અમે નાના હતા ત્યારે રોજ રાત્રે સુતી વખતે હું અને મારી બહેન મારી બા ને કહેતાં બા – વાર્તા કહેને, બા વાર્તા કહેને. બા સવારમાં વહેલી ઉઠી હોય, રસોઈ કરીને પપ્પાને ઓફીસે લઈ જવા માટે ટિફીન બનાવે. અમને બહેન-ભાઈને ઉઠાડીને તૈયાર કરીને શાળાએ મોકલવાનું કાર્ય, પોતાને પણ શાળાએ ભણાવવા ચાલતાં ચાલતાં આંબાવાડી થી પરિમલ સુધી લગભગ ૨-૩ કીલોમીટર જવાનું. બપોરના ૧૨:૩૦ વાગ્યે ચાલતાં-ચાલતાં ઘરે પાછા આવવાનું. અમે બસમાં પાછા આવીએ તેની રાહ જોવાની. પછી અમે સાથે જમવા બેસીએ. જમ્યાં પછી ૧૫-૨૦ મીનીટ આરામ કરે ત્યાં ટ્યુશન માટે ભણવા વિદ્યાર્થિઓ આવે. તેમને ભણાવીને સાંજે પાંચ વાગ્યે પરવારે પછી કોફી પીવે. ફરી પાછી સાંજની રસોઈ. રાત્રે લગભગ ૭:૦૦ થી ૭:૩૦ વાગ્યે પપ્પા આવે તેમનું સ્વાગત કરવાનું, થોડી વારમાં જ ગરમા-ગરમ જમવા બેસાડી દેવાના. ખીચડી અને શાક તૈયાર હોય બે-ત્રણ ભાખરી બનાવી રાખી હોય અને બાકીની અમે જેમ જમતાં જઈએ તેમ બનાવતા જવાની. જો પ્રતિકુળ શાક ન હોય તો દૂધ સાથે પીઈએ નહીં તો ચટણી કે કચૂંબર કે તેવું કશુંક સલાડ લઈએ. રાત્રે અમને ભણાવવાના, ક્યારેક પેપર જોવાના, વળી પાછી પોતે પણ એમ.એ. નું ભણતી તેથી તેનું વાંચવાનું. ક્યારેક તો વાંચતા વાંચતા જ ઢળી પડે. વળી પાછી મહા પરાણે ઉભી થઈને પથારી કરે અને તેવે વખતે અમે કહીએ – બા વાર્તા કહેને.
ખૂબ જ ઉંઘ આવતી હોવા છતાં બા મને ખોળામાં બેસાડે અથવા તો બાજુમાં અમને ભાઈ-બહેનને સુવરાવીને મારા અને બહેનના વાંસે વારાફરતી હાથ ફેરવતી જાય અને વાર્તા કહેતી જાય. એવી જ એક વાર્તા આજે મને યાદ આવે છે.
કોઈ એક દેશમાં કાતીલ ઠંડી પડતી. ઘરમાં માતા એકલી અને તેને નાના નાના ૩ બાળકો. સાવ નાનું ઝુંપડી જેવું ઘર. મહા-મહેનતે જેમ તેમ લાકડાના પાટીયા / પૂંઠા વગેર ગોઠવીને બંધ કરેલા બાકોરાવાળું જર્જરીત ઘર. એવી એક શીયાળાની કાતીલ ઠંડીની રાત્રે મા અને તેના બાળકો ઠંડીથી ઠુંઠવાતા ઠુંઠવાતા પોતાની જાતને ટાઢથી રક્ષણ આપવા માટે એક-બીજાની સોડમાં ભરાયા છે. ટાઢ તો કહે મારું કામ, ઓઢવાનું કશું ઘરમાં ન મળે. અને માતા ભેગા કરેલા છાપાની પસ્તીમાં થી છાપાઓ લઈને પોતાના બાળકોને ઓઢાડે છે અને બાળકોને ઠંડીથી કશીક રાહત મળે છે. અને એવામાં એક બાળક તેની માતાને પૂછે છે – હે મા, જેમની પાસે આવા છાપાઓ પણ નહીં હોય તેમનું શું થતું હશે?
હવે એક બીજી સત્ય-ઘટના વીશે વાત કરીએ. ભારતના એક પ્રતિષ્ઠિત અને સાચા ત્યાગ,વૈરાગ્ય,જ્ઞાન અને ભક્તિથી સભર સંન્યાસી યુરોપના પ્રવાસે ગયાં છે. તેમના અનેક શિષ્યો યુરોપ અને ખાસ કરીને ઈંગ્લેન્ડમાં વસે છે. તેમના એક અતીશય ધનાઢ્ય શિષ્યએ એક દિવસ હરખાતા હરખાતા સ્વામીજી પાસે આવીને કહ્યું – મહારાજ આજે તમારે મારી નવી નક્કોર કારમાં બેસવાનું છે. આ કાર આજે જ માર્કેટમાં આવી છે અને પહેલવહેલી મેં ખરીદી છે. વિશ્વની સહુથી મોંઘી આ કાર છે. બસ તમે આવીને તેમાં બેસો એટલે હું ધન્ય થઈ જઈશ – આજે હું બહુ જ આનંદમાં છું. મહારાજ કહે – મારું કામ તો લોકોને સન્માર્ગે વાળવાનું અને સત્ય તરફ લઈ જવાનું છે. મને તો કારમાં બેસવાનો કશો મોહ નથી પણ તમારી ઈચ્છા છે તો જરૂર આપણે એક આંટો મારી આવીએ. તેમની કારમાં આંટો મરાવીને પેલા શિષ્ય આનંદથી પોતાના ઘરે ગયા. બે -દિવસ પછી ફરી પાછા પેલા શિષ્ય સ્વામીજી પાસે આવ્યાં. તેમનો ચહેરો ઉદાસ હતો – ચહેરા પર કશો જ આનંદ ન હતો – ગમગીની તેના મુખ પર સ્પષ્ટ જણાતી હતી. સ્વામીજીએ પુછ્યું – કેમ ભાઈ મજામાં તો છો ને? તમારો ચહેરો કેમ ઉતરી ગયો હોય તેમ લાગે છે? શિષ્ય કહે એવું કશું નથી બસ આમ જ થોડું મન ઉદાસ છે. સ્વામીજી: પણ કઈક કારણ તો હશે ને? શિષ્ય: હા સ્વામીજી મારી બાજુમાં રહેતા મારા પાડોશીએ મારાથી પણ મોંઘી અને આજે જ માર્કેટમાં આવેલી નવી કાર લીધી છે – અને સાચું કહું તો હું ન ઈચ્છતો હોવા છતાં પણ મારું મન ઉદાસ થઈ ગયું છે.
બોલો હવે તમે જ કહો કે આમાં વધારે ગરીબ કોણ? પહેલો છાપાં ઓઢેલો ઠંડીમાં થરથરતો છોકરો કે લેટેસ્ટ મોંઘામાં મોંઘી કાર ધરાવતો ધનાઢ્ય શિષ્ય?