પરીશ્રમ – આગંતુક

મિત્રો,

આમ તો મને લાંબુ લખાણ લખવા કરતાં ટુંકા ટુંકા વાક્યો લખવા વધારે ગમે છે. દરેક વ્યક્તિની લેખનશૈલિ, વિચારશૈલિ અને જીવનશૈલિ અલગ અલગ હોય છે. એક વખત કવિતાએ મને કહ્યું કે તમે ગામમાં જાવ તો આસ્થા માટે નિબંધનું પુસ્તક લેતાં આવજો. મેં પુછ્યું કેમ? નિબંધ તો મૌલિક હોવો જોઈએ – તો કહે આ તો વિવિધ વિચારો જાણીને પછી તેના આધારે નવા વિચાર આવે એટલે. મેં કહ્યું એમ નથી કોઈ પણ બાબત પર કશું લખવું હોય તો તે બાબત ઉપર ચિંતન કરવું જોઈએ અને પછી આપણી સ્મૃતિ અને અનુભવોના આધારે તે વિષયને વળગી રહીને વિચાર-વિસ્તાર કરીએ એટલે નિબંધ લખાઈ જાય. તો કવિ કહે એવું કાઈ અમારાથી થતું નથી – જો ખરેખર એમ કરી શકાતું હોય તો “પરીશ્રમ” ઉપર એક નાનકડો નિબંધ લખી આપો. મેં હસીને પડકાર જીલી લીધો – હસતાં હસતાં કહ્યું કે જો પ્રયત્ન કરુ છુ. તો આશા છે કે મારો નિબંધ લખવાનો આ પ્રયાસ આપ સહુને ગમશે.


આપણે સહું શ્રમ શબ્દથી પરીચીત છીએ. શ્રમ એટલે મહેનત કરવી. આજે આપણે પરીશ્રમ વિશે થોડો વિચાર કરશું. કોઈ પણ શબ્દની આગળ જ્યારે પરી શબ્દ ઉમેરવામાં આવે છે ત્યારે તે મુળભુત શબ્દમાં એક વિશિષ્ટ અર્થનો ઉમેરો કરે છે. જેમ કે પ્રશ્ન – પરીપ્રશ્ન, પત્ર – પરીપત્ર. તેવી જ રીતે જ્યાંરે શ્રમની આગળ પરી શબ્દ લાગે છે ત્યારે પરીશ્રમ બને છે. યોગ્ય દિશામાં અને વ્યવસ્થિત રીતે કરવામાં આવેલ શ્રમને પરીશ્રમ કહેવામાં આવે છે.

સામાન્ય મજૂરથી લઈને અબાલ-વૃદ્ધ સહું કોઈ દિવસ દરમ્યાન કોઈને કોઈ શ્રમ કરતાં હોય છે. શરીરને થાક લાગે તેવું કાર્ય શારીરીક શ્રમ કહેવાય અને મનને થાક લાગે તેવું કાર્ય હોય તો માનસીક શ્રમ કહેવાય તે જ રીતે બૌદ્ધિક તેમ જ આધ્યાત્મિક શ્રમને પણ સમજાવી શકાય. દરેક શ્રમના અંતે તેનું પરીણામ હંમેશા સારું જ આવે તેમ ન પણ બને. જેમ કે કોઈ વધુ પડતો ભાર ઉપાડે અને તેને કમરનો દુ:ખાવો થઈ જાય તો તે શ્રમનું વિપરીત ફળ મળ્યું કહેવાય – પરંતુ યોગ્ય વિચારણા પૂર્વક કરવામાં આવેલ શ્રમ પરીશ્રમ બની જાય છે. તેના પરીણામે હંમેશા કશુંક શુભ કે સારું પરીણામ નિષ્પન્ન થતું હોય છે. જેમ કે બગીચાને યોગ્ય રીતે પાણી પાવાથી પાનારને આનંદ અને બગીચાના છોડવાઓને તૃપ્તિ મળે છે. તેવી જ રીતે ઘણાં વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખૂબ શ્રમ કરતાં હોય છે – પરંતુ યોગ્ય રીતે આયોજનપૂર્વક અભ્યાસ ન કરતાં હોવાથી ખૂબ અભ્યાસના અંતે તેઓ શારીરીક અને માનસીક થાક અનુભવે છે અને તેમનો સ્વભાવ ચીડીયો થઈ જાય છે. વળી સમજણપૂર્વક અભ્યાસ ન કર્યો હોવાથી પરીક્ષામાં પણ ધાર્યું પરીણામ લાવી શકતાં નથી. પણ જો આયોજનપૂર્વક,સમય-પત્રક બનાવીને દરેક વિષયને યોગ્ય ન્યાય મળી રહે તે રીતે વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે તો તે પરીશ્રમ બની જાય છે. પરીણામે તેની બુદ્ધિ તેજસ્વી બને છે. વિષયનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત થાય છે. વળી દરેક વિષયને સમજીને અભ્યાસ કર્યો હોવાથી પરીક્ષામાં સહજ રીતે જવાબો લખી શકાય છે. પરીણામે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને મિથ્યા તણાવો દૂર થાય છે.

આપણે ત્યાં એક ઉક્તિ છે કે “પરિશ્રમ એ જ પારસમણી” . એવું કહેવાય છે કે પારસમણીમાં લોખંડને સુવર્ણ બનાવવાની શક્તિ રહેલી છે. તેવી જ રીતે આયોજન-પૂર્વક કરેલ પરીશ્રમ કોઈ પણ કાર્યને સફળતાં તરફ દોરી જવામાં મદદરૂપ થાય છે.

કોઈ પણ કાર્ય કરવા માટે કેટલી શક્તિ લગાડવી પડશે તેનું પહેલેથી જ વ્યવસ્થિત આયોજન કરવાથી અને પછી તે પ્રમાણે શ્રમ કરવાથી તે પરીશ્રમ બની જાય છે અને સુંદર પરીણામ પ્રાપ્ત થાય છે.

પતંગીયાઓ ફૂલ ફૂલ પર ફરીને રસ ચૂસે છે, પક્ષીઓ માળો બાંધે છે, માતા-પિતા બાળકોના શિક્ષણ માટે મહેનત કરે છે, માળી બગીચામાં ફુલ-છોડ ઉછેરે છે. શિક્ષક સારા વિદ્યાર્થીઓ તૈયાર કરે છે, રાજકર્તાઓ સારો રાજ્ય-વહિવટ કરે તો આ બધા પરિશ્રમના ઉદાહરણો ગણાય. અને જેમ તેમ કોઈ કાર્ય વેઠ ઉતારતાં હોઈએ તેમ કરવામાં આવે તો તે શ્રમ તો છે પણ તેનું ધાર્યું પરીણામ મળતું નથી.

તો આવો આજે આપણે સહું સંકલ્પ કરીએ કે આપણાં દરેક કાર્ય આયોજનપૂર્વક વ્યવસ્થિત કરશું અને આપણાં શ્રમને પરીશ્રમમાં પરીવર્તીત કરીને જીવનને સાર્થક કરશું.

Categories: નિબંધ | Tags: , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: