ગરીબ કોણ? – આગંતુક

અમે નાના હતા ત્યારે રોજ રાત્રે સુતી વખતે હું અને મારી બહેન મારી બા ને કહેતાં બા – વાર્તા કહેને, બા વાર્તા કહેને. બા સવારમાં વહેલી ઉઠી હોય, રસોઈ કરીને પપ્પાને ઓફીસે લઈ જવા માટે ટિફીન બનાવે. અમને બહેન-ભાઈને ઉઠાડીને તૈયાર કરીને શાળાએ મોકલવાનું કાર્ય, પોતાને પણ શાળાએ ભણાવવા ચાલતાં ચાલતાં આંબાવાડી થી પરિમલ સુધી લગભગ ૨-૩ કીલોમીટર જવાનું. બપોરના ૧૨:૩૦ વાગ્યે ચાલતાં-ચાલતાં ઘરે પાછા આવવાનું. અમે બસમાં પાછા આવીએ તેની રાહ જોવાની. પછી અમે સાથે જમવા બેસીએ. જમ્યાં પછી ૧૫-૨૦ મીનીટ આરામ કરે ત્યાં ટ્યુશન માટે ભણવા વિદ્યાર્થિઓ આવે. તેમને ભણાવીને સાંજે પાંચ વાગ્યે પરવારે પછી કોફી પીવે. ફરી પાછી સાંજની રસોઈ. રાત્રે લગભગ ૭:૦૦ થી ૭:૩૦ વાગ્યે પપ્પા આવે તેમનું સ્વાગત કરવાનું, થોડી વારમાં જ ગરમા-ગરમ જમવા બેસાડી દેવાના. ખીચડી અને શાક તૈયાર હોય બે-ત્રણ ભાખરી બનાવી રાખી હોય અને બાકીની અમે જેમ જમતાં જઈએ તેમ બનાવતા જવાની. જો પ્રતિકુળ શાક ન હોય તો દૂધ સાથે પીઈએ નહીં તો ચટણી કે કચૂંબર કે તેવું કશુંક સલાડ લઈએ. રાત્રે અમને ભણાવવાના, ક્યારેક પેપર જોવાના, વળી પાછી પોતે પણ એમ.એ. નું ભણતી તેથી તેનું વાંચવાનું. ક્યારેક તો વાંચતા વાંચતા જ ઢળી પડે. વળી પાછી મહા પરાણે ઉભી થઈને પથારી કરે અને તેવે વખતે અમે કહીએ – બા વાર્તા કહેને.

ખૂબ જ ઉંઘ આવતી હોવા છતાં બા મને ખોળામાં બેસાડે અથવા તો બાજુમાં અમને ભાઈ-બહેનને સુવરાવીને મારા અને બહેનના વાંસે વારાફરતી હાથ ફેરવતી જાય અને વાર્તા કહેતી જાય. એવી જ એક વાર્તા આજે મને યાદ આવે છે.

કોઈ એક દેશમાં કાતીલ ઠંડી પડતી. ઘરમાં માતા એકલી અને તેને નાના નાના ૩ બાળકો. સાવ નાનું ઝુંપડી જેવું ઘર. મહા-મહેનતે જેમ તેમ લાકડાના પાટીયા / પૂંઠા વગેર ગોઠવીને બંધ કરેલા બાકોરાવાળું જર્જરીત ઘર. એવી એક શીયાળાની કાતીલ ઠંડીની રાત્રે મા અને તેના બાળકો ઠંડીથી ઠુંઠવાતા ઠુંઠવાતા પોતાની જાતને ટાઢથી રક્ષણ આપવા માટે એક-બીજાની સોડમાં ભરાયા છે. ટાઢ તો કહે મારું કામ, ઓઢવાનું કશું ઘરમાં ન મળે. અને માતા ભેગા કરેલા છાપાની પસ્તીમાં થી છાપાઓ લઈને પોતાના બાળકોને ઓઢાડે છે અને બાળકોને ઠંડીથી કશીક રાહત મળે છે. અને એવામાં એક બાળક તેની માતાને પૂછે છે – હે મા, જેમની પાસે આવા છાપાઓ પણ નહીં હોય તેમનું શું થતું હશે?

હવે એક બીજી સત્ય-ઘટના વીશે વાત કરીએ. ભારતના એક પ્રતિષ્ઠિત અને સાચા ત્યાગ,વૈરાગ્ય,જ્ઞાન અને ભક્તિથી સભર સંન્યાસી યુરોપના પ્રવાસે ગયાં છે. તેમના અનેક શિષ્યો યુરોપ અને ખાસ કરીને ઈંગ્લેન્ડમાં વસે છે. તેમના એક અતીશય ધનાઢ્ય શિષ્યએ એક દિવસ હરખાતા હરખાતા સ્વામીજી પાસે આવીને કહ્યું – મહારાજ આજે તમારે મારી નવી નક્કોર કારમાં બેસવાનું છે. આ કાર આજે જ માર્કેટમાં આવી છે અને પહેલવહેલી મેં ખરીદી છે. વિશ્વની સહુથી મોંઘી આ કાર છે. બસ તમે આવીને તેમાં બેસો એટલે હું ધન્ય થઈ જઈશ – આજે હું બહુ જ આનંદમાં છું. મહારાજ કહે – મારું કામ તો લોકોને સન્માર્ગે વાળવાનું અને સત્ય તરફ લઈ જવાનું છે. મને તો કારમાં બેસવાનો કશો મોહ નથી પણ તમારી ઈચ્છા છે તો જરૂર આપણે એક આંટો મારી આવીએ. તેમની કારમાં આંટો મરાવીને પેલા શિષ્ય આનંદથી પોતાના ઘરે ગયા. બે -દિવસ પછી ફરી પાછા પેલા શિષ્ય સ્વામીજી પાસે આવ્યાં. તેમનો ચહેરો ઉદાસ હતો – ચહેરા પર કશો જ આનંદ ન હતો – ગમગીની તેના મુખ પર સ્પષ્ટ જણાતી હતી. સ્વામીજીએ પુછ્યું – કેમ ભાઈ મજામાં તો છો ને? તમારો ચહેરો કેમ ઉતરી ગયો હોય તેમ લાગે છે? શિષ્ય કહે એવું કશું નથી બસ આમ જ થોડું મન ઉદાસ છે. સ્વામીજી: પણ કઈક કારણ તો હશે ને? શિષ્ય: હા સ્વામીજી મારી બાજુમાં રહેતા મારા પાડોશીએ મારાથી પણ મોંઘી અને આજે જ માર્કેટમાં આવેલી નવી કાર લીધી છે – અને સાચું કહું તો હું ન ઈચ્છતો હોવા છતાં પણ મારું મન ઉદાસ થઈ ગયું છે.

બોલો હવે તમે જ કહો કે આમાં વધારે ગરીબ કોણ? પહેલો છાપાં ઓઢેલો ઠંડીમાં થરથરતો છોકરો કે લેટેસ્ટ મોંઘામાં મોંઘી કાર ધરાવતો ધનાઢ્ય શિષ્ય?

Categories: ચિંતન | Tags: , | 10 Comments

Post navigation

10 thoughts on “ગરીબ કોણ? – આગંતુક

 1. Dipak Dholakia

  તમારાં માતુશ્રી જબરાં પુરુષાર્થી. મારાં નમન. સ્ત્રીઓ કોઈ પણ દેશમાં અને, ખાસ કરીને આપણા દેશમાં, વધારે ઘસાય છે.
  તમારી ત્રીજી વાર્તાના અનુસંધાનમાં એટલું જ કહેવાનું કે માણસ પોતાના દુઃખે દુખી નથી હોતો, બીજાના સુખે દુખી હોય છે.

 2. સરસ
  ગરીબ કોણ ,
  ગરીબ , તન નો , મનનો , કે ધનનો , ?

  • તનના અને ધનના ગરીબોને અમીરાત સહનશક્તિ કે પુરુષાર્થથી મળે. મનના રોગીને તો મનને કેળવવા દીવાય બોજો કોઈ વિકલ્પ નથી. ભગવદ ગીતાનો આખો છ્ઠ્ઠો અધ્યાય આ મન પર કાબુ મેળવવા માટે છે. કોણ વાંચે? કોણ વિચારે? કોણ સમજે? અને કોણ આચરણમાં મુકે?

   હા હા હા – ૫૦૦૦ વર્ષ પહેલાનો ગોવાળીયો તો લાકડી લઈને ઢોર ચરાવતા ચરાવતા અનાયાસે ભગવાન થઈ ગયો – એની બધી વાતો બકવાસ – ભાઈ વિજ્ઞાનને પુછો. વિજ્ઞાન વગર બધું અંધારુ. વિજ્ઞાનને પુછો રાગ-દ્વેષ કેમ જશે? પુછો પુછો.

   ભૌતિક જગતનું જ્ઞાન ભૌતિક જગત વિશે જ સમજણ આપે. પોતાની જાત પર કાબુ મેળવવા તો સાધના કરવી જ પડે – બીજો કોઈ વિકલ્પ જ નથી. આજે નહીં તો કાલે નહીં તો પરમ દહાડે પણ જો શાંતિ જોઈતી હશે તો પોતાના મનને કેળવતા માણસે શીખવું જ પડશે.

 3. અતુલભાઇ,
  પેલો બાળક જે એમ પુછે છે કે ‘જેની જોડે પેપર પણ નહીં હોય એનું શુ થતું હશે?’ ખરેખર એ છોકરાની બુધ્ધીને દાદ દેવી પડે.! પણ જેણે આવા દુઃખ જોયેલા હોય એને જ આવા વિચારો આવે એ વાત પણ ૧૦૦% ની.

  અને બીજી વાતમાં આપે દિપકભાઇએ કીધું એમ આપણે બીજાના સુખે દુખી હોઇએ છીએ.!
  પોતાને કેટલું સુખ છે એમ નથી જોતો પણ બીજાને પોતાના કરતા કેટલું વધારે સુખ(ખાસ કરીને પૈસામાં) છે એની ચિંતામાં અડધો થઇ જાય છે.!

  • શ્રી સોહમભાઈ
   પ્રાકૃતિક દુ:ખો તો વ્યક્તિઓ એકબીજાની મદદથી સહન કરી લે છે અથવા તો તેની સામે કશોક ઉકેલ મેળવી લે છે. પણ જે દુ:ખો રાગ-દ્વેષથી થાય છે, ઈર્ષાથી થાય છે તેનો ઉકેલ પોતાના મનને કેળવ્યા સીવાય કદી મળતો નથી. પૌરાણીક કથાઓ કાઈ રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ તેમ જપ્યા કરવા માટે નથી પરંતુ રામાયણ અને મહાભારત મહાકાવ્યો છે. અને તે જુદી જુદી વ્યક્તિના માનસનો ચિતાર આપે છે. એક વ્યક્તિ સ્વાર્થ અને મોહને કારણે કેટલી હદે નીચે ઉતરી શકે તે જોવું હોય તો ધૃતરાષ્ટ્રનું ઉદાહરણ છે. આમ જુદા જુદા પાત્રો જુદા જુદા માનસનો અભ્યાસ કરાવે છે.

   ભર્તૃહરિએ પણ ચાર પ્રકારના માણસો કહ્યાં છે.

   એક પોતાનું નુકશાન સહન કરીને પણ બીજાનું ભલું કરે – દેવતુલ્ય
   બે – પોતાનું નુકશાન ન થતું હોય તો બીજાનું ભલું કરે – માનવતૂલ્ય
   ત્રણ – પોતાના લાભ માટે બીજાનું નુકશાન કરે – પશુતૂલ્ય
   ચાર – પોતાને કશો લાભ ન હોય તો પણ બીજાનું નુકશાન કરે – રાક્ષસતૂલ્ય

   અને હજુ પણ એક એવો પ્રકાર છે જેને શું કહેવું તેને માટે કશા શબ્દો નથી મળતા અને તે એવા છે કે જેઓ

   પાંચ – પોતાનું નુકશાન સહન કરીને પણ બીજાને નુકશાન કરે.

   • Dipak Dholakia

    મને પણ યાદ આવે છે કે ભર્તૃહરિએ પણ છેલ્લા પ્રકારના માણસની શી વ્યાખ્યા કરવી એ પ્રશ્ન એમ જ છોડી દીધો છે! પૂરો શ્લોક મળે તો સારૂં.

    • હું પ્રયત્ન કરીશ શોધવાનો – તમે પણ મળે તો અહીં મુકજો. કદાચ અશોકભાઈ આ બાબતમાં ઉપયોગી થઈ શકે – કારણકે તેઓ શૃંગાર, નીતી વગેરે શતકોના સારા જાણકાર છે.

 4. માણસ અનેક ગ્રંથીઓથી પીડાય છે. લઘુતા ગ્રંથી ગુરુતા ગ્રંથી.. બીજાનુ સુખ ન જોઈ શકવું આ દ્વેષ પંચ ક્લેશ માં નો એક છે..આપે સુંદર ઉદાહરણ આપ્યું બીજા કરતાં મારી પાસે ઓછૂ એટલે ગરીબ..ગરીબી એક વ્રત્તિ છે..વ્રુત્તિ અમીર તો ઓછૂ હોય તોય મનના શ્રીમંત…

  • શ્રી દિલિપભાઈ

   આપની વાત સાચી છે. જરૂરીયાત જેટલાં ભૌતિક સાધનો પ્રાપ્ય થઈ જાય એટલે માણસે સંતોષી બનવું જોઈએ. જ્યારે જ્ઞાન પ્રાપ્તિ માટે હમેંશા અસંતોષી બનવું જોઈએ. આપણે ત્યાં ભૂલ તે થઈ કે ઋષી પરંપરાની જે જ્ઞાન માટેની અદમ્ય ઈચ્છા હતી તે ભૌતિક સાધન સગવડની લાલસામાં આપણે ગુમાવતા જઈએ છીએ. ભૌતિક સંસાધનો ઉપયોગી છે અને તે જરૂર પુરતાં હોવા જ જોઈએ પણ તેની પાછળની આંધળી દોટ માનવની જીજ્ઞાસા અને જ્ઞાન પ્રાપ્તિ માટેની ઈચ્છા પર અંકુશ (બ્રેક) લગાવે છે.

   ટોલ્સટોયની ઘણી બધી વાર્તાઓમાંથી મને ’એક માણસને કેટલી જમીન જોઈએ?’ તે વાર્તા ખૂબ જ ગમે છે . જીવનના સત્યો વાર્તા દ્વારા ટોલ્સટોયે જે રીતે સમજાવ્યાં છે તેટલી સાહજીકતાથી ભાગ્યે જ કોઈએ સમજાવ્યાં હશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: