મિત્રો,
આજે શ્રી મીતાબહેનના બ્લોગ ઉપર એક લેખ વાંચ્યો –
હિટ એન્ડ રન, દારૂબંધી અને એનઆરઆઈ….
તે પોસ્ટની સામે મેં મારો પ્રતિભાવ આપ્યો છે. ઘણી વખત મારા પ્રતિભાવો અસંગત હોય છે અને ઘણી વખત તે સ્પામમાં જતા રહેતા હોય છે તેથી તે જે તે પોસ્ટની સાથે દેખાતા નથી તેથી તે પ્રતિભાવ અહીં પોસ્ટ રૂપે મુક્યો છે. આશા છે કે મારા પોતાના પ્રતિભાવ જ્યારે પોસ્ટ બને ત્યારે કોઈને વાંધો નહીં હોય.
શ્રી મીતાબહેન
એન.આર.આઈ. શા માટે લિકર લાવે છે તેના બે કારણો હોઈ શકે. ૧. ત્યાં લિકર સસ્તુ હોય (અહીંની સરખામણીમાં) ૨. ત્યાં કદાચ શુદ્ધ લિકર મળતું હોય (અહીં તો લઠ્ઠો, તાડી, ભાંગ, ચરસ, ગાંજો અને એવા કેટલાય પદાર્થો પીવાય છે). ગઈ કાલે હું અને કવિતા બહાર જતાં હતા અને અહીના આડોડીયાવાસમાંથી એક પીધેલા અને હોશકોશ ખોઈને જમીન પર પડી ગયેલાને જોઈને મેં હંસ: ને કહ્યું કે તું જલદી કેમેરો લઈ આવ આપણે આનો ફોટો પાડીને પ્રશ્ન કરશું કે ગુજરાતમાં દારુબંધી છે તે વાત ખરી છે? કવિતા કહે હવે આવું તો રોજનું થયું છે આપણે પાછા આવશું તો યે આ પડ્યો જ હશે. મેં રોષ સાથે કહ્યું તો પછી ગુજરાતમાં દારુબંધી છે તેવા બણગા તંત્ર શા માટે ફુંકે છે? કવિતા કહે હવે રોજ ઉઠીને કેટલાક પ્રશ્નો ઉઠાવશો – અહીં મારા ઘરના પ્રશ્નોના ઉકેલ લાવો તોયે ઘણું.
મેં કહ્યું શું પ્રશ્નો છે તારા? તો કહે રીંગણા ૧૦૦ રૂ. કીલો, દુધમાં લીટરે ૧૦ રુ.નો વધારો, પેટ્રોલમાં લીટરે ૩ રૂ.નો વધારો હવે મારે ઘર કેમ ચલાવવું? મેં માથું ખંજવાળતા કહ્યું હા તારી વાત તો સાચી છે – આ બ્લોગની રામાયણ બંધ કરીને ૨ સોફ્ટવેર વધારે વેચુ તો તારી સમસ્યાનો ઉકેલ આવે. તો છણકો કરતાં બોલી હું તો ૧ વર્ષથી કહું છું કે આ બ્લોગે જ તમારું મગજ બગાડ્યું છે. આખો દિવસ વિચારમાં હો છો અને બેવડી વાત કર્યા કરો છો.
મેં કહ્યું જો કવિ એવું નથી – બ્લોગ ઉપર મને સાચા મિત્રો મળે છે, સુખ-દુ:ખ વહેંચી શકું તેવા સાથીઓ મળે છે. વળી જુદી જુદી સમસ્યા આપણે ઉકેલી તો ન શકીએ પણ તે બાબત તંત્ર અને લોકોનું ધ્યાન તો દોરી શકીએને તો આ કાર્ય પણ થોડાં અંશે બ્લોગ ઉપર થઈ શકે છે. માટે હું બ્લોગ-લેખન કરું છું.
અરે મીતાબહેન આ જુઓને વળી પાછી ગાડી આડા પાટે ચડી ગઈ. એક તો ઘણાં વખતે તમારી જેવા ખાસ મિત્ર સાથે વાત કરવાની તક મળી એટલે મારા ઘરની રામ-કહાણી કરવા બેસી ગયો.
પણ તમારી વાત સાચી છે – આ લિકરનું રહસ્ય તો શોધવું જ જોઈએ.
આ પ્રતિભાવ કદાચ આપને અસંગત લાગશે અથવા તો સ્પામમાં ચાલ્યો જાય તેવી પુરી શક્યતા હોવાથી મારા બ્લોગ ઉપર પોસ્ટ રૂપે પણ મુકી રહ્યો છું.
આ સીવાય પણ યુરોપની વધારે વાત કરશો – બહું ટુંકા સમયમાં તમારે આવવું પડ્યું પણ તોયે આ પ્રવાસ યાદગાર તો જરૂર રહ્યો હશે.