મિત્રો,
આમ તો મને ગુજરાતી સીવાય બીજી એકે ભાષા બરાબર આવડતી નથી. ગુજરાતીમાંયે લખવામાં જોડણીની અપાર ભૂલો કરતો હોઉ છું. તેમ છતાં આપણાં ગુજરાતી લોકો સાથે સંપર્ક જાળવી રાખવા બ્લોગ પર પોસ્ટ મુકતો રહુ છું અને જુદા જુદા બ્લોગ પર ભાંગી તુટી ગુજરાતીમાં પ્રતિભાવ પણ મુકતો હોઉ છું. જે બ્લોગ પર કોઈ પણ કારણસર મારા પ્રતિભાવો બે થી વધારે વખત માન્ય કરવામાં નથી આવ્યાં તે બ્લોગ પર પ્રતિભાવ આપવાનું ટાળતો હોઉ છું. જો કે સારી પોસ્ટ લાગે તો Like પર ક્લિક કરતો હોઉ છું. અલબત્ત તેનો અર્થ તેમ નથી કે હું કોઈ બ્લોગ કે બ્લોગર પ્રત્યે ગમો-અણગમો ધરાઉ છું. બધાં જ બ્લોગરો અને વેબસાઈટ ધારકો પછી તે વર્ડપ્રેસ,બ્લોગર,સ્વતંત્ર સર્વને હું મારા મિત્ર માનુ છું અને કોઈની યે પ્રત્યે મને વિશેષ રાગ કે દ્વેષ નથી.
હા, કોઈ સાથે વાતચીત કરવાની મજા આવે તો તે બ્લોગ પર વધારે જતો હોઉ છું – પણ મારે મન બધાં સરખાં છે. આટલી સ્પષ્ટતા પછી કહેવાનું કે કોઈ બ્લોગર કદાચ ગુજરાતી ન હોય પરંતુ તે ગુજરાતીમાં પોસ્ટ મુકતાં હોય તો તેમની પોસ્ટ પણ હું તેટલા જ રસથી વાંચવાનું પસંદ કરુ છું. હું ગંભીર પ્રકૃતિનો માણસ હોવા છતાં મને હળવી પળો ગમે છે, મનો મંથન કરી નાખનારા ઉંડાણપૂર્વકના ચિંતનાત્મક લેખોની જેમ રમૂજી લેખો પણ મને એટલાં જ પસંદ છે. કાવ્ય/ગીત/ગઝલ/જોડકણાં અને નવીન વિષય વસ્તુ સાથેના હળવા બનાવતા કે વિચારપ્રેરક લેખો એ મને હંમેશા આકર્ષ્યો છે અને તેવા લેખ વાંચવાની જ્યારે પણ તક મળે ત્યારે હું અચૂક રસપૂર્વક વાંચતો હોઉ છું.
ફરી એક વાર આપ સહુની મિત્રતાનો સ્વીકાર કરીને સદાયે આપ સહુનો મિત્ર અને પરમ મિત્ર રહી શકું તેવી અભ્યર્થના સહ વિરમું છું.
નોંધ: આ મિત્રતામાં આપની સહ્રદયતા અને લાગણી સિવાય મારે કશું જોઈતું નથી અને હું પણ આ સિવાય કશું આપી શકું તેમ નથી.
આપ સહુનો સહ્રદયી,
અતુલ જાની (આગંતુક)