કવિઓ, ગઝલકારો અને લેખકો જેટલું ચિંતન અન્યનું કરે છે તેનાથી અડધું ચિંતન પણ પોતાની જાત વિશે કરે તો આત્મ-સાક્ષાત્કાર થઈ જાય.
Daily Archives: 23/12/2010
પાન મસાલાં બહાર કાઢીને આવવું – આગંતુક
મિત્રો,
આજે મને જીવનમાં મારા એક ઓળખીતાને બે શબ્દો કહેવા પડેલાં તે યાદ આવે છે. પહેલાં હું ગ્રાહકની જેવી જરૂરીયાત હોય તેવા સોફ્ટવેર બનાવી આપતો હવે કામ વધારે રહેતું હોવાથી એક સ્ટાન્ડર્ડ એકાઉન્ટિંગ સોફ્ટવેર “શ્રી સવા” વેચવાનું તથા તેને આનુષાંગીક સેવાઓ આપવાનું કામ કરું છું. દિપ્તિ ગેસ એજન્સી નામના મારા એક મીત્રની એજન્સી માટે મેં એક સોફ્ટવેર બનાવી આપેલું. ત્યાં બુકીંગનું કામ ભરતભાઈ નામની એક વ્યક્તી કરતી હતી. તેને સોફ્ટવેર ચલાવતા શીખવાડવું વગેરે કાર્ય રહેતું હોવાથી તેની સાથે કેમ છો – કેમ નહીં નો સંબધ બંધાયેલો. થોડાં વખત ત્યાં કામ કર્યા પછી બીજે વધારે પગારની નોકરી મળવાથી છુટા થઈને બીજે એક કુરીયર કંપનીમાં કામે લાગેલા.
એક વખત હું અને મારા મીત્ર ઉદયભાઈ બક્ષી કોમ્પ્યુટર તથા સોફ્ટવેર વીષે કશીક વાતચીત મારા ઘરે કરતાં હતા. મારી નાનકડી ઓફીસ અને ઘર બંને સાથે છે. મોટા ભાગે ગ્રાહકને ત્યાં કામ કરવાનું હોય અને અવકાશે સોફ્ટવેરને લગતું કામ દિવસ-રાત ગમે ત્યારે કરી શકું તેથી ઘરે ઓફીસ રાખવી મને અનુકુળ પણ પડે છે. આવે વખતે એકાએક તે ભરતભાઈ એક કવર લઈને મોઢામાં માવો (સોપારી+તમાકુ+ચુનો) ભરીને આવ્યાં. બોલી તો શકે તેમ નહોતા તેથી સહી કરવાનો કાગળ અને બોલપેન ધર્યા. હાથ ઉંચો કરીને કેમ છો કર્યું. એટલે મેં તેમને કહ્યું કે પહેલું કામ તમે આ માવો “મધુવન”ની બહાર કાઢીને આવો.”મધુવન” ભાવનગરના પ્રતિષ્ઠીત વિસ્તાર આંબાવાડીના મુખ્ય રસ્તા પર આવેલ છે – કોઈ શેરી કે પછાત વિસ્તારમાં નહીં. એટલે તે ભાઈ આનાકાની કરવા લાગ્યા.
મેં કહ્યું કાંતો તમારો આ માવો બહાર ખાઈને નીંરાતે આવો અથવા તો બહાર કાઢીને આવો. કપાળમાં મોટો ચાંદલો – સ્વામીનારાયણ સંપ્રદાયનો. મેં કહ્યું સાધુ-સંતો તો વ્યસન છોડવા માટે કહે છે તમે આ માવા ક્યારથી ખાવા મંડ્યા. કચવાતે મને માવો બહાર કાઢીને પછી એ ભાઈ આવ્યા – મને કહે હજુ હમણાં જ ખાધો હતો. મેં કહ્યું જો ભાઈ આ મારુ ઘર મેં મંદિરની જેમ સજાવ્યું છે. અહીં કોઈ ગમે તેમ આવન-જાવન કરે. જે-તે વસ્તુ મોઢામાં ભરીને આવે તે મને બીલકુલ ન પોસાય. હવે પછી “મધુવન” માં આવતાં પહેલા ધ્યાન રાખજો કે મોઢામાં પાન-માવા ન હોય.
તેમણે કહ્યું કે તમારી વાત સાચી છે. એક તો આ વ્યસન ખર્ચાળ છે અને પાછું નુકશાનકારક છે પણ હવે છુટતું નથી.મેં કહ્યું કોશિશ કરો કદાચ છુટી જાય અને ન છુટે તો પણ “મધુવન” માં તો વ્યસનની છૂટ કોઈને પણ નથી. ફરી કદી તે મારે ત્યાં પાન-માવો ખાઈને આવ્યાં નથી.
જરૂર પડે લોકોને કડવુંયે કહેવું પડે. કડવા ઓસડ માં જ પાય.