આમ જોવા જઈએ તો જન્મદિવસ કહેવા કરતાં પ્રાગટ્ય દિવસ કહેવો વધારે ઉચિત ગણાય. વાસ્તવમાં ત્રિગુણાત્મક પ્રકૃતિમાં પરિવર્તન માત્ર થાય છે – કશુ યે જન્મતું નથી અને કશુંયે નાશ પામતું નથી. ભગવદ ગીતા કહે છે તેમ –
વ્યક્ત મધ્યમાં થાય છે, આદિ અંત અવ્યક્ત
આદિ અને અંત એટલે કે જન્મની પહેલાં અને મૃત્યુ પછીની પરિસ્થિતિ વિશે આપણે અજ્ઞાત હોઈએ છીએ પણ મધ્યમાં હાલનું આપણું જીવન જે છે તે વ્યક્ત જીવન હોય છે. પણ તેનો અર્થ એમ નથી કે જન્મ પહેલાં આપણે ન હતા અને મૃત્યું પછી આપણે નહીં હોઈએ. જન્મ પહેલાં આપણે જે કાઈ હોઈએ છીએ તેને આધારે આપણું વર્તમાન જીવન ઘડાય છે. અને આ જીવનના પ્રબળ સંસ્કારો પાછલા સંસ્કારોમાં ઉમેરાઈને મૃત્યું પછી આપણને નવું જીવન બક્ષે છે.
જ્યાં સુધી આપણી આ આદિ-અંતની સંતાકુકડી જેવી રમત રમવાની ઈચ્છા છે ત્યાં સુધી આ અવ્યક્ત-વ્યક્ત-અવ્યક્તનો ખેલ ચાલુ જ રહેશે. જો કોઈને એવી ઈચ્છા થાય કે બસ હવે બહુ થયું – હવે વધારે રમવું નથી તો રમતમાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા પણ છે અને તે શીખવવા માટે અધ્યાત્મવિદ્યા છે.
બધી વિદ્યાની જેમ અલબત્ત હવે તો અધ્યાત્મવિદ્યાનો પણ વેપાર થવા લાગ્યો છે અને લોકો મોટા ભાગે અદ્યાત્મવિદ્યાના ઠેકેદારો દ્વારા છેતરાયા હોવાના બનાવો અવાર-નવાર બનતાં રહે છે.
દંભ અને પાખંડ અધ્યાત્મમાં ઘુસેલી વિકરાળ બદીઓ છે. અધ્યાત્મના નામે ઈંદ્રિયોના વિલાસ અને મંદિર, મસ્જિદ, આશ્રમ, ગીરજાઘર કે ચર્ચોના નામે સંપતી ઉભી કરવા માટે આ દંભી અને પાખંડીઓને મોકળું મેદાન મળી ગયું છે.
બજારમાં બેઠેલી વૈશ્યા મંદિરમાં બેઠેલી દેવદાસી કરતાં હજાર ગણી પૂજનીય છે કારણ કે લોકો જાણે છે કે આ વૈશ્યા છે અને તેથી સજ્જનોને છેતરાવાનો બીલકુલ ભય નથી. પણ ધર્મનો અંચળો ઓઢીને રાધા કે મીરાનાં સ્વાંગમાં ઉભેલી નારી કે જેને વાસ્તવમાં શ્રી કૃષ્ણ સાથે કશાં જ લેવાદેવા નથી હોતાં પણ તે તો માત્ર ગ્રાહક ગોતવા ઉભેલી એક વાસનાથી ખદબદતી ભોગ-પરાયણ બાઈ હોય છે અને આવી બાઈઓ સમાજ માટે ખતરનાક છે.
ટુંકમાં અધ્યાત્મ પથમાં ખરેખર જેમણે આગળ વધવું હોય તેમણે દરેક પ્રકારના પ્રલોભનો અને છેતરપીંડીઓ થી સાવધાન રહેવું પડશે નહીં તો તે પોતાના સ્વરૂપની વધારે નજીક જવા કરતા પતનની ગર્તામાં ધકેલાતો જશે.
સાથો સાથ આપણે તે પણ સ્વીકારવું જોઈએ કે સાચા આધ્યાત્મિક મહા-માનવો પણ હોય છે. જેમના સાહિત્ય, સંગ અને વિચારથી આપણાં જીવનમાં આમૂલ પરિવર્તન આવી શકે છે. આવા મહાત્માઓ બ્લોગ ઉપર કે રસ્તામાં રેઢાં નથી પડ્યા હોતા તેથી તેમની શોધ વાસ્તવિક સંસારમાં કરી અને પોતાના કલ્યાણનો માર્ગ જાણીને જે મહામુલો માનવ દેહ મળ્યો છે તેનો સદુપયોગ પોતાના અને અન્યના કલ્યાણ માટે યથાશક્તિ કરવો જોઈએ.
– અસ્તુ