીને કે બીજી રીતે પાર કરીને વિકાસની શક્ય એવી સીમા આંબવી એ માનવીની સિદ્ધિ છે તો સાથે સાથે એ જ, એના માટેનો પુરુષાર્થ એ જ, માનવીનું પરમ સૌભાગ્ય પણ હોય છે. એ પુરુષાર્થનો ખરો આનંદ એ પરમ લક્ષ્યે પહોંચવા કરતાંય એ પંથે હસતે મોંએ, ઉલ્લાસભર્યા દિલે, આપત્તિઓ સહી લેતાં, વાવંટોળ અને ખાડાટેકરા સહુને ખમી લેતાં આગળ અને આગળ જવામાં છે.
હેલન કેલરની જીવનકથા એ પુરુષાર્થમાં શ્રદ્ધા પ્રેરે એવી કથા છે. સિંહ સાથે બાથ ભીડવાનું જાહેર કર્યા પછી સિંહ હાડમાંસને બદલે ઘાસનો ભરેલો હોવો જોઈએ, સિંહના પંજામાં નહોર ન હોવા જોઈએ, સિંહના મોંમાં દાંત ન હોવા જોઈએ, એવું કહેનાર માગનારની એ પુરુષાર્થકથા નથી. જીવનને જીવનરૂપે જ યથાર્થ જોઈ-જાણીને પણ આત્મવિકાસ માટે સતત યત્નશીલ રહીને મક્સદે પહોંચનારની એ કથા છે.
માત્ર હેલન કેલરને અપંગ કહેવામાં સાથ આપવામાં દિલ ના પાડે છે. વાયુમંડળમાંથી શ્વાસ લઈને, હવાને સૂંઘીને જ, આવતી વસંતના વધામણાં કરવા નીકળી પડનારને અપંગ કેમ કરીને કહેવાય? કુદરતની અર્થહીન ફાંટાબાજી, યથાર્થતાનો અંચળો, ’છે’ના ગુમાનને ઢાંકતો હોય અને ’નથી’ એમ આંગળી ચિંધતો હોય, એવું એમાં લાગે છે. અને એટલું ખટકે છે.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં