Daily Archives: 11/12/2010

આસ્થાનો જન્મદિવસ – આગંતુક

મિત્રો,
૧૧મી ડીસેમ્બર એટલે અમારા માટે ખુશીનો દિવસ. આજના યાદગાર દિવસે મેં પિતૃત્વ અને કવિતાએ માતૃત્વ પ્રાપ્ત કરેલ. મને યાદ છે તે ૧૩ વર્ષ પહેલાનો સુવર્ણ દિવસ કે જ્યારે સવારના પહોરમાં મેં સમાચાર સાંભળેલા કે ગઈકાલે અડધી રાત્રે તમે એક પુત્રીના પિતા બની ચૂક્યા છો. મારી સવાર સુધરી ગયેલી.

ગઈ કાલે મને એમ હતું કે કાલે સવારે હું અમારી તેજની કટાર જેવી આ દિકરી વિશે સુંદર પોસ્ટ મુકીશ. તેના નૃત્ય,સંગીત અને અભ્યાસની વાત કરીશ. અમારી ખુશી આપની સાથે વહેંચીશ પણ બન્યું કાઈક તેનાથી ઉલટું.

બા તો અત્યારે આશામાસીની દિકરી અમી (અનોખી) ના લગ્ન હતાં એટલે મહેસાણાં ગયાં છે. ઘરમાં બાકી રહ્યાં અમે ચાર. આમ તો ગઈ કાલ રાતથી જ કવિતાની તબીયત ખરાબ હતી. સવારે જેમ-તેમ પરાણે ઉઠીને આસ્થાને તૈયાર કરીને શાળાએ મોકલવા સુધી કાર્યરત રહી શકી. ત્યાર બાદ સુસ્તી વધી, નબળાઈ વધી, શરીરમાં અસ્વસ્થતા વધી. ઉલટીઓ થઈ(ગેરસમજ ન કરતાં – હાલમાં લગ્ન ગાળો ચાલે છે અને બહાર આચર-કુચર થોડું ખવાઈ ગયું હોય તો પાચનમાં ગરબડ થઈ હોય એટલે).

કોમ્પ્યુટર પર પોસ્ટ મુકવાને બદલે મારા ભાગમાં બીજી કામગીરી આવી. પહેલું કામ કવિતાને માથે બામ લગાડીને માથું દાબી આપવાનું કર્યું. ત્યાર બાદ હંસ: માટે બોર્નવિટા બનાવ્યું અને મારા માટે ચા. કવિતાને ચા પીવી છે તેમ પુછ્યું તો કહે કે મારે કશું ખાવું પીવું નથી મને સુવા દ્યો. મેં અને હંસે સવારનો નાસ્તો એક ડીશમાંથી સાથે કર્યો. હંસે બોર્નવિટા અને મેં ચા પીધી (હવે કોઈ બોર્નવિટા અને ચા પીવાના ગેરફાયદા વિશે મહેરબાની કરીને પોસ્ટ ન લખશો). આમ કરવાથી અમારા શરીરમાં ગરમાવો અને સ્ફુર્તિ આવ્યા. ત્યાર બાદ હંસ:ને નવરાવ્યો (ગરમ પાણીએ) – જાણે કે બાળ ગોપાલને નવરાવતો હોઉ તેવા ભાવથી. ત્યાર બાદ હું નાહ્યો (મારી મેળે).

થોડી વાર હંસ: સાથે પ્લાસ્ટિકના દડાથી ક્રીકેટ રમ્યો. રાબેતા મુજબ હંસ જીત્યો. કવિતા જાગી – તેની સાથે પણ અડધો કપ ચા પીધી. અડધી પોસ્ટ લખી. પાછો હંસ:ને શાળાએ મુકવા ગયો. હવે આવીને આ બાકી રહેલ લખવાનું કાર્ય પુરુ કર્યું.

બોલો હવે કોણ કહી શકે કે – કાલે શું થવાનું છે? ન જાણ્યું જાનકી નાથે… – સવારે શું થવાનું છે?

Categories: આનંદ, ઉત્સવ, મધુવન, મારુ કુટુંબ | Tags: , , , , , | 5 Comments

Create a free website or blog at WordPress.com.