મિત્રો,
જીવન ધર્મક્ષેત્ર છે અને કુરુક્ષેત્ર પણ છે. બાળકો જ્યારે થોડા થોડાં સમજણાં થાય ત્યારથી જ તેનામાં મા-બાપે સારા સંસ્કારનું સિંચન કરવાનું શરુ કરવું જોઈએ. જીવનમાં આગળ વધતાં પોતાના બાળકોને સમજણ અને ઉપદેશ આપવાના ઉદ્દેશ્યથી રચાયેલ એક સ્વ-રચિત કાવ્યને માણીએ…..
જન્મ લીધો છે ધરા પર, માનવ દેહે અવતર્યા;
પગલે પગલે સંભાળજો, ચૂક્યા તો તરત જ મર્યા;
પોતાના સ્વાર્થને ખાતર, કોઈનું અહિત કરશો નહીં;
માનવી મરતાં ભલે, પણ માનવતા મરશો નહીં.
લાખ આવ્યાને ગયા, પણ નામ માત્ર તેના રહ્યાં;
અન્યના હિતને ખાતર, જાન કુરબાન જેણે કર્યાં;
દેશ-સેવાના કાર્યમાં, પાછી પાની કરશો નહીં;
માનવી મરતાં ભલે, પણ માનવતા મરશો નહીં.
આટલું ગુમાન શાને? શું લાવ્યાં? શું લઈ જશો?
હોંશીયારી કરશો તો તો, હાથ ઘસતાં રહી જશો;
દિવ્ય આત્મા છો તમે, દાનવતા કરશો નહીં;
માનવી મરતાં ભલે, પણ માનવતા મરશો નહીં.