Daily Archives: 01/10/2010

હાસ્યલેખ લખવાના અભરખા (૨) – આગંતુક

આજે સવારમાં ૫ વાગ્યે ઉઠી ગયો. પહેલાં તો થયું કે “મધુવન” માં એકાદ ગીત મુકીએ. વિચાર કર્યો કે ક્યું ગીત મુકવું (અરે હું યે ક્યારેક વિચારુ છું). મુકેશ અને આશા ના કંઠે ગવાયેલું અને જીવનના સુખ અને દુ:ખ ને નદીના બે કાંઠા તરીકે વર્ણવતુ ગીત “સંસાર હે એક નદિયા” પસંદ કર્યું. યુ – ટ્યુબ માંથી લિન્ક મેળવી અને બ્લોગ પર કોપી-પેસ્ટ કર્યું. થોડી વાર થઈ ત્યા પોસ્ટ પ્રસિદ્ધ થવાને બદલે એરર આવી. ગીત પ્રસિદ્ધ થઈ શક્યું નહીં. પછી થયું કે કાઈ નહીં ગીતને પડતુ મુકો અને કાઈક પ્રેરણાદાયક સાહિત્ય મુકીએ.”સફળતાના સ્વર્ણિમ સોપાનો” નું ૩જુ પ્રકરણ સ્કેન કરીને તૈયાર રાખેલું. જેવું મીડીયા લાયબ્રેરીમાં અપલોડ કરવા ગયો તો ફરી પાછી એરર આવી.

હવે તો રીતસર વર્ડપ્રેસનો જૂલ્મ થતો હોય તેમ લાગ્યું. અત્યાર સુધી વર્ડપ્રેસે કરેલી નિ:સ્વાર્થ (???) સેવાને ભુલી જઈને મારા મનમાં વર્ડપ્રેસ પર ખૂબ ગુસ્સો આવ્યો. મનોમન કહેવા લાગ્યો કે અરે ગીત કે પ્રેરણાદાયક સાહિત્ય કશુંય ન સંઘરી શકતું આ વર્ડપ્રેસ ખરેખર નકામું છે. ત્યાં તો તેણે મને અત્યાર સુધી આપેલો સાથ યાદ આવ્યો, મફતીયા બ્લોગરોના આશ્રયસ્થાન જેવો, ગામના પાદરે રહેલા ઓટલા જેવો સ્વભાવ યાદ આવ્યો. જેવી રીતે ગામ આખાના નવરાં લોકો પાદરના ઓટલે ભેગા થાય તેમ નવરા બ્લોગરોના અનિવાર્ય આશ્રયસ્થાન જેવી તેની હૂંફ યાદ આવી. મને થયું કે કદાચ “મધુવન” ના સેટીંગમાં કશોક ફેરફાર થયો હશે એટલે લાવ “ભજનામૃત વાણી” માં જઈને કશુંક લખું. આમેય કોમેન્ટો લખવા કરતા લેખ લખવા સારા એવું મારા મિત્રનું માનવું છે એટલે મને થયું કે લાવને કો’કના ઓટલા ભાંગવા કરતા આપણાં મકાનો ચણીએ. એટલે “ભજનામૃત વાણી” માં લખવા બેઠો.

પણ પણ પણ લખવું શું? પહેલા તો થયું રેશનાલિસ્ટોનો વિરોધ કરતી એકાદ ચાબખા જેવી રચના રચું. પછી વિચાર આવ્યો કે આપણે કાઈ શોલેના ગબ્બરસીંગ થોડા છીએ? આ ચાબખા આપણાં હાથમાં ન શોભે, તેથી વિચાર પડતો મૂક્યો. તો થયું કે લાવ એકાદ કવિતા મુકું. પછી થયું કે તાત્કાલિક કવિતા રચતા તો આવડશે નહીં. અને ગા ગા ગા લગા લગા આ બધું બંધારણ સમજવાનો અત્યારે સમય નથી તેથી તે વિચાર પડતો મુક્યો.

ત્યાં મને આ હાસ્યલેખના અભરખાની મારી નવી જ શરુ કરેલી “લેખમાળા” યાદ આવી. જેમ કોઈ સાંભળે કે ન સાંભળે પણ સંગીતકારો પોતાની તતૂડિ વગાડતા હોય છે તેમ કોઈ પહેરે કે ન પહેરે પણ મારે તો આ “લેખમાળા” ગૂંથવી જ છે.

લ્યો ત્યારે આજે આટલું રાખીએ, જોઈએ હવે આ પોસ્ટ સચવાય (સેવ) છે કે નહીં.

વધુ આવતા અંકે…

Categories: હળવી પળો, હાસ્ય | Tags: , , | 2 Comments

Blog at WordPress.com.