Monthly Archives: March 2011

નેતૃત્વ – પ્રેરણા અને પ્રોત્સાહન (૧૦)


આજ્ઞાંકિત વિદ્યાર્થિ / કાર્યકર / શિષ્ય ભવિષ્યનો સારો નાગરીક / આગેવાન / આચાર્ય છે. કોઈ વ્યક્તિ રાતોરાત આગેવાન / સરદાર કે નેતા ન બની જાય. નેતા બનવા માટે પહેલાં તો જે બાબતમાં નેતૃત્વ કરવું હોય તે બાબતનું કૌશલ્ય વિકસાવવું જોઈએ. ઉત્તમ વિદ્યાર્થીની ઉત્તમ શિક્ષક બનવાની, ઉત્તમ સૌનિકની ઉત્તમ સેનાપતિ બનવાની, ઉત્તમ કાર્યકરની ઉત્તમ નેતા બનવાની પુરે પુરી શક્યતા છે. જેઓ પોતાના તાલીમ કાળમાં ધ્યાન નથી આપતાં તેઓ તેમના કાર્યકાળમાં ખાસ કશું વિશેષ ઉકાળી શકશે તે માન્યતા ભૂલભરેલી છે.

પહેલાના જમાનામાં રાજાઓ પોતાના કુંવરોને ગુરુકુળોમાં તાલીમ લેવા મોકલતાં. કઠોર અને સઘન તાલીમ મેળવ્યાં પછી તેમની પરિક્ષા કરવામાં આવતી અને તેમાંથી જે ઉત્તમ હોય તેને રાજગાદી સોંપવામાં આવતી. મોગલ કાળમાં આ પરંપરા નાશ પામી અને દિકરાઓ બાપને મારી ને અને ભાઈઓ સાથે લડાઈ ઝગડા કરીને રાજા બનવા લાગ્યાં. હાલની પરિસ્થિતિ તો વળી તેનાથીયે ગંભીર છે. રાજનેતાઓના પુત્ર પુત્રીઓ કશીયે રાજકીય લાયકાત અને નેતૃત્વના કે સેવાના ગુણો વગર જ સીધા મંત્રી, મુખ્યમંત્રી કે વડાપ્રધાન બની જાય છે. જેમને ખબર નથી કે રાજ્ય કેમ ચલાવવું? નેતૃત્વ શું છે? પ્રજાની સમસ્યાઓ શું છે? દેશવાસીઓની અપેક્ષા અને આકાંક્ષાઓ શું છે? તે કેવી રીતે સુરાજ્ય કરી શકશે?

સારો નેતા તેના અનુયાયીઓની અંદર પહેલેથી જ રહેલી સુપ્ત શક્તિઓને જાગૃત કરે છે. તેમના અનુયાયીઓ અને કાર્યકરોને સઘન તાલીમ આપે છે, તેમની કાર્ય પધ્ધતિમાં રહેલી ખામીઓ દૂર કરવાનો પ્રયાસ કરે છે, તેમની ખૂબીઓને ઓળખીને તેને વિકસાવવા માટે પ્રોત્સાહન પુરુ પાડે છે. ઉત્તમ નેતાને તેમના અનુયાઈઓ અને કાર્યકરો નિ:સંકોચ મળી શકે છે, તેની સાથે ચર્ચા વિચારણા કરી શકે છે અને ભવિષ્યની તથા હાથ ઉપરની કામગીરી સારામાં સારી રીતે કેમ પુરી પાડવી તે બાબતે માહિતિની આપ-લે કરી શકે છે. ઉત્તમ નેતા મુશ્કેલીના સમયે આગળ રહે છે અને તેમના સાથીદારોને માર્ગદર્શન આપે છે અને જ્યારે સિદ્ધિ હાંસલ થાય છે ત્યારે તેનો યશ સહુને આપે છે.

નેતૃત્વનો ગુણ દરેક ક્ષેત્રમાં જરુરી છે. શિક્ષણ હોય , બાલ ઉછેર હોય, સંગીત કે રમત ગમતની તાલીમ હોય, ઉધ્યોગ ધંધા હોય કે પછી શાસન હોય. સારો નેતા જે તે બાબતને સારી રીતે સમજે છે અને તેને લગતી કામગીરીને સારામાં સારી રીતે કેમ પુરી કરાવવી તે માટેની કુશળતા ધરાવે છે. સારો નેતા છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ અને મહિતિથી વાકેફ હોય છે અને જરૂર પડ્યે કામગીરીમાં ત્વરીત ફેરફાર કરવાની આવડત વાળો હોય છે. તે હંમેશા વધુમાં વધુ સફળતા કેમ પ્રાપ્ત થાય અને ઓછામાં ઓછું નુકશાન કેમ થાય તે બાબતે સતત ચિંતિત હોય છે. પોતાના કાર્યકરો અને સાથીદારો પ્રત્યે પ્રેમાળ હોવા છતાં તેનો એક આગવો રુઆબ હોય છે કે જેને લીધે સહુ કોઈ તેનો પડ્યો બોલ ઉઠાવવા તૈયાર રહે છે અને સાથોસાથ જો તેમના નિર્ણયમાં કશી ભૂલ જણાય તો તેમને નિંસંકોચ જણાવી પણ શકે છે. આપખૂદ અને પોતાના કાર્યકરોની વાત ન સાંભળનાર નેતા સફળ હોય તો પણ પ્રિય નથી બની શકતો. તેની હાજરીમાં તેમના કાર્યકરો તેમને હા જી હા કરે છે પણ ગેરહાજરીમાં તેને ધિક્કારે છે.

પ્રત્યેક વ્યક્તિએ સહુ પ્રથમ સારા કાર્યકર બની અને પછી ઉત્તમ આગેવાન બનવાની ખેવના રાખવી જોઈએ.

શું તમે આગેવાન બનવા તૈયાર છો?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , | Leave a comment

વચન બધ્ધતા – પ્રેરણા અને પ્રોત્સાહન (૯)


રઘુકુલ રીત સદા ચલી આઈ
પ્રાણ જાય પર વચન ન જાઈ

પહેલાના આપણાં રાજાઓ વચન બધ્ધ હતાં. રઘુકુળ જેવા કુળમાં તો રાજવીઓ વચનને ખાતર પ્રાણની આહુતિ આપતા પણ અચકાતા નહોતાં. સાંપ્રત સમયના રાજકારણીઓને જોઈએ તો વચનોના ઢગલે ઢગલાં અને પાલનના નામે મીંડુ. ચુંટણી ઢંઢેરો જો વંચાવીએ અને પછી જો તેમને પુછવામાં આવે કે ગયા વખતના ઢંઢેરામાં જે તમે ઢોલ નગારા ટીપી ટીપીને વચનો આપ્યા હતાં તેમાંથી તમે કેટલાં પાળ્યા છે? તો લગભગ બધાના મોં એ કાળી મેંશ ચોપડીને ટ્રેનના છાપરે બેસાડીને ગામે ગામ ફેરવવા પડે તેવી હાલત થાય.

જે વચન પાળી ન શકાય તેવા હોય તેવા વચનો આપવા જ ન જોઈએ. કુલટા સ્ત્રી આજીવન પોતાના પતિને વફાદાર રહેશે તેવું વચન આપે તો કોઈ સાચું માને? સિંહ વાઘ જેવા પ્રાણીઓ લાગ મળ્યે શિકાર નહિં કરે તેવું માની શકાય? લોભી વેપારી ગ્રાહક સાથે છેતરપિંડી નહિં કરે તેવું માની શકાય? ભ્રષ્ટ રાજકારણીઓ દેશનું કલ્યાણ કરશે તે શું માની શકાય? શા માટે આપણાં ન્યાયાલયો આટ આટલી સત્તા હોવા છતાં આ વચનભંગ કરનારાઓને કડક માં કડક શિક્ષા નથી કરતાં?

જે લોકો વારે વારે પોતાના વચનો તોડે છે તેનો કોઈ વિશ્વાસ નથી કરતાં. શ્રી રામ એક પત્નિ વ્રતધારી હતાં તો તેઓ આજીવન એક પત્નિવ્રત ધારી જ રહ્યાં. સીતા માતાને વનમાં મોકલ્યાં પછીયે કાઈ તેમણે બીજા લગ્ન નહોતા કર્યા કારણકે તેઓ વચન બદ્ધ હતાં. આજના યુગમાં વચન બધ્ધતાની ખુબ જ આવશ્યકતા છે. કબીરજી પણ કહે છે કે

ઘડી ચડે ઘડી ઉતરે – સો તો પ્રેમ ન હોઈ
અઘટ પ્રેમ જો હ્રદય બસે – પ્રેમ કહાંવે સોઈ

ઘડીક કોઈના માટે હ્રદયમાં તનમનીયા જાગે અને ઘડીકમાં વળી બીજાને મનનો માણીગર બનાવી લે તેવા પ્રેમી કે પ્રેમિકાનો કોણ વિશ્વાસ કરે? એવા લોકો તો લંપટ લોકોના હાથમાં રમકડાં બનવા માટે સર્જાયા હોય છે. સાચો પ્રેમી કે પ્રેમિકા પોતાના પ્રિયપાત્રને આજીવન એકસરખો પ્રેમ કરે છે. ગંગાના નીરમાં વધ ઘટ થાય છે પણ માતાના પોતાના બાળક પ્રત્યેના પ્રેમમાં કદીયે ભરતી-ઓટ આવતાં નથી.

આજના યુગમાં પ્રત્યેક કાર્યમાં, પ્રત્યેક વ્યવહારમાં વચનબધ્ધતાની આવશ્યકતા છે. અમેરિકા જેવી બેવડી નીતી ન ચાલે કે જે ઉપર ઉપરથી મિત્રતાનો દેખાવ કરે અને અંદરખાનેથી દુશ્મની રાખે. ભીતર જુદુ અને બહાર જુદુ હોય તેને દંભ કહેવાય. દંભથી લોકોને જાજો વખત છેતરીન શકાય. છેવટે પોલ ખુલી જાય. જેવી રીતે કલીરામકા ફટ ગયા ઢોલ અને બીચ બજરીયા ખુલ ગયા પોલ તેવી હાલત થાય. વેપારમાં, સેવામાં, ઉધ્યોગમાં, નોકરીમાં, બધેજ વચન બધ્ધતા જોઈએ. જે માલ કીધો હોય તે જ આપવો જોઈએ. જેટલો પગાર લેતાં હોય તેટલું કામ કરવું જોઈએ, જેટલું કામ લેતા હોય તેટલો પગાર ચૂકવવો જોઈએ, જો રાજનેતા બન્યા હોય તો દેશ સેવા તે જ મુખ્ય ધ્યેય હોવું જોઈએ નહીં કે – વર મરો કે કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરોની જેમ દેશનું કે પ્રજાનું જે થાવુ હોય તે થાય મારું ઘર ભરાય એટલે બસ – તેવી નીતી અને વ્યવહાર ન ચાલે.

ટુંકમાં જીવનના પ્રત્યેક પગલે વચનબધ્ધતા એક આવશ્યક શરત છે – આપણી વિશ્વસનિયતા ટકાવી રાખવા માટેની.

બોલો શું તમે વચન બધ્ધ છો?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , | Leave a comment

અલગ વ્યક્તિત્વ – પ્રેરણા અને પ્રોત્સાહન (૮)


શું તમે બીજા કરતાં અલગ પડો છો? વાહ, તો તો જરૂર રાજી થજો કે તમારામાં એવું કશુંક છે કે જે તમને બીજાથી અલગ પાડે છે. જો બધાં એકસરખા હોય, એક જ ઘરેડમાં વિચારતા હોય તો મનુષ્ય અને ઘેંટાઓમાં તફાવત શું છે? એક ઘેટું ચાલ્યુ અને આખું ઘેંટાનું ટોળું તેની પાછળ પાછળ મે મેં કરતું ચાલવા લાગશે – કોઈની સ્વતંત્ર વિચારસરણી જ નહીં? પહેલું ઘેટું કુવામાં જઈને પડશે તો બાકીના વિચારશે નહીં અને માની લેશે કે કુવામાં પડવા જેવું હ્શે એટલે જ પહેલું પડ્યું હશે અને આખે આખું ટોળું મેં મેં મેં કરતું કુવા ભેગું. પણ જો તેઓ જરાક થોભે – સ્વતંત્ર બુદ્ધિથી વિચાર કરે કે કુવામાં પડેલું ઘેંટું બહાર આવી શકતું નથી – તેની દશા બુરી થઈ છે તો બીજા કોઈ ઘેંટા કુવામાં પડે નહિં. મોટા ભાગના માણસો વગર વિચાર્યે આંધળુંકીયા કરતાં હોય છે – કોઈ સ્વતંત્ર ચિચારસરણી નહી, કોઈ સ્વતંત્ર બુદ્ધિના નીર્ણયો નહિં. એક જણ શેર બજારમાં રોકાણ કરશે તો ગામ આખું શેર બજારમાં રોકાણ કરશે. એક જણ ક્રિકેટનો રસીયો બનશે તો ગામ આખું ક્રિકેટ રસીક બનવાનો પ્રયત્ન કરશે. એક જણને ગીત-સંગીતમાં રસ પડશે તો ઘરે ઘરમાં CDઓ વાગવા લાગશે. કોઈ સ્વતંત્ર બુદ્ધિથી વિચારશે નહિં કે મને શેર બજાર અનુકુળ છે કે સોફ્ટવેર માર્કેટ કે ઈજનેરી કૌશલ્ય કે વૈદક કળા કે ગીત-સંગીત કે રમત-ગમત. બસ એકે કર્યું એટલે તેની પાછળ પાછળ સમજ્યાં વગર દોડવાનું.

સફળ થવા માટે જીવનને પુરે પુરું માણવા માટે આવી આંધળી દોટ ન ચાલે. તેમાં તો સહુએ વિચારવું જોઈએ કે જીવન પ્રત્યેનો મારો “અભિગમ” કેવો છે? મને પાકશાસ્ત્રમાં રસ છે, લેખ લખવામાં રસ છે, સંગીતમાં રસ છે કે આબુ જેવા પહાડો પર કુટુંબ કબીલા સાથે જઈને ફરવામાં રસ છે તેનો વિચાર કરવો જોઈએ. જેવો રસ રુચી હોય તે પ્રમાણે આનંદથી જીવવું જોઈએ. મારી ઈચ્છા પ્રમાણે ન થાય કોઈ મને સમજી ન શકે તો મારો અભિગમ નીરાશાજનક ન હોવો જોઈએ – એટલે કે જાણે કે હું અત્યારે ગમમાં છું તેવું ન અનુભવવું જોઈએ.

આપણને સહુને પ્રકૃતિએ કાઈક ને કાઈક વિશિષ્ટ શક્તિ આપેલી છે તે શક્તિને ઓળખીને આપણી રસ-રુચી પ્રંમાણે આપણે આપણું આગવું વ્યક્તિત્વ વિકસાવવું જોઈએ. અને આપણાં વ્યક્તિત્વની સુગંધથી આકર્ષાઈને લોકો આપમેળે આપણી પાસે ખેંચાઈ આવશે અને કદાચ એવું ન બને તો પણ ઓછામાં ઓછું આપણી રસ-રુચી પ્રમાણે જીવ્યાનો સંતોષ અને આનંદ તો મળશે જ ને?

બોલો તો આજથી જ આપણે આપણું અલગ વ્યક્તિત્વ વિકસાવીને જીવનને પુરા હોંશ અને ઉત્સાહથી માણશું ને?


નોંધ: જમણી આંખની નસ પર આવેલ સોજાને લીધે જમણી આંખનું અડધું વીઝન ચાલ્યું ગયેલું. CT Scan – Brain ના રીપોર્ટ નોર્મલ આવેલ છે. આંખની ટ્રીટમેન્ટ ચાલુ છે, પરિસ્થિતિ સુધારા પર છે. કોઈને ચિંતા નહિં થતી હોય તેની ખાત્રી છે પણ ક્દાચ કોઈને જો ચિતાં થતી હોય તો તેમની ચિંતા હળવી કરવા માટે આ નોંધ લખવામાં આવી છે.


Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

સ્વપ્ન જુઓ ખુલ્લી આંખે – પ્રેરણા અને પ્રોત્સાહન (૭)


સ્વપ્ન તે નથી કે જે આપણે ઉંઘમાં જોઈએ છીએ – પણ સ્વપ્ન તે છે કે જે આપણને સુવા નથી દેતુ – શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ

વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના પ્રવચનોને સુજ્ઞ શ્રોતાજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ અને હવે જ્યારે ચારે તરફ તેમની વાહ વાહ બોલાઈ રહી છે તેવે સમયે સ્વામી વિવેકાનંદ રાત્રે સુંવાળી પથારીમાં સુઈ નથી શકતા. જમીન પર વેદનાથી આળોટે છે અને વિચારે છે કે મારા કરોડો ગરીબ, કચડાયેલા, દુ:ખી, પીડીત દેશ બાંધવો માટે હું શું કરી શકું કે તેમનું અજ્ઞાન દૂર થાય, તેઓ સમૃદ્ધ બને, ગુલામીની ઝંઝીરમાંથી મુક્ત થાય. અને તેમણે એક વિરાટ કાર્યનો આરંભ કર્યો અને શ્રી રામકૃષ્ણ મીશનની સ્થાપના કરી. આજે કેટકેટલી જીંદગીઓ પર આ કેન્દ્રોની પ્રવૃત્તિઓ રુપી આશિર્વાદના કળશથી અભિષેક થયો છે તે કોણ કહીં શકશે?

સ્વતંત્રતાનું સ્વપ્ન જો ગાંધીજીએ તેમના સહયોગીઓએ અને અનેક ક્રાંતિકારીઓએ ન જોયું હોત તો કદાચ ભારત આજે પણ ગુલામીની ઝંજીરોમાં જકડાયેલું હોત. દરેક મહાન કાર્ય કરનારાઓએ મહાન સ્વપ્ના સેવ્યા છે અને તેને પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરી છે. કોઈ પણ સફળ વિદ્યાર્થી, સફળ ઉદ્યોગપતિ, સફળ શિક્ષક કે સફળ રાજનેતા કે કોઈ પણ ક્ષેત્રની સફળ વ્યક્તિને જોઈશું તો તેના મુળમાં તેમણે સેવેલાં મહાન સ્વપ્નાઓ હશે. ઉત્તમ કાર્યો ઉત્તમ વિચારોમાંથી જન્મે છે અને ઉત્તમ વિચારો ઉત્તમ સ્વપ્નાઓ જોવાથી આવે છે. જો બીલ ગેટ્સે માઈક્રોસોફ્ટને નંબર વન સોફ્ટવેર કંપની બનાવવાનું સ્વપ્ન ન જોયું હોત તો આજે સોફ્ટવેરની દુનિયામાં આટલી ક્રાંતી આવી હોત કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

આપણાં એક બ્લોગર શ્રી મુસ્તુફાચાર્યને તેમના શિક્ષક પાસેથી સાંપડેલ સફળતાનું સૂત્ર
(D + P + T ) * A = Success માં પણ D ફોર ડ્રીમ એટલે સ્વપ્ન માટે મુકવામાં આવેલ છે.

આજે જ્યારે આપણે ભારતમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર અને નીતીમત્તાનો હ્રાસ જોઈ રહ્યાં છીએ ત્યારે પ્રજાએ સામુહિક રીતે એકજૂટ બનીને ભ્રષ્ટાચાર મુક્ત અને નીતીમાન મનુષ્યો ઘડવાનું સ્વપ્ન જોવાનો સમય પાકી ગયો છે. જો પ્રજા સામુહિક રીતે ભ્રષ્ટ લોકોનો વિરોધ કરે – તેમના કરતૂતો ઉઘાડા પાડે અને તેમને કડકમાં કડક શિક્ષા થાય તેવી માંગણી બુલંદ બનાવે તો વિરાટ પ્રજાનો સામનો કરવાની તાકાત આ મગતરા સમાન ભ્રષ્ટાચારીઓમાં ક્યાંથી રહેશે?

અત્યારે ભાવનગરની જ એક તાજેતરની ઘટનામાં ભાવનગરની મહાનગર પાલિકાએ મનસ્વી રીતે તઘલઘી નિર્ણય લઈને પ્રજા પર અસહ્ય કરવેરાઓ ઝીંક્યા છે. જેનો પ્રજાજનો દ્વારા વિરોધ થઈ રહ્યો છે અને હજુ પણ જબરજસ્ત વિરોધ કરીને તેમને તેમના નિર્ણયને ફેરબદલ કરવો જ પડે તેવું સ્વપ્ન ભાવનગરની પ્રજાએ જોયું છે અને તે સ્વપ્નને તે પુરુ કરીને જ રહેશે.

તો મીત્રો, ખુલ્લી આંખે સ્વપ્ન જોવાનું અને તેને પુરા કરવા આયોજન બદ્ધ પરીશ્રમ કરવાનું આજથી જ શરું કરી દેશુંને?


તા.ક. – જમણી આંખનું અડધું વીઝન અત્યારે ગાયબ થઈ ગયું હોવા છતાં હું શા માટે બ્લોગ પર પોસ્ટ મુકું છું? તેનો જવાબ છે કે મેં સ્વપ્ન જોયેલું – એક સારા બ્લોગર બનવાનું.


Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

વિવિધતામાં એકતા – પ્રેરણા અને પ્રોત્સાહન (૬)


વિવિધતા માં એકતા – અરે આ તો કેવી વાત? જાત જાતની વિવિધતાઓ વચ્ચે આપણે જીવીએ છીએ. આપણા રંગો જુદા, આપણાં વિચારો જુદા, આપણાં ધર્મો જુદા, આપણી જાતી જુદી, આપણી રીતભાત જુદી – ઈશ્વરની સૃષ્ટિમાં કેટકેટલું વૈવિધ્ય છે. જાત જાતના ફળો, જાત જાતનાફૂલો, જાતજાતના પશુ-પક્ષીઓ, જાત જાતની વનસ્પતિઓ અને વૃક્ષો. જાત જાતના પહાડો, નદિઓ, ઝરણાઓ અને સમુદ્રો. જો બધું એકસરખું, એક ધારુ હોય તો કેટલો કંટાળો આવે? એક ની એક રીતે જીવવાનું, એકની એક રીતે વિચારવાનું , એક નું એક કામ કરવાનું , એકની એક વ્યક્તિ સાથે વાતો કરવાની, એકના એક ચવાઈ ગયેલા ગીતો સાંભળવાના, પ્રકૃતિના એકના એક મૌનને પડદા પાછળ થી સાંભળવાનું અને તેના મનઘડન અર્થો કરવાના આ બધું શું કંટાળા જનક નથી? તેમ છતાં તેમાં વિવિધતા છે, સમયે સમયે તેના જુદા અર્થો છે, જુદા જુદા ભાવો છે. એક નું એક ગીત તમે જ્યારે જુદી જુદી પરિસ્થિતિમાં સાંભળો છો ત્યારે તમે જુદો જ ભાવ અનુભવો છો. એકનું એક બાળક તમને જુદા જુદા સમયે જુદુ જુદુ નથી લાગતું? જે બાળક પર ૧૦૦% વહાલ ઉપજતું હતુ તે બાળક ઘણીયે વાર ૧૦૦% અકારું નથી લાગતુ ?

તો આ બધી વિવિધતામાં સામાન્ય તત્વ શું છે? જાતીઓમાં જોઈએ તો મનુષ્ય તરીકે આપણે સામાન્ય છીએ અને જાતી, ધર્મ, રંગ, દેશ, ભાષા, લિંગ વગેરેથી જાણે કે આપણે વિભાજીત થઈ ગયા હોઈએ તેમ લાગે છે. બધાની નસોમાં લાલ રક્ત જ દોડે છે અને છતાં બધાના વિચારો કેટલાં બધાં ભિન્ન છે – કેટલાં બધાં છિન્ન છે. મનુષ્ય અને પ્રાણીઓ કેટકેટલી રીતે જુદા પડે છે અને છતાં તેમનામાં સામાન્ય તત્વ પ્રાણ છે – બધાંએ ઓક્સીજનને જીવવા માટે લેવો પડે છે. તે બધાને એક સુત્રે બાંધનાર પ્રાણવાયું છે. એમ તો પ્રાણી, વનસ્પતિ, મનુષ્યો, પક્ષીઓ આ બધાંઓનો આધાર તો પૃથ્વી જ છે ને? એક જ ઘરમાં કેટકેટલા જીવજંતુઓ સાથે રહે છે અને બધાં તે ઘરને પોતાનું જ માને છે.

જ્યારે વિવિધતા એક બીજાની નજીક આવે છે ત્યારે તેના અનેક શક્ય પરીણામ સંભવે છે. બે જાતીના માણસો, બે ધર્મના માણસો, બે જુદા જુદા દેશના માણસો, બે જુદી જુદી ભાષાના માણસો મળે તો શું થાય? ઘણી શક્યતાઓ છે. કાં તો બંને એકબીજા પાસેથી કશુંક શીખે અને વધુ સમૃદ્ધ બને. કાં તો બંને એકબીજા પર આધિપત્ય જમાવવા પ્રયાસ કરે અને બંનેનો થોડા ઘણાં અંશે કે સમુળગો હ્રાસ થાય. કાંતો બંને એકબીજા પ્રત્યે ઉદાસીન રહે અને કશું ન થાય. પણ આમાંથી સારામાં સારી પરિસ્થિતિ કઈ? બંને એક બીજા સાથે કશુંક આદાન-પ્રદાન કરે અને બંનેનો વિકાસ થાય તે શ્રેષ્ઠ પરિસ્થિતિ ગણાય.

વિવિધતા તો આપણી ચારે બાજુ છે પણ તેમાંથી ડાહ્યાં માણસો એકતા શોધી કાઢે છે અને વિકાસ કરે છે અને મુર્ખાઓ એકબીજા સાથે બાખડે છે અને રકાસ પામે છે.

બોલો આપણે આ વૈવિધ્યમાંથી શું પ્રાપ્ત કરશું? સહકાર, સમન્વય, સંગમ દ્વારા વિકાસ કે અસહકાર, લડાઈ ઝગડા અને વિખવાદ દ્વારા રકાસ ? પસંદગી આપણા હાથમાં છે – સારું એ આપણું. બોલો તમને શું સારું લાગે છે?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | 1 Comment

સાતત્ય – પ્રેરણા અને પ્રોત્સાહન (૫)


હજારો માઈલોની મુસાફરી શરુ થાય છે માત્ર એક કદમથી.

સાતત્ય – સાતત્ય કેટલું જરૂરી છે જીવનમાં તે સમજાવવાની કોઈ જરૂર છે ખરી? શ્વાસ અને ઉચ્છવાસ જો સતત ન ચાલે તો? પૃથ્વી જો પોતાની ધરી ફરતે અને સુર્ય ફરતે સતત ન ફરે તો? શરીરની નસ-નાડીઓમાં લોહી સતત ન ધબકે તો? એક વખત વિમાન આકાશમાં ઉડ્યા પછી સતત ન ઉડે તો? આના જવાબો આપવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે જાણીએ છીએ કે જે પ્રક્રીયા સતત ચાલવી જોઈએ તે ન ચાલે તો પ્રણાલી અટકી જાય, વ્યવહાર થંભી જાય, ઉલ્કાપાત સર્જાઈ જાય.

જીવનના દરેક ક્ષેત્રમાં સાતત્ય જરૂરી છે. એક બાળક ભણવા બેસે પછી તેણે નીયમીત ભણવું જોઈએ – નહીં તો ઘર કામ ચડી જાય, પાકી નોટ પુરી કરવાની રહી જાય અને નાનકડું બાળક તણાવ જ તણાવ અનુભવે. વાહન ચાલક ગંતવ્ય સ્થાને પહોંચ્યા પહેલા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઉભો રહે, આમ તેમ ભટક્યા કરે તો તે ગંતવ્ય સ્થાને ક્યારે પહોંચે? ધ્યેય પ્રાપ્તિ માટે તો ચોક્ક્સ દિશા અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડી જ રહેવું પડે. મોટા ભાગના લોકો ઉઠે છે, જાગે છે અને પાછા સુઈ જાય છે. પરંતુ જો જાગત હે સો પાવત હે – જો સોવત હે સો ખોવત હે તે તો આપણે બધા કુદી કુદીને ગાઈએ છીએ અને છતાં ગાનારાઓમાંથી કેટલાયે પ્રાપ્તિ કરી તે યક્ષ પ્રશ્ન તો ઉભો જ રહે છે.

કોઈ એક દાદર ચડવો હોય તો તેના નાના નાના પગથીયાં એક પછી એક ચડતાં જઈએ અને પહોંચી જઈએ આપણે ઉપરના માળે – કુદકો મારીને દાદરો ન ચડી શકાય – એક એક પગથીયું જ ચડવું પડે. તેવી જ રીતે નોકરી કરનારે નીયમીત નોકરીએ જવું જોઈએ, વેપાર કરનારે નીયમીત વેપાર કરવો પડે, અભ્યાસ કરનારે સતત અભ્યાસ કરવો પડે, વૈજ્ઞાનિકે સતત પ્રયોગો કરવા જોઈએ, ડોક્ટરે નીયમીત સારવાર કરવી જોઈએ (કામના સમયે કવિતાઓ રચવા બેસે તે ન ચાલે), લેખકે નીયમીત લેખ લખવા જોઈએ, સોફ્ટવેર કન્સલ્ટન્ટે નીયમીત પોતાના ગ્રાહકોની સંભાળ લેવી જોઈએ (વચ્ચે વચ્ચે બ્લોગિંગ કરવા બેસી જાય તે ન ચાલે), ઓડીટરે નીયમીત ઓડીટ કરવું પડે (વચ્ચે વચ્ચે નૃત્ય કરવા લાગે તે ન ચાલે) . તેવી જ રીતે સફળ બ્લોગરે લગભગ રોજે રોજ પોસ્ટ મુકવી જોઈએ – અથવા તો ચોક્કસ સમયના અંતરે પોસ્ટ નીયમીત રીતે મુકવી જોઈએ. તો જ તે સફળ બ્લોગર થઈ શકે.

પ્રત્યેક ક્ષણે આપણાં જીવનની યાત્રા આગળ ચાલે છે – પરંતું જીવનની આ યાત્રાની સાથે જે સતત પોતાના લક્ષ્ય પ્રત્યે સજાગ છે તેની મંજીલ પર પહોંચવાની શક્યતા પુરે પુરી છે. જેવી રીતે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય તેવી રીતે પગલે પગલે પંથ કપાય. મંજીલ ઢુંકડી આવે અને એક દિવસ લક્ષ્ય પર પહોંચી જવાય. સફળતા માટે કોઈ જાદુઈ ચિરાગ નથી, કોઈ લોટરીની ટીકીટ નથી, કોઈ જેક્પોટ નથી, ગુલાબી સ્વપ્નાઓ કદી સફળતા ન અપાવે પણ યોગ્ય પુરુષાર્થ માત્ર મંજીલ સુધી લઈ જાય.

જો મનુષ્યને એટલી ખબર હોય કે મારું લક્ષ્ય શું છે? અને તે પાર કરવાનો રસ્તો ક્યો છે તો પછી હવે તેણે લક્ષ્યની ચિંતા કરવાની બદલે ચાલવા માંડવું જોઈએ અને લક્ષ્ય આપોઆપ વિંધાઈ જશે પણ જે માત્ર લક્ષ્યનું જ ચિંતન કર્યા કરે છે અને પગ પર પગ ચડાવીને કલ્પનાઓમાં, વિચારોમાં, દિવાસ્વપ્નોમાં રાચ્યા કરે છે પણ ચાલતો નથી, પુરુષાર્થ કરતો નથી તે ક્યારેય પોતાના ધ્યેય સુધી પહોંચી શકતો નથી.

એટલે જ સ્વામી વિવેકાનંદે આહ્વાન કર્યું કે – “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો” આ વાત માત્ર આળસુઓ માટે જ નથી કહેવામાં આવી – ઉદ્યમી પણ જો લક્ષ્ય પ્રાપ્તિ સુધી ન મંડ્યો રહે તો ખતા ખાઈ શકે છે.

તો મીત્રો મંજીલ સુધી પહોંચવાના ૩ પગથીયા નોંધી લેશુંને?
૧. લક્ષ્ય નક્કી કરો.
૨. લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ નક્કી કરો.
૩. ચાલવા માંડો.

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , | 1 Comment

પ્રેમ હોય ત્યાં ભય કેવો? – પ્રેરણા અને પ્રોત્સાહન (૪)

એક સ્ત્રી કેટલી ગભરું હોય છે? નાની બાબતોથી પણ તે ગભરાતી હોય છે પણ જો કોઈ હિંસક પશુ તેના બાળક પર હુમલો કરશે તો? તરત જ તે સ્ત્રી પોતાની બધી બીક છોડીને તે હિંસક પશુનો સામનો કરશે અને પોતાના બાળકને બચાવવા જાનની બાજી ખેલતાં પણ અચકાશે નહિં. આવું કેમ બન્યુ? શું તેને હિંસ્ર પશુનો ભય નથી લાગતો? ભય તો લાગે છે પણ પોતાના બાળક પ્રત્યે તેને પશુના ભય કરતા વધુ પ્રેમ છે અને તે પ્રેમને ખાતર ભયને વિસરી અને હિંમત બતાવે છે.

પ્રાણી માત્રમાં અભીનીવેશ નામનો ક્લેશ રહેલો હોય છે. અભીનીવેશ એટલે પોતાનો ઘાત ન થાય, પોતાનું મૃત્યું ન થાય તેવી અભીલાષા. અને આ અભીનીવેશ તેને ડગલે અને પગલે ભયભીત બનાવે છે. એક વખત જો કોઈ જાણી લે કે પોતે આ દેહથી પર એવું કોઈ તત્વ છે કે જેનો કદી ઘાત ન થઈ શકે – જેનો કદી નાશ ન થઈ શકે તો તે સતત એવી ધારણાથી આ અભીનીવેશ નામના ક્લેશ પર કાબુ મેળવી શકે. ગાંધીજીને દેશ પ્રત્યે, દેશવાસીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો અને તેથી તે કષ્ટ, પીડા, અપમાન, માર આ બધું સહન કરીને પણ દેશ સેવામાં લાગેલા રહેતા. કોઈ પણ મહાન કાર્ય પાછળ મોટા ભાગે જો કોઈ પ્રેરક બળ હોય તો તે પ્રેમનું હોય છે – લાગણીનું હોય છે.

પ્રેમ તે એક સાહજીક લાગણી છે. તેના અભ્યાસક્રમો નથી હોતા. માતા બાળકને પ્રેમ કરે છે તો તે પ્રેમ કરવાનું કાઈ પાઠશાળામાં શીખવા નથી જતી – તે પોતાની સહજ પ્રકૃતિથી જ બાળકને ચાહે છે. જગતને ચાલતું રાખતું, ધબકતું રાખતું – સતત આગળ ને આગળ ધપાવતું જો કોઈ જબરજસ્ત ચાલક બળ હોય તો તે પ્રેમ છે. સ્વાર્થ, કપટ, મારામારી, દ્વેષ, દગાબાજી આ બધું તો અણસમજણને લીધે આવે છે જ્યારે પ્રેમ તે તો પ્રાણીમાત્રની સ્વાભાવિક વૃત્તિ છે, સહજ પ્રવૃત્તિ છે. જો જીવનમાંથી પ્રેમ કાઢી લ્યો તો પછી આ પૃથ્વી પર જીવવા જેવું બચે છે જ શું? અરે દુષ્ટમાં દુષ્ટ માણસ પણ પોતાના સ્ત્રી અને બાળકોને ચાહે છે અને એટલે તો તે દુષ્ટતા આચરે છે. આમ દુર્જનોની દુર્જનતા કે સજ્જનોની સજ્જનતાના મુળમાં જોઈશું તો પ્રેમ જ હશે.

આવો આ પ્રેમનો આપણા જીવનમાં વિકાસ કરીએ અને ભય, દ્વેષ અને ધિક્કારને ફગાવી દઈએ. આ દોહરો તો સહુ કોઈને યાદ જ હશેને?

પોથી પઢ પઢ જગ મુઆ, પંડિત ભયા ન કોઈ
ઢાઈ અક્ષર “પ્રેમ” કા, પઢે સો પંડિત હોઈ

તો ચાલો આપણ સહુ પંડિત બનશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 1 Comment

ડગલું ભર્યું કે ના હઠવું – પ્રેરણા અને પ્રોત્સાહન (૩)


કદમ અસ્થિર હો તેને કદિ રસ્તો નથી મળતો
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો

આ મુક્તકો શું ખાલી વાંચવા અને લખવા માટે છે? ના – હરગીઝ નહિં. અરે, જો એકાદા યે સક્ષમ મુક્તકનું જો જીવનમાં આચરણ કરતાં આવડી જાય તો જીવનને નવી ઉંચાઈ પ્રાપ્ત થાય. મોટા ભાગની વ્યક્તિઓ જીવનમાં શા માટે નિષ્ફળ જાય છે? તેનો જવાબ સાદો છે – તેનામાં નીર્ણય શક્તિ નથી હોતી. જીવન એટલે અનેક સંભાવનાઓ અને શકયતાનો શંભુમેળો – પણ તેમાંથી પોતાને માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે તો સહુએ પોતાની મેળે જ નક્કી કરવું પડે. તેમાં બીજા કોઈનો મત ન ચાલે. સહુએ પોતાની જંદગીનો નિર્ણય મેળે જ લેવો પડે. અને એક વાર એક યોગ્ય નિર્ણય કરી લીધાં પછી જે પોતાના નિશ્ચયમાં દૃઢ રહે છે – કદીયે પાછી પાની કરતો નથી ક્યારેય ક્યારેય પોતાના ધ્યેયમાંથી ચલિત થતો નથી તે અને માત્ર તે જ સફળ થાય છે.

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , | 1 Comment

પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ

Categories: અધ્યાત્મ / યોગ | Tags: , , , , , , | 1 Comment

શું તમે જિવંત છો? – પ્રેરણા અને પ્રોત્સાહન (૨)

ImageSource: http://googlegadgetworld.com/motivation/motivational/rotate.php


મીત્રો,
અહીં એક ઈમેજ મુકી છે. તેમાં વ્યક્તિત્વને લગતાં ઘણા બધા ગુણધર્મો આપ્યાં છે. આપ આ ફાઈલને કોપી કરીને પ્રીન્ટ આઉટ કાઢીને પછી જેટલાં ગુણ તમારામાં ન હોય તેની પર આડી લીટી દોરી દ્યો. બાકી વધેલાં ગુણોનો સરવાળો કરો અને જાણી લ્યો કે તમે શું છો એટલે કે ગુણધર્મની દૃષ્ટિએ તમારું પોતાનું મૂલ્યાંકન શું છે. આજે આ સ્વ-મૂલ્યાંકન કરશુને? તો રાહ કોની જુવો છો? ઉપરની ઈમેજ પર રાઈટ ક્લિક કરો. Save as કરીને તમારા કોમ્પ્યુટરમાં ડાઉન લોડ કરો. પ્રિન્ટ આઉટ કાઢો, લીટી કરો, બાકી રહેલાં ગુણોને ગણી લ્યો અને કરી લ્યો તમારુ પોતાનું સેલ્ફ-એસેસમેન્ટ. બોલો હવે તમારે ક્યાં કોઈના પ્રમાણપત્રની જરૂર છે?


૧. Active – સક્રિય; ક્રિયાશીલ
૨. Adventurus – સાહસિક; સાહસી; જોખમ ખેડનાર
૩. Authentic – પ્રમાણિત; પ્રામાણિક; અધિકૃત; પ્રમાણભૂત; પ્રમાણસિદ્ધ; વિશ્વાસપાત્ર
૪. Awesome – અસરકારક; ખૂબ જ પ્રભાવિત કરનાર
૫. Beautiful – સુંદર; આકર્ષક
૬. Bold – બહાદુર; ઘાટું
૭. Brave – બહાદુરીથી ભરપૂર
૮. Capable – ક્ષમતાવાન; શક્તિમાન
૯. Caring – સંભાળ લેનાર
૧૦. Confident – વિશ્વાસથી ભરપુર
૧૧. Courageous – હિંમતવાન
૧૨. Curious – જીજ્ઞાસાવાન, ઉત્કંઠાવાન
૧૩. Dependable – ભરોસાપાત્ર
૧૪. Determined – નિર્ણયોમાં અડગ રહેનાર
૧૫. Distinct – પોતાની આગવી ઓળખ ધરાવનાર
૧૬. Dynamic – ગતિશીલ
૧૭. Energetic – ઉર્જાવાન
૧૮. Enthusiastic – ઉત્સાહથી ભરપુર
૧૯. Exceptional – અપવાદરૂપ
૨૦. Fascinating – મોહ પમાડનાર; ઘેલું લગાડનાર; વશીકરણ કરનાર
૨૧. Feisty – ઉર્જા અને હિંમતથી ભરપુર
૨૨. Fun – રમૂજ
૨૩. Gutsy – સમસ્યા ઉકલતની આવડત હોય તેવું
૨૪. Happy – સુખી
૨૫. Hardworking – પુરુષાર્થી; સખત મહેનત કરનાર
૨૬. Healthy – તંદુરસ્ત
૨૭. Helpful – મદદરુપ બનનાર
૨૮. Honest – પ્રામાણિક
૨૯. Imaginative – કલ્પનાશીલ (તરંગી નહીં હો)
૩૦. Important – મહત્વનું
૩૧. Interesting – રસપ્રદ
૩૨. Intelligent – બુદ્ધિશાળી; અક્કલનો ઈસ્કોતરો
૩૩. Joyful – આનંદથી ભરપુર
૩૪. Kind – ભલો (ભોળો ભોટ નહીં હો)
૩૫. Likeable – ગમી જાય તેવો
૩૬. Lively – જિવંત
૩૭. Loyal – વફાદાર
૩૮. Magical – જાદુઈ
૩૯. Motivated – પ્રેરણાઓ પ્રાપ્ત કરેલો
૪૦. Memorable – યાદગાર
૪૧. Myself – મારી મેળે; હું પોતે
૪૨. Natural – કુદરતી; સ્વાભાવિક
૪૩. Nice – સુંદર; સરસ
૪૪. Noticeable – ધ્યાનમાં લેવો પડે તેવો
૪૫. Open minded – ખુલ્લા મનનો
૪૬. Optimistic – આશાવાદી
૪૭. Original – મુળભુત; ભેળસેળ કે નકલ વગરનું
૪૮. Persistent – સાતત્યવાળું
૪૯. Positive – હકારાત્મક
૫૦. Precious – અમૂલ્ય; ખૂબ જ આદરપાત્ર; વ્હાલસોયુ – પ્રેમાસ્પદ
૫૧. Proud – ગૌરવ; ગર્વ
૫૨. Quirky – બધાથી અલગ; ઘણું દૂર
૫૩. Real – વાસ્તવિક
૫૪. Reliable – ભરોસાપાત્ર; વિશ્વાસપાત્ર
૫૫. Resourceful – વ્યવહારુ; કાર્યશીલ
૫૬. Responsible – જવાબદાર
૫૭. Sharp – તીક્ષ્ણ બુદ્ધિશાળી
૫૮. Spiritual – આધ્યાત્મિક
૫૯. Surprising – આશ્ચર્યજનક
૬૦. Sympathetic – સહાનુભુતી પૂર્વક વર્તનાર
૬૧. Thoughtful – દરકાર કરનાર
૬૨. Tolerant – ખુલ્લા દિલનો
૬૩. Trustworthy – ભરોસાપાત્ર
૬૪. Unique – અતુલ / તુલના ન થઈ શકે તેવો
૬૫. Unselfish – સ્વાર્થ રહિત
૬૬. Upbeat – આનંદી
૬૭. Valuable – મૂલ્યવાન
૬૮. Versatile – હાથવગો
૬૯. Vigorous – ઉત્સાહથી ભરપૂર
૭૦. Warm – હુંફાળો / પ્રેમાળ
૭૧. Wise – ડાહ્યો / ડહાપણ ભરેલું
૭૨. Wonderful – અચરજકારક
૭૩. Young – યુવાન
૭૪. eXtraSpecial – ખાસ / વિશેષ
૭૫. flexible – સ્થિતિસ્થાપક
૭૬. Zany – તોફાની


હવે જે ગુણ આવે તેમાંથી ૧ બાદ કરીને પછી વધેલા ગુણને ૪થી ગુણો અને ૩થી ભાગો. તમે કેટલા ટકા જિવંત છો તેનો આ આંક છે. અને હા, જિવંત લોકો કોમેન્ટ બોક્ષમાં આ લેખ કેવો લાગ્યો તે દર્શાવી શકે છે અથવા તો પોસ્ટના Like બટન પર ક્લિક કરી શકે છે અથવા તો પોસ્ટને રેટીંગ આપી શકે છે.

શું તમે જિવંત છો?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | 2 Comments

Create a free website or blog at WordPress.com.