Monthly Archives: March 2011

આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો

આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું?
કેટલી કમાણી કરી, કેટલું છે દેવું?
કાઢી સરવૈયું કોઇ સંતને બતાવજો;
આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો.

મિત્રો,

આજે નાણાંકીય વર્ષ ૨૦૧૦-૧૧નો છેલ્લો દિવસ. સહુ વેપારી પોતપોતાના ચોપડાં સરખાં કરવામાં પડ્યાં હશે. વેપારીઓ ખરેખર વ્યવહાર કાઈક કરે અને ચોપડે કાઈક બતાવે. જીવનમાં આપણે પણ એવું જ કરીએ છીએ ને? ચોપડાં ઓડીટ થાય – ઓડીટરો પણ વેપારીની સાથેની મીલીભગતને કારણે આંખો બંધ કરીને ટીક માર્યે રાખે. સ્ક્રુટિની આવે તો તેમાં પણ ઈન્કમટેક્ષ અધિકારી સાથે પતાવટ થાય. પરીણામે લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય અને દેવડીએ દંડાય ચોર મૂઠી જારના.

જિંદગીના ચોપડામાં આવું બધું ચાલતું નથી. ખોટું કામ કરતાં પહેલા સહુથી પહેલો અંતરાત્મા ડંખે. આપણે બધા બીજાનું ઓડીટ કર્યા કરીએ પણ પોતાનું ઓડીટ કદી નહીં પરીણામે આપણો પોતાનો ચોપડો જ ગંદો – ગોબરો અને અટપટા વ્યવહારોની આંટી-ઘુંટી જેવો બની જાય – જેમાંથી નીકળવાનું આપણને જ ન ફાવે.

આજે નાણાંકીય હિસાબોનો ચોપડો સરખો કરવાની સાથે સાથે જરાક જિંદગીના ચોપડામાં પણ નજર કરવાનું ભુલાય નહિં તે જો જો. અને જો જિંદગીના ચોપડામાં ગરબડ લાગતી હોય તો આવતી કાલથી નવું નાણાંકીય વર્ષ શરુ થાય છે તો આજથી જ આગોતરો સંક્લ્પ કરીને ૧લી તારીખથી તો જિંદગીના ચોપડામાં કોઈ ગરબડ નહિં જ કરુ તેવો સંકલ્પ અને શપથ લઈશું ને?

Categories: ચિંતન | Tags: , , , | Leave a comment

ચક દે ઈન્ડિયા

“How respectful is d Pakistan Team that their prime minister himself has come to pick them up from mohali to pakistan…”Chak de India..

પાકીસ્તાનની ક્રીકેટ ટીમ કેટલી બધી આદરપાત્ર છે કે જેમના વડાપ્રધાન તેમને મોહાલીથી પાકિસ્તાન તેડી જવા માટે રુબરુ આવ્યાં. ચક દે ઈન્ડિયા.

– ભાવનગરી ગૃપના ઈ-મેઈલમાંથી સાભાર

Categories: ઊજવણી, હળવી પળો, હાસ્ય | 4 Comments

નીરાશાને ગોળી મારીએ

 

 

મીત્રો,

છેલ્લા ૩ અઠવાડીયાથી મારે માટે સંઘર્ષમય દિવસો આવ્યા છે. Optic Nuritis  નામની આંખની બીમારીને લીધે એક આંખની દૃષ્ટી લગભગ લુપ્ત થઈ ગઈ છે. એક આંખે જોવાનું ફાવે નહીં વળી તકલીફવાળી આંખમાં થતા ફેરફારની અસર સારી આંખમાં પણ થયા કરે તેથી ઉપાય તરીકે એક આંખે જુના જમાનામાં ચાંચિયાઓ જેવી પટ્ટી બાંધતા તેવી પટ્ટી લટકાવેલી રાખું છું. ઉપચાર ચાલે છે. ફરજીયાત આરામ ક્યારેક હતાશા આપે છે પણ ફરી પાછો હતાશા ખંખેરીને મનને મક્કમ કરીને બેઠો થઈ જાવ છું. અશોકભાઈ જેવા મિત્રો આ બીમારી વિશે ઈન્ટરનેટ પર સંશોધન કરીને ગુજરાતીમાં મને તેનું ભાષાંતર મોકલશે તો ગમશે. આપણાં વ્હાલા “બાપુ” શ્રી ભુપેન્દ્રસિંહજી ઘરે આવીને પાછા સન્નાટાની નગરીમાં પહોંચી ગયા છે તેમ અલપ ઝલપ જાણેલું. “મીતાબહેને” પણ એક પોસ્ટ મુકેલી તે ઉપર છલ્લી વાંચેલી. એક વાત કહું “મીતાબહેન” ? તમારે કશી સ્પષ્ટતા કરવાની જરૂર નહીં – તમે પોસ્ટ લખશો કે નહિં લખો પણ મારા બહેન તમે મને વ્હાલા જ લાગવાના છો.

 

લ્યો આ તો જરાક “ટહુકો” કરવા આવ્યો હતો. બાકી કોમ્પ્ય઼ુટર સામે બેસવાની સખત મનાઇ છે. ફરી મળશું પાછાં – રામે રામ…..

Categories: કેમ છો? | Tags: , , | 19 Comments

અનિશ્ચિત સમય સુધી બ્લોગિંગ સ્થગિત કરેલ છે.

મિત્રો,

અનિવાર્ય સંજોગોને કારણે અનિશ્ચિત સમય સુધી બ્લોગિંગ બંધ કરેલ છે. બ્લોગ-જગત મારા માટે એક પરિવાર સમાન છે. પણ પણ પણ મીત્રો હાલમાં બ્લોગિંગ કરી શકવા માટેની શારિરિક અક્ષમતાને લીધે બ્લોગિંગ – ન કહી શકાય તેટલા કાળ સુધી સ્થગિત કરેલ છે. એક બ્રેક પછી મળશું કે આ અંતિમ પોસ્ટ હશે તે કહેવું પણ અત્યારે મુશ્કેલ છે. તો કદાચ બ્રેક પછી મળશું અને નહિં તો સહુને સ-સ્નેહ “જયશ્રી કૃષ્ણ”

અને હા, જ્યારે પણ મારી યાદ આવે ત્યારે ખડખડાટ હસજો અને નહિં તો એક સ્મિત તો જરૂર કરજો. કરશોને?

🙂 😛

 

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 14 Comments

અપને હિ રંગમે રંગદે – અનુપ જલોટા

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , , , | 1 Comment

હવે તમારો દાવ – પ્રેરણા અને પ્રોત્સાહન (૧૪)

જીદંગી એક રમત છે – રમો
જીંદગી એક પડકાર છે – જીલો
જીંદગી એક તક છે – ઝડપી લ્યો

શું તમે ક્યારેય શતરંજ રમ્યા છો? આ રમતમાં બે ખેલાડી હોય છે. બંને પાસે કુલ ૧૬ મહોરાં હોય છે.

રાજા (૧) – એક ડગલું બધી દિશામાં ચાલી શકે.
પ્રધાન (૧) – બધી દીશામાં ગમે તેટલાં ડગલા ચાલી શકે.
હાથી (૨) – કોઈ પણ દિશામાં સીધું ગમે તેટલા ડગલાં ચાલી શકે.
ઘોડા (૨) – આજુબાજુના કુલ આઠ ખાનામાં ૨.૫ ડગલા ચાલી શકે.
ઉંટ (૨) – કોઈ પણ દિશામાં ત્રાંસુ ગમે તેટલા ડગલાં ચાલી શકે.
પાયદળ (૮) – પ્રથમ વખત એક કે બે અને ત્યાર બાદ એક ડગલું સીધું ચાલી શકે અને મારતી વખતે ત્રાંસુ ચાલે.

કોઈ પણ મહોરાને મારી શકાય પણ રાજાને મારી શકાય નહીં. રમતનો હેતુ જ સામાવાળાના રાજાને કેદ કરવાનો છે. સામે વાળા પાસે વધારે મહોરા હોય તો પણ જો તેનો રાજા કેદ થઈ જાય તો તે હારી ગયો ગણાય. દુર્યોધન મહાભારતના યુધ્ધમાં હારવા લાગેલો ત્યારે તેણે યુધિષ્ઠીરને જીવતા પકડવા તેવો વ્ય઼ુહ ઘડ્યો હતો.

આ આખીયે રમત બોર્ડ ઉપર રમાય. બે ખેલાડી કશું બોલે નહીં, માત્ર દિર્ઘ કાળ સુધી વિચારે પછી એક ચાલ ચાલે અને ફરી પાછા વિચાર કરવા લાગે. બંને ખેલાડીએ વારા ફરતી એક ચાલ ચાલવાની. જેનો રાજા કેદ થઈ જાય તે હારી જાય. USA, USSR ના ખેલાડી શતરંજમાં આગળ પડતાં હોય છે. હાલમાં ભારતના વિશ્વનાથ આનંદનો આ ખેલમાં ડંકો વાગી રહ્યો છે. આ ખેલ તમને માનસીક સંઘર્ષ કરતાં શીખવે છે. જો કોઈએ સારા પ્રોગ્રામર બનવું હોય તો તેણે શતરંજ જરૂર રમવું જોઈએ. જેનું ગણીત અને તર્ક સારા હોય તે આ રમતમાં સહેલાઈથી વિજયી નીવડી શકે છે, અનેક શક્ય ચાલોમાંથી જે કુનેહભરી ચાલ ચાલે છે તે જીતે છે અને જે મુર્ખાઈભરી રીતે વિચાર્યા વગર આડે ધડ ચાલ ચાલે છે તે હારે છે. રમતને અંતે કોઈ કશું મેળવતું નથી કે કોઈ કશું ગુમાવતું નથી (સિવાય કે સમય) પણ આ રમત ખેલાડીને માનસીક રીતે મજબુત બનાવે છે. હાર અને જીત બંને પચાવવા માટે સક્ષમ બનાવે છે. આ રમત શક્ય હોય તો દરેકે સમયનું ભાન રાખીને અઠવાડીયે બે-ત્રણ કલાક તો રમવી જ જોઈએ..

જીંદગી એક પડકાર છે તે વિશે આપણે આગળના લેખમાં થોડું જોયું હતુ. તેના વિશે ખાસ કશું લખવા જેવું નથી કારણ કે આપણે જીવનમાં ડગલે અને પગલે અનેક પડકારોને અનુભવીએ છીએ. પ્રશ્ન માત્ર તે છે કે આ પડકારોને આપણે પગથીયાં બનાવીને આગળ વધીએ છીએ કે દિવાલ સમજીને અટકી જઈએ છીએ.

જીંદગી એક તક છે – પ્રત્યેક સવાર એક નવી તક લઈને આવે છે. પરોઢીયે પંખીઓ દાણાં ચણવા નીકળી પડે છે. વૃક્ષો પર નવા ફુલો આવે છે. વાતાવરણમાં નવી તાજગી આવે છે. ત્રણે તાપમાંથી રાહત આપનારી યામિની દરમ્યાન વિશ્રામ પામ્યાં બાદ પ્રભાત આપણે માટે એક નવો દિવસ, એક નવી તક, એક નવી યાત્રા લઈને આવે છે. આપણાંમાંથી જેઓ રોજે રોજ આ તકને ઝડપતા રહે છે, જીવનને આનંદથી જીવતા રહે છે, જીંદગીની આ સફરને ઉત્સાહપૂર્વક ખેડતાં રહે છે તેઓ હંમેશા તરોતાજા રહે છે. તેમની આસપાસ આવનાર સહુ કોઈ તેના ઉત્સાહથી સંચારીત થઈને પ્રફ઼ુલ્લિત થઈ જાય છે. તેના જીવનમાં નિત્ય નવીન રીતે દામિની અજબ ગજબના ચમકારા કરે છે. તેની પ્રજ્ઞા પ્રગાઢ થતી જાય છે. તે જાણે કે પરેશ (પરમાત્મા/બ્રહ્મા/વિષ્ણુ) બની જાય છે. તેઓ પોતાના અને બીજાના જીવનનું કલ્યાણ કરનારા કલ્યાણી બની જાય છે.

બોલો તો તમે જીવનની રમત રમવા, જીવનના પડકારને ઝીલવા અને જીવનમાં આવતી તકને ઝડપવા માટે તૈયાર છો?

તમે જ નક્કી કરો કે:

હું છું સપનું કે જોનારો, હું પ્યાદું કે હું રમનારો ?
તર્કવિતર્ક બધા છોડી દૈ રમવાનું છે રામભરોસે – મધુમતી મહેતા

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , , , , , , | Leave a comment

શું જીવન એક પડકાર છે? – પ્રેરણા અને પ્રોત્સાહન (૧૩)


સતત દબાવી દે તેવા પ્રતિકુળ સંજોગો વચ્ચે વ્યક્તિત્વનો થતો વિકાસ અને પ્રગતી એનું નામ જીવન – સ્વામી વિવેકાનંદ.

જીવન શું છે? જીવન એક પડકાર છે. પ્રત્યેક ક્ષણે જીવવા માટે સંઘર્ષ કરવો પડે છે. નબળાને દબવી દેવા માટે સબળો હંમેશા તત્પર રહે છે. નાના નાના પ્રાણીઓનો મોટાં પ્રાણીઓ શિકાર કરે છે. નાની માછલીઓને મોટી માછલીઓ ખાઈ જાય છે. નાના નાના ઉધ્યોગગૃહોને બહુ-રાષ્ટ્રીય કંપનીઓ હડપ કરી જાય છે. પ્રાણી માત્રને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સતત સંઘર્ષ કરવો પડે છે. જે વ્યક્તિ, કુટુંબ, સમાજ, જાતી, સમૂહ, પ્રજા અને દેશ સતત પડકારોને જીલતાં રહીને અવિરત સંઘર્ષ કરે છે તેઓ જ માત્ર પોતાનું અસ્તિત્વ ટ્કાવી રાખવા માટે સક્ષમ બને છે.

કોઈ કાયમને માટે ક્યારેય નીંરાત ન અનુભવી શકે. આટલાં રુપિયા કમાઈ લીધા એટલે હાશ કે આટલું જાણી લીધું એટલે હાશ તેવું થઈ શકતું નથી. પ્રકૃતિની પકડમાંથી કોઈ છટકી શકતું નથી. કોઈ આર્થિક વિકાસ સાધી લે તો પ્રકૃતિ તેને હોનારત અને મહામારીના એક જ પ્રહારથી જમીનદોસ્ત કરી શકે છે. કોઈ શારિરિક વિકાસ પ્રાપ્ત કરી લે તો પ્રકૃતિ તેને આર્થિક રીતે ભીંસમાં લેશે. કોઈ બૌદ્ધિક વિકાસ સાધી લે તો પ્રકૃતિ તેના પર જાતજાતના આરોપો અને લાંછન લગાડીને તેને સકંજામાં લેશે. અહીં કોઈને સંપૂર્ણ સુખી જોવા તે આકાશ કુસુમવત છે.

તો આ સતત પડકારોનો સામનો કઈ રીતે કરશું? તેનો જવાબ છે સતત પોતાનું આંતરિક સત્વ મજબુત કરતા જવું. સ્વામી વિવેકાનંદ કહે છે કે – બાહ્ય પરિસ્થિતિ પર આપણો ભલેને બિલકુલ કાબુ ન હોય પણ આપણી આંતરિક પરિસ્થિતિ પર કાબુ મેળવવો તે તો આપણાં હાથની વાત છે. અને જે વ્યક્તિ મજબુત મનનો, વિશાળ હ્રદયનો અને સાથે સાથે સતત પોતાની બૌધ્ધિક ક્ષમતા વિકસાવવા માટે કૃતનીશ્ચયી હોય જે દૃઢ નીતીમાન અને ચારિત્ર્યવાન હોય તેની પર લોકો ગમે તેટલો કાદવ ઉછાળે તો પણ તે સતત પોતાના હોઠો પર એક સ્મિત ફરકતું રાખે છે. લોકોની ટિકાઓનો જવાબ તે પોતાના મજબુત ઈરાદાઓ અને હૈયાની મક્કમતાથી એક નાનકડાં સ્મિત દ્વારા આપે છે.

જીવનના યુદ્ધમાં જે સમજી લે છે કે “હું તો બસ અહિં ફરવા આવ્યો છું – હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું” – તેવી વ્યક્તિ સતત કાર્યરત રહેતી હોવા છતાં કશુંયે કરતી નથી. મોટાં મોટાં મહેલોનો વૈભવ હોય કે ભોંય પથારીએ સુતો હોય તેના મુખની એક પણ રેખા વક્ર બનતી નથી. તેના હ્રદયમાંથી સ્નેહની સરવાણીઓ કદીયે ખૂટતી નથી. તેના હાથ મહેંદી મુકાયેલા હાથ જેવા લાલમલાલ હોય છે, તે એક પ્રેમના પમરાટ જેવી હોય છે. તેની પ્રજ્ઞા કદીયે ઘટતી નથી. તે મીતાહારી હોય કે અલ્પાહારી હોય કે વૃકોદરની જેવો અકરાંતીયો હોય તે જે કાઈ ખાય તે પચાવવાની તેનામાં ક્ષમતા હોય છે. તે તલવારધારીઓ કે મુક્કા ઉગામનારાઓથી ડરતી નથી અને નાના નાના બાળકોને ક્યારેય ડરાવતી નથી. તેના હ્રદયમાં હંમેશા અલખનો એક અક્ષર નાદ થયા કરે છે. તે વાંચે છે, લખે છે, હસે છે, રમે છે, રડે છે, ગીતો ગાય છે, નાચે છે, કુદે છે અને આવું બધું જ કરતી હોવા છતાં કશું જ કરતી નથી. તેના કંઠમાંથી “ટહુકા”ઓ ટહુક્યા કરે છે, તેની આંખોમાંથી પ્રેમ નીતરતો રહે છે. તેના વાત્સલ્યનો પ્રેમાળ હાથ સતત ફરતો રહે છે. તેના લાગણી ભીના શબ્દો અનેકના હ્રદયને શાતા આપ્યા કરે છે. તે સંત ન હોવા છતાં સંત છે. તે મૌન ન રાખતી હોવા છતાં મુનિ છે. તે સાધુ ન હોવા છતાં સિદ્ધ છે અને છતાંયે બધી જ સિદ્ધિઓથી પર હોય છે. આવું વ્યક્તિત્વ કેળવવું એ જીવનનું લક્ષ્ય છે.

બોલો શું તમે તમારા વ્યક્તિત્વને આવી ઉંચાઈ સુધી પહોંચાડવા અને જીવનમાં ડગલે અને પગલે આવતાં પડકારોને પડકારવા માટે અંદરથી તાકતવર છો?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 1 Comment

સત્યના પ્રયોગો – પ્રસ્તાવના

મીત્રો,
આદરણીય વડીલ બ્લોગરશ્રી અરવિંદભાઈએ તેમના પ્રિય જીવનસંગીનીની પુણ્યતિથિ નીમીત્તે ’સત્યના પ્રયોગો’ મીત્રો, સ્નેહીઓ અને સગાં-સંબધીઓને ભેટરુપે આપેલ છે. મને પણ એક કોપી ભેટ મોકલેલ છે. આજે આપણે આ પુસ્તકની પ્રસ્તાવના જોઈશું.







Categories: આત્મકથા, સાહિત્ય | Tags: , , | 4 Comments

જ્ઞાનં બંધ: – પ્રેરણા અને પ્રોત્સાહન (૧૨)

જ્ઞાનં બંધ:

શિવસૂત્રમાં જ્ઞાનને બંધનરૂપ કહ્યું છે. સામાન્ય રીતે આપણે જ્ઞાનને શક્તિ કહીએ છીએ – Knowledge is power. અહિં જ્ઞાનને બંધનરૂપ શા માટે કહેવામાં આવ્યું?

આપણે સહુ પાંચ જ્ઞાનેન્દ્રિયો ધરાવીએ છીએ. આ જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી આપણને બાહ્ય પદાર્થોનું જ્ઞાન થાય છે. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા આપણને દ્ર્શ્યનું અથવા તો રૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે અંધ છે તેને માટે શું સુંદર? અને શું કુરૂપ? સૂરદાસ રૂપ પાછળ અંધ હતા. એટલા બધાં આસક્ત હતા કે તેમને થયું કે જો મને રૂપની આટલી બધી ઘેલછા લાગેલી રહેશે તો હું ઇશ્વરનું ભજન કેવી રીતે કરી શકીશ? અને કહેવાય છે કે તેમણે પોતાની આંખો ફોડી નાંખી. ત્યારબાદ તેઓ ઇશ્વર ભક્તિમાં એવા તો મગ્ન બની ગયા કે તેમણે એવા એવા ભક્તિ પદો રચ્યા કે જે આજે પણ ભક્તો ભાવવિભોર થઈને ગાય છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન – આપણા ચીત્તમાં એક સંસ્કાર ઉભો કરે છે. જો વિવેકબુધ્ધી ન હોય તો આ જ્ઞાન જે તે સંસ્કાર માં આસક્તિ ઉત્પન્ન કરીને ફરી ફરીને ઇંદ્રિયોના તે વિષય પાછળ મનુષ્યને લોલુપ બનાવે છે અને આવું ઈંદ્રિયજન્ય જ્ઞાન બંધનરૂપ બની જાય છે.

શંકરાચાર્યજી મહારાજ સદાચાર સ્તોત્રમાં કહે છે કે:

જ્ઞાનાજ્ઞાન વિલાસોયં જ્ઞાના જ્ઞાનેન શામ્યતિ
જ્ઞાનાજ્ઞાન પરિત્યજ્ય જ્ઞાનમેવાવશિષ્યતે

આ આખુંયે જગત આપણાં માટે જ્ઞાન અને અજ્ઞાનનો વિલાસ માત્ર છે. આપણે સતત જ્ઞાન અને અજ્ઞાનની વચ્ચે જીવીએ છીએ. બાળક જન્મે છે ત્યારે કોરી પાટી લઈને આવે છે. તે આજુ બાજુ જુવે છે અને આસપાસના મનુષ્યો પાસે જાતજાતની આવડત હોય છે, જ્ઞાન હોય છે તેથી તેને થાય છે કે આ બાબતનું મારામાં અજ્ઞાન છે. પરીણામે તે કૌશલ્ય પ્રાપ્ત કરવા તે મહેનત કર છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવું જ્ઞાન પ્રાપ્ત કરીને તે પોતાને જે તે બાબત્નો જ્ઞાની માને છે. વળી પાછું બીજા કોઈ ક્ષેત્રમાં ડોકીયુ કરે છે અને પોતાને અધૂરો સમજે છે, વળી તેનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પાછો પોતાને જ્ઞાની માને છે. આમ સતત જ્ઞાન અને અજ્ઞાનનો વિલાસ ચાલે છે અને અજ્ઞાનનું જ્ઞાનથી શમન કરે છે. વળી પાછું નવું અજ્ઞાન અનુભવે છે વળી પાછું જ્ઞાનથી અજ્ઞાનનું શમન કરે છે.

છેવટે એક તબક્કો એવો આવે છે કે જ્યારે તેને સમજાય છે કે આ બધાં દૂન્યવી જ્ઞાન અને અજ્ઞાનનો કોઈ અંત નથી. આનો કશો છેડો આવે તેમ નથી. ત્યારે તે પોતાને જ્ઞાની કે અજ્ઞાની માનવાનું છોડી દે છે. જ્ઞાન અને અજ્ઞાન બંનેનો મનથી ત્યાગ કરે છે અને તરત જ તે અનુભવે છે કે જ્ઞાન અને અજ્ઞાન બંનેને જાણનારો તે પોતે જ જ્ઞાન સ્વરૂપ છે.

પ્રત્યેક અનુભવ ચિત્તમાં એક સંસ્કાર છોડતો જાય છે. આ સંસ્કાર ચિત્તમાં આજીવન રહે છે. ફરી જ્યારે તે પ્રકારનો અનુભવ થાય ત્યારે ચિત્તમાં તે સંસ્કાર સ્મૃતિરૂપે બહાર આવે છે. આપણાં ચિત્તને એક સ્મૃતિગ્રંથ જ સમજી લ્યો ને. જ્યારે જ્યારે નવો અનુભવ થાય ત્યારે આપણે ચિત્તમાં તેવા અનુભવને શોધીએ છીએ. જો તેવો અનુભવ મળે તો તેવે વખતે શું બન્યું હતું તે બધું જ ક્ષણાર્ધમાં આપણાં માનસપટ પર આવી જાય છે અને પૂર્વના સંસ્કારોના આધારે નવા અનુભવ સાથે આપણું કામ પાર પાડીએ છીએ. વળી જો નવો જ અનુભવ હોય તો તેને આપણે સંસ્કારરુપે સંગ્રહીએ છીએ. આપણું ચિત્ત એક વિશાળ Storage Device જેવું છે. જેમાં જીવનપર્યંતના અનુભવો સંસ્કારરૂપે સચવાયેલા હોય છે. પૂર્વ જન્મના સંસ્કારો પણ તેમાં હોય છે પરંતુ તેને Disable કર્યા હોવાથી અત્યારે તે આપણાં માનસપટ પર આવી શકતાં નથી. તેમ છતાં યોગીઓ પ્રયત્નથી ઈચ્છે તો તે Access કરી શકે છે.

ટુંકમાં પ્રત્યેક જ્ઞાન આપણાં ચિત્તમાં એક સંસ્કાર સંગ્રહિત કરે છે.

શું આપણે આપણાં ચિત્તમાં સંગ્રહાયેલા અનેકવિધ સંસ્કારોથી વાકેફ છીએ?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , | Leave a comment

ઉદ્યમ – પ્રેરણાં અને પ્રોત્સાહન (૧૧)


ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણિ ન મનોરથૈ:
ન હિ સૂપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા:

ઉદ્યમ દ્વારા જ સફળતા પ્રાપ્ત થાય છે ક્યારેય માત્ર મનોરથ કરવાથી કાર્ય સિદ્ધ થઈ શકે નહિં. સુતેલા સિંહના મુખમાં કોઈ પ્રાણી કદી તેની મેળે આવીને પ્રવેશ કરતું નથી.

શું કારણ વગર કાર્ય સંભવે ખરું? કાર્ય કર્યા વગર સફળતા મળે ખરી? શું Work ની પહેલાં Success હોય? હા હોય, પણ માત્ર Dictionaryમાં. આલ્ફાબેટીકલી ગોઠવણ કરીએ તો અંગ્રેજી Dictionaryમાં Work ની પહેલા Success આવે – પરંતુ જીવનમાં પુરુષાર્થ વગર, કાર્ય કર્યા વગર સફળતા કદી ન મળે. ઘણાં લોકો જાતજાતની કલ્પનાઓ કરતાં હોય છે અને ભાતભાતના સ્વપ્નાઓ જોતાં હોય છે. પરંતુ કલ્પનાઓને મૂર્તીમંત કરવા અને સ્વપ્નાઓને સાકાર કરવા કશો પુરુષાર્થ કરતાં નથી. ઘણાં સમયના અંતે તેમની કલ્પનાઓ હવાઈ કિલા સાબીત થાય છે અને સ્વપ્નાઓ ચકનાચૂર થઈ જાય છે. ત્યારે તેઓ આંસુ સારતા એમ કહે છે કે જીવનમાં કશી મજા આવતી નથી. જો તેમણે પોતાની કલ્પનાઓને મૂર્તિમંત કરવા તથા સ્વપ્નાઓને સાકાર કારવા પુરુષાર્થ કર્યો હોત તો આજે માથે હાથ દઈને રોવા બેસવાનો વારો ન આવ્યો હોત.

બેંજામીન ફ્રેંકલિન તેમની આત્મકથામાં કહે છે કે:
At the working man’s door, hunger looks in but dare not to enter.

કાર્ય કરતી વ્યક્તિ, કોઈને કોઈ પુરુષાર્થમાં જોડાયેલી વ્યક્તિના બારણામાં ભુખ કદાચ ડોકીયું કરી જાય પરંતુ તેના ઘરમાં પ્રવેશવાની હિંમત કરી શકતી નથી.

ઘણાં લોકો તો કાર્યને જ પૂજા માને છે. મારા પિતાજીએ તેમની રુમના દરવાજા પર Work is Worship એવું સૂત્ર ટાંગેલું. તેઓ આજીવન કાર્યરત રહ્યાં અને આનંદપૂર્વક જીવ્યાં.

કોઈ પણ આળસુ માણસ ક્યારેય સફળ ન થઈ શકે. જે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં સફળ થઈ હોય તે જરૂર પુરુષાર્થી રહી જ હોવી જોઈએ. કેટલાંક વિદ્વાનો તો પરિશ્રમને જ પારસમણી કહે છે. ટુંકમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કાર્યરત રહેવું જરૂરી છે. ઘણી વખત જીવનમાં અણધારી વિપત્તિ આવી પડે છે તેવે વખતે પણ ઉદ્યમ જ કામ આવે છે.

વિપદ પડે નવ વલખીએ, વલખે વિપદ ન જાય
વિપદે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપદને ખાય

હવે તમે જ નક્કી કરી કે તમે તરંગી છો કે ઉદ્યમી છો?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.