’ણ’ કોઈનો નહીં

મિત્રો,
સાચ્ચુ કહું આજની તારીખે પણ મને જો કોઈ કહે કે કક્કો સળંગ બોલી જા તો મારે માથું ખંજવાળવું પડે. વિચારમાં પડી જાઉ.

ક કમળનો ક
ખ ખટારાનો ખ
ગ ગધેડાનો ગ
ઘ ઘડીયાળ નો ઘ

પછી મારે બધા ક્રમ માટે પાછો વિચાર કરવો પડે. જેમ જે અક્ષરો બોલતાં બંને હોઠો ભેગા થાય તે અક્ષરો ઓષ્ઠય કહેવાય

’પ’ ’ફ’ ’બ’ ’ભ’ ’મ’

જે અક્ષરો બોલતાં જીભ દાંતને અડે તેને દંત્ય કહેવાય

’ત’ ’થ’ ’દ’ ’ધ’ ’ન’

જેમનાં દાંત પડી ગયા હોય (મોટી ઉંમરે સ્વાભાવિક છે કે પડી જાય – બહુ મજાકીયા હોય અને સામે કોઈ ઉગ્ર સ્વભાવ વાળાની મજાક કરી હોય તો ય પડી જાય) તેઓ આ અક્ષરો બોલી ન શકે.

તેવી રીતે સ ત્રણ જુદા જુદા અને ત્રણેનો અર્થ પણ જુદો.

સ – સસલાં નો સ
શ – શકોરાં નો શ
ષ – ષટકોણ નો ષ

ઘણાં લોકો ઈરાદાપૂર્વક આવા અક્ષરો ખોટી રીતે લખે. જેમકે સાથી ના બદલે શાથી. સગડી ને બદલે શગડી વગેરે વગેરે.

ઘણાં લોકો ડ ને બદલે ળ લખે જેમ કે કડી ને બદલે કળી.

આ બધાં અક્ષરો વિશે વિચાર કરતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ણ થી શરુ થતો અક્ષર એકે નથી હોતો એટલે એટલે ’ણ’ કોઈનો નહીં.

Categories: હળવી પળો, હાસ્ય | Tags: , | 15 Comments

Post navigation

15 thoughts on “’ણ’ કોઈનો નહીં

 1. dipakdholakia

  પ્રાકૃતમાં શબ્દો ‘ણ’ થી શરૂ થાય છે, મારો ખ્યાલ છે કે નવકાર મંત્ર “ૐ ણમો અરિહન્તાણં..” છે. મારી નોકરી જ ભાષાને લગતી હતી એટલે તમારા આ મુદ્દામાં મને ખાસ રસ પડ્યો. તમને રસ છે તો તમે ‘ઢ’ના વિશેષ મહત્વ વિશે પણ વિચાર્યું જ હશે.

  • આપની વાત સાચી છે. નવકાર મંત્રમાં ણમો અરિહન્તાણં છે. પણ નવકાર મંત્ર ગુજરાતી ભાષામાં નથી હું તો ગુજરાતી ભાષાની વાત કરતો હતો. ગુજરાતીમાં મેં ક્યાંય ’ણ’ થી શરુ થયેલો શબ્દ જોયો નથી. જો કે એક વાત હું ભુલી જ ગયો કે ભગવદ ગો મંડલ જોવાથી કદાચ ’ણ’ ઉપરથી પણ શબ્દ મળી જાય. ’ઢ’ નો અર્થ અને તેનું કક્કામાં સ્થાન આ બધાનું આગવું મહત્વ છે. એકલા ’ઢ’ નો અર્થ પણ થાય છે. ત મે મને ’ઢ’ યાદ કરાવીને તો ઢોલ,ઢાલ,ઢીશુમ ઢીશુમ,ઢીંગલી,ઢગલો આવા આવા તો કેટલા યે શબ્દો યાદ કરાવી દીધા. એમ તો ’ળ’ ઇપરથી પણ કોઈ શબ્દ મારી જાણમાં નથી એટલે ’ળ’ માટે નળ અને ’ણ’ માટે ફેણ એવા શબ્દોના માધ્યમથી શીખવાડાતું. પણ ’ણ’ કોઈનો નહીં તો ખાસ શીખવાડાતું.

   • dipakdholakia

    ‘ણ’ પરથી સંસ્કૃતમાં કોઈ શબ્દ નથી એટલે ગુજરાતીમાં પણ નથી બન્યો. ‘ળ’ તો સંસ્કૃતમાં જ નથી. જો કે વૈદિક સંસ્કૃતમાં છે. ઋગ્વેદની પહેલી ઋચામાં ‘ળ’નો ઉપયોગ છે પણ આર્યો મુખ્ય ભારત ભૂમિ તરફ આગળ વધ્યા તેમ ‘ળ’ છૂટી ગયો. આજે પણ ‘ળ” ભારતમાં પશ્ચિમ કાંઠાથી દક્ષિણ તરફ જાઓ ત્યાં રહ્યો છે. એટલે ગુજરાતી પર સંસ્કૃતનો વ્યાપક પ્રભાવ હોવા છતાં ‘ળ’ અકબંધ રહ્યો છે.
    ‘ઢ’ની ખાસિયત એ છે કે લિપિનો વિકાસ બ્રાહ્મીથી દેવનાગરી અને ગુજરાતી સુધી થયો એ આખી યાત્રામાં ‘ઢ’ની આકૃતિમાં કઈં ફેરફાર ન થયો. આથી જ, આપણે ત્યાં કહે છે કે ‘ઢ નો ઢ જ રહ્યો’! આવી વ્યક્તિને ચૌદમું રતન પણ કહે છે. કારણ કે બારાખડીમાં ‘ઢ’ ચૌદમો અક્ષર છે.

    • આપનું ભાષા જ્ઞાન ઘણું સમૃદ્ધ છે. જેમ જેમ આપની સાથે વાતચીત થશે તેમ તેમ મારી પણ ભાષાની સમજ વધતી જશે તેમ લાગે છે.

     • dipakdholakia

      હું આકાશવાણીમાં ગુજરાતી સમાચાર વાચક હતો અને બે વર્ષ પહેલાં રિટાયર થયો. આમ ભાષા મારી રોજીરોટી હતી. તે ઉપરાંત પણ જે કામ કરતા હોઈએ એમાં વધારે ઊંડા ઊતરીએ તો મઝા આવે. તમે મારા ભાષા જ્ઞાનની પ્રશંસા કરી તે મારા ‘અહં’ને ગમ્યું પણ ખરેખર મને એક કહેવત લાગુ પડે છેઃ “અખાડે કા ઉલ્લૂ, ઔરોં કા ઉસ્તાદ”. ખરા વિદ્વાનો પાસે હું કઈં નથી, બીજાઓને લાગે કે હું વિદ્વાન છું.
      આપણી બારાખડી (એટલે કે સંસ્કૃતની વર્ણમાળા)ની ગોઠવણીને ભારતીય તત્વચિંતન સાથે સીધો સંબંધ છે.આ બાબત તરફ ઘણાનું ધ્યાન નથી જતું. ક્યારેક મારો તર્ક રજૂ કરીશ.

      • દરેક વ્યક્તિ ની અંદર કશીક વિશેષતા હોય છે. સામાન્ય રીતે વાતચીત દરમ્યાન હું કોઈના વિશે પૂર્વગ્રહ રાખ્યાં વગર વાત કરું છું અને દરેક પાસેથી કશીક શીખવાની ઈચ્છા રાખું છું. મુળ વાત છે કે જે કાર્ય કરવું તે ઉંડાણપૂર્વક અને રસપૂર્વક કરવું. જો રસ ન પડે તો કાર્ય ન થઈ શકે. અત્યારની શિક્ષણ પધ્ધતિની મોટી ખામી મને તે લાગે છે કે તે બાળકોમાં અભ્યાસ માટે રુચિ ઉત્પન્ન નથી કરતું . જો વ્યક્તિને એક વાર કોઈ પણ કાર્યમાં રસ પડે તો તે આપમેળે જ તે વિષય ઉંડાણપૂર્વક શીખશે. મને સંસ્કૃતની વર્ણમાળા ને ભારતીય તત્વચિંતન સાથે સીધો સંબધ છે તે જાણીને આનંદ થયો. તે વિશે આપની પાસેથી વધુ જાણવાની ઈચ્છા છે. ભારતીય વિચારસરણી મને ઘણી તર્કબધ્ધ અને અનુભવોમાંથી પસાર થયા બાદ કશાંક નિષ્કર્ષ પર આવેલી હોય તેવી લાગી છે. સાંપ્રત સમયમાં પણ જુદા જુદા ક્ષેત્રમાં આવા અભ્યાસુ છે પણ પુરતા પ્રચાર પ્રસાર ને અભાવે તથા અપૂરતા સરકારી અને સામાજિક પ્રોત્સાહનોને લીધે સાચી પ્રતિભાઓ બહાર નથી આવી શકતી.

       સમયે સમયે યોગ્ય પ્રતિભાઓનું સન્માન થાય અને નવી પ્રતિભાઓની શોધ થાય તથા દરેક વ્યક્તિને કોઈ ને કોઇ ક્ષેત્રમાં પ્રતિભાવાન બનાવવા માટે પ્રયત્ન થાય તો આપણી પાસે એટલી બધી માનવ શક્તિ છે કે વિશ્વનું કોઇ રાષ્ટ્ર આપણી સામે ટકી ન શકે.

       જરૂર છે યોગ્ય પ્રતિભાઓ વિકસાવવાની, વિકસેલી પ્રતિભાઓને સમાજ ઉપયોગી કાર્યમાં લગાડવાની અને ત્યાર બાદ સમાજમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓનું સન્માન કરવાની.

      • Amit Trivedi

       Responding to a very old post.
       Not sure whether you are still connected.

       દિપકભાઈ, તમારો અવાજ હજીયે કાનમાં ગુંજેછે…

       I vividly remember:
       આકાશવાણી. સમાચાર દિપક ધોળકીયા વાંચે છે (& વસુભાઈ આચાર્ય too…)

 2. શ્રી ધોળકિયા સાહેબની ભાષા અને આકાશવાણી પરનો તેમનો અવાજ પણ મેં સાંભળ્યો છે ! તેઓ પાસેથી આપણને ઘણું જાણવાનું મળશે.

  મારા ગુજ. ભાષા પરના આશરે ૯૪ લેખોની લીંક આ સાથે છે. એ ઉપયોગી થશે તો ગમશે.

  http://jjkishor.wordpress.com/category/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87/

  – જુ.

 3. જુ. કાકા
  આપે ભાષા ઉપર સારુ કાર્ય કર્યું છે. આપના લેખો જરૂર ઉપયોગી થશે. ખાસ કરીને મને જોડણીના નીયમો શીખવાની ઈચ્છા હતી કદાચ આપના આ લેખોમાંથી તે વિશે જાણકારી મળી રહેશે તેમ લાગે છે. આપ જેવા અને ધોળકીયા સાહેબ જેવા મહાનુભાવો પાસેથી તો સહુ બ્લોગરોએ ઘણું શીખવાનું છે.

  ધોળકીયા સાહેબ પણ સ્પષ્ટ ઉચ્ચારો કેવી રીતે બોલવા, વક્તૃત્વ કળા કેવી રીતે વિકસાવવી વગેરે બાબતો પર બ્લોગ દ્વારા નિદર્શન આપે તો બ્લોગરોને ઘણું જાણવા મળે.

 4. સરસ લેખ અને સરસ ચર્ચા. અતુલભાઈએ કહ્યું કે ઘણા લોકો “ળ” ને બદલે “ડ” લખે/બોલે છે, એની વ્યાપકતાની સાબિતી “google transliteration ” વારંવાર આપે છે. “madiye” લકવાથી “મળીયે”ની પ્રાપ્તિ થાય છે એ જ બતાવે છે કે કેટલા બધા લોકો આવું લખતા હશે.
  શ્રી ધોળકિયા સાહેબ પાસેથી વર્ણમાલા નાં તત્વચિંતન સાથેના સંબંધ અંગે વધુ જાણવાની ઈચ્છા છે.
  અતુલભાઈ, બનશે ત્યાં સુધી તો આજે જ તમારા પુસ્તકો લેતો આવીશ.
  જય

 5. dipakdholakia

  શ્રી જુગલ કિશોરભાઇ અને અતુલભાઈ,
  આપ બન્ને જે સદ઼્ભાવ દેખાડો છો તેને અનુરૂપ રહી શકું તો ઘણું. જુગલકિશોરભાઈના બ્લૉગની મુલાકાત લીધી અને બહુ જ પ્રભાવિત થયો. પ્રોબ્લેમ એ થાય છે કે સીધું વાંચી શકાતું નથી. માત્ર ટપકાંની હાર દેખાય છે. એની કૉપી કરીને નોટપેડમાં પેસ્ટ કરૂં છું તો વાંચી શકાય છે. આમ કેમ થાય છે તે સમજી શકાતું નથી, તો સમજાવશો. મારે લખવું હોય તો પણ કૉપી-પેસ્ટનો આશરો લેવો પડે છે.
  હવે આપણી બારાખડીની ગોઠવણીને આપણા તત્વ દર્શન સાથે શી રીતે સંબંધ છે તે રજૂ કરૂં. આ મારી પોતાની જ ઉપજ છે એટલે ખુલ્લી ચર્ચાને આમંત્રણ પણ આપું છું.

  આપણી બારાખડી અને ખરું જોતાં સંસ્કૃત અને બધી ભારતીય ભાષાઓની વર્ણમાળા એક જ છે. એટલે અહીં જે લખ્યું છે તે બધી ભાષાઓને લાગુ પડે છે.
  શરૂઆત સ્વરથી થાય છે એટલે કે ‘અ’થી. બોલતાં જ લાગશે કે એ બહુ જ ઓછા પ્રયત્ને અંદરથી નીકળે છે. તે પછી થોડા ફેરફાર સાથે ઇ-ઈ અને ઉ-ઊ અવે છે. આમાં ઉ-ઊ બોલવાનો પ્ર્યત્ન કરતામ જ સમજાઈ જશે કે એ ધ્વનિ ‘અ’ કરતાં ઊંચા સ્થાનેથી નીકળે છે. તે પછી વ્યંજનો આવે છે. એમાં ધીમે ધીમે વધારે સક્રિય પ્રયાસ દેખાશે. ક-ખ-ગ-ઘ-ઙ બોલવામાં માત્ર ગળાનો ઉપયોગ થાય છે તે પછી ચ-છ-જ-ઝ-ઞ /ટ-ઠ-ડ-ઢ-ણ/ ત-થ-દ-ધ-ન/ બોલવામાં જીભનો ઉપયોગ થા્ય છે. ત-થ-દ-ધ-ન બોલવામાં જીભ દાંતની પાછળ સ્પર્શ કરે છે. તે પછી જીભ માટે કોઈ જગ્યા જ નથી, એટલે હોઠનો ઉપયોગ થાય છે. પ-ફ-બ-ભ-મ હોઠથી બોલાય છે. હવે શરીરના કોઈ ભાગનો ઉપયોગ થઈ શકે એમ નથી. આમ ‘મ’ સૌથી છેલ્લો ઉચ્ચાર બની રહે છે. તે પછીના ધ્વનિ ય, ર. લ. વ, અર્ધ સ્વર છે. ય એટલે ઇ+અ અને વ એટલે ઉ+અ. ર અને લ ૠ અને લૄ સ્વરોમાંથી પતિત થઇને બનેલા વ્યંજનો છે. જીભનૅ ‘થ્રિલ’ આપો તો ર બને અને તે સિવાય એ જ સ્થાને જીભ ચોંટાડી દો તો લ બને. પરંતુ ય અને વ પ્રયાસ ગળાથી પહેલાંના છે. ર અને લ પણ જીભની મદદ વિના પ્રગટે નહીં. આમ આ ઉચ્ચારો ‘મ’થી પહેલાંના છે. શ, ષ,સ ઊષ્માક્ષર કહેવાય છે. એમાં ઉચ્ચ્છ્‍વાસને જીભથી દબાવવામાં આવે છે. પરંતુ ‘હ’ અંતિમ શ્વાસ જેમ મુક્ત ઉચ્છ્‍વાસ છે (‘ળ’ ની ચર્ચા અલગ રાખું છું) પરંતુ ળ સહિત આ બધા પ્રયત્ન પણ ‘મ’્થી પહેલાં ના છે. આમ આપણિ બારાખડીની યાત્રા ‘અ’થી શરૂ થઈ એક જ વાર ‘ઉ’માં ઊંચે પહોંચે છે અને ‘મ’ મામ પૂરી થાય છે. માણસ જે પણ ધ્વનિ પ્રગટ કરે તે ‘અ’થી’મ’ વચ્ચે જ હોઈ શકે એ વાત આપણી વર્ણમાળાની વ્યવસ્થામાં અમ્કિત કરી દેવાઈ છે. અને અ-ઉ-મ એટલે ૐ! તે પછી ઉચ્છ્‍વાસયુક્ત ધ્વનિઓ આપણને અંત તર્ફ લઈ જાય છે. હવે આવે છે ‘ક્ષ’. આ પ્રતીક ‘ક્ષર’ એટલે કે વિનાશશીલ જગતનું છે. ૐ પછી ક્ષર જગતનો અંત. ‘ત્ર’ એટલે ત્રાણ અથવા ઉદ્ધાર, ૐ એ ક્ષર જગતનું જ રૂપ છે એમાંથી ત્રાણ માટે પ્રયાસ કરવાના છે. અને આ સમજવું એ જ છે ‘જ્ઞ’ એટલે જ્ઞાન!
  ૐ ને આપણે ધાર્મિક પ્રતીક માનીએ છીએ પણ એ ગણિતના સમીકરણ જેવું શબ્દસૃષ્ટિનું સૂત્ર છે. આમાં પણ એક વાત સમજવાની છે કે એની કલ્પનાનો આધાર માનવીય સ્વરતંત્ર છે. કાગડા, સિંહ, બકરી વગેરેનું સ્વરતંત્ર આપણાથી જુદું છે. એમના અવાજો આપનણે જે ધારીએ છીએ તે માત્ર માનવીય સ્વરતંત્ર દ્વારા ઉત્પન્ન થઈ શકે એવો અનુવાદ માત્ર છે. કાગડો ‘કા…કા’ કરે છે એવી આપણી સમજ છે, ખરેખર કાગડાને પૂછીએ તો એ કદાચ કહે કે મારા જેવો અવાજ તમે કાઢી નહીં શકો! એટલે ૐને મનુષ્યની શબ્દસૃષ્ટિનું પ્રતીક માનવાનું વધારે યોગ્ય છે, સમગ્ર નાદસૃષ્ટિ માટે આ પ્રતીક ચાલે નહીં અધ્યાત્મના માર્ગે ૐથી આગળ જવાનું હોય છે. ૐ પાસે અટકવાનું નથી.
  મારી વાત કરૂં તો, માફ કરશો, હું તો ૐથી આગળ નહીં જાઉં! ૐસુધીમાં જ ઘણું કરવાનું છે. એકલે મુક્તિ નહીં જોઈએ.

  • શ્રી ધોળકીયા સાહેબ
   આપની વાતોથી ઘણી બધી ચોખવટ થઈ. ૐ અ ઉ મ આપે કહ્યું તેને અધ્યાત્મમાં ઘણી રીતે સાંકળવામાં આવે છે

   અ – જાગ્રત – વિરાટ – વિશ્વ અને પ્રથમ પાદ (સ્થુળ)
   ઉ – સ્વપ્ન – હિરણ્યગર્ભ – તૈજસ અને દ્વિતિય પાદ (સુક્ષ્મ)
   મ – સુષુપ્તિ – ઈશ્વર – પ્રાજ્ઞ – તૃતિય પાદ (કારણ)
   ચન્દ્ર બિંદિ – તુરીય – બ્રહ્મ -કૂટસ્થ – ચતુર્થ પાદ

   ઓમકારની ઉપર રહેલી ચન્દ્ર બિંદીનું અધ્યાત્મમાં ઘણું મહત્વ છે. આપે કહ્યું તેમ ઓમનો વિસ્તાર ક્ષર છે જ્યારે ચતુર્થ પાદ અક્ષર છે અને ત્યાં પહોંચવાનું અદ્યાત્મનું લક્ષ્ય છે.

   હરિના જન તો મુક્તિના માગે, માગે જનમો જનમ અવતાર – આ વાત નરસૈયાએ ભક્તિભાવમાં તરબોળ હતા ત્યારે લખેલી છે.

   છેવટે તેમણે જ લખ્યું છે કે :-

   જ્યાં લગી આતમ તત્વ ચિન્યો નહીં
   ત્યાં લગી સાધના સર્વ જૂઠી
   માવઠાની જેમ જૂઠી વૃષ્ટિ

   પરંતુ ઓમકારને પુરેપુરો સમજવામાં જ ઘણો પુરુષાર્થ જોઈએ. જાગ્રત (સ્થુળ) – સ્વપ્ન (સુક્ષ્મ) તો કાઈકે ય સમજાય પણ સુષુપ્તિ (કારણ) તો સમજાય જ નહીં . કારણ કે કારણ એટલે અજ્ઞાન – જો સમજાય જાય તો કારણ રહે નહી અને કારણ હોય ત્યાં સુધી સમજાય નહીં.

   એટલે જ કહ્યું કે બ્રહ્મને સમજવું સહેલું છે પણ માયાને સમજી શકાય નહીં.

   આનંદ થાય છે આવી ચર્ચાઓથી.
   અને હા, આપ અહીં કોઈ પણ વિષયની ચર્ચા કરી શકો છો – અરે ચર્ચા થી જ તો જ્ઞાન વધે – સંશય ટળે.

 6. DIPAK DHOLAKIA

  માણ્ડુક્ય ઉપનિષદના તમે પણ ચાહક લાગો છો. સૌથી પહેલાં મેં એ જ વાંચ્યું અને સમજ્યો.

 7. સુંદર લેખ!!! ભાષા વિષે સરસ માહિતી…

 8. Amit Trivedi

  ખોટા ઊચ્ચારણામોથી ઘણાયે અનર્થ થઈ જાય.
  દા.ત. પ્રેમળ જ્યોતી…. મારો જીવન પંથ ઊજાળ (નું ઊજાડ થઈ જાય)
  સેવ મી નું : શેવ મી થઈ જાય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: