મિત્રો,
હમણાં હમણાં હું મજાકના મુડમાં હોઉ છું. આમ તો આ હાસ્ય-રચના ઘણી જુની છે પણ પ્રસંગોપાત વાગોળવી ગમે તેવી છે.
બે કુટુંબ ટ્રેનમાં જઈ રહ્યાં હતાં, બંનેને એક એક ૧૨-૧૩ વર્ષનો છોકરો હતો. શીયાળાની શરુઆત હતી તેથી થોડી ઠંડી લાગતી હતી અને એક છોકરાને છીંક આવી એટલે તેના પપ્પા ઉભા થઈને બારી બંધ કરવા માટે ગયાં.
ત્યાં તો બીજો છોકરો રડવા લાગ્યો એ એ એ!! મારે બારીની બહાર જોવું છે.
તેના પપ્પાએ બીજા ભાઈને કહ્યું બારી બંધ નહિં થાય.
પેલા ભાઈ કહે ન કેમ થાય – જોતાં નથી મારો છોકરો માંદો જ પડી જાય ને?
બીજા ભાઈ કહે – તમારાથી થાય તેમ કરી લ્યો બારી બંધ નહિં થાય એટલે નહિં થાય.
પેલા ભાઈને બહુ ગુસ્સો આવ્યો નહિં કેમ થાય – તેમ કહીને ધડ દઈને એક તમાચો ઝીંકી દીધો.
બીજા ભાઈ પણ કાઈ ઉણાં ઉતરે તેમ ન હતાં તેણે પેલાનો કાંઠલો પકડીને એવો તો ખેંચ્યો કે પેલા ભાઈ ભોં ભેગા થઈ ગયા. શર્ટના બે બટન તુટી ગયા અને શર્ટ બાંયમાંથી ફાટી ગયો.
ધમાલ આગળ વધે તે પહેલા એક કાકા ઘાંટા પાડીને કહેવા લાગ્યાં – મુર્ખાઓ બંધ કરો આ તમાશો – “બારીને કાચ જ નથી!”
સુજ્ઞેષુ કિં બહુના !!
સારી જોક છે. ઘણા ઝઘડા પાયા વિનાના (અથવા કાચ વિનાના) જ હોય છે.
શ્રી દિપકભાઈ,
જો આપણે આંખ,કાન ખુલ્લા રાખીએ અને મ્હોં બંધ રાખીએ તો ઘણી બધી વાતોનું રહસ્ય સમજાઈ જાય. મોટા ભાગે આપણે ઉલટું કરીએ છીએ અને પરીણામે કારણ વગરના ઝઘડાઓ વ્હોરી લેતા હોઈએ છીએ.
ઘણી વાર નાનકડી જોક પણ ઘણું કહી જતી હોય છે.
મને તો હવે જરાય આશ્ચર્ય નથી થતું કે મોહિની સ્વરૂપ જોઈને દાનવો ઝઘડ્યા હશે – અરે દાનવો તો શું દેવો પણ જો રુપ વગર માત્ર વાતો સાંભળીને કે છબીઓ જોઈને કે ગીતો સાંભળીને ઝઘડી પડતાં હોય તો દાનવો ઝઘડે તેમાં શું આશ્ચર્ય?
હું તો ખરા હ્રદયથી તેને દાદ આપું કે જેણે આખુંયે કમઠાણ ઉભુ કર્યું અને લોકોને લડાવી માર્યા કે જેથી સહુને પોતાનું આંતર નિરિક્ષણ કરવાની તક મળી.
આમ જ એક વાર બે કુટુંબોનો ઝઘડો જામ્યો હતો. કારણ બન્નેના છોકરાઓ જ હતા. બન્ને બાપાઓ કોલર પકડીને એકબીજાથી ઘાયલ થઈ ગયેલા….હાંફીને નવરા પડ્યા, ને જોયું તો ઝઘડો જેને કારણે હતો તે બન્ને છોકરાવ તો ભેગા મળીને રમતા હતા !!
જુ.કાકા
પહેલાં તો તમારી વાત વાંચીને હસી લઉ 🙂
મોટાભાગે સંઘર્ષમાં એવું જ થાય છે. ઘણાં સંઘર્ષો તો પેઢીઓ સુધી ચાલે. કોઈને મુળ કારણ પણ ખબર ન હોય પણ પછી કારણ એક બાજુ રહે અને અહંનો ટકરાવ શરુ થઈ જાય.