ભારત વર્ષમાં મહાન સમ્રાટો અને અનેક પ્રતાપી ક્ષત્રીય રાજાઓ થઈ ગયા તેમ છતાં ભારત વિદેશીઓ સામે કેમ ટકી ન શક્યું? કારણ કે તેઓમાં જે કાચા કાનના હતા અને ભૌતિકતાની ચકાચોંધથી જેની આંખો ઉપર પડળ બાઝી ગયા હતા તેઓ વિદેશી રીત રસમોથી આકર્ષાઈને અને વિદેશીઓએ ચગળાવેલી મોજ શોખોની ચ્યૂઈંગ ગમ ચાવી ચાવીને એટલા તો ભારત વિરોધી થઈ ગયા હતા કે વિદેશીઓએ આ રાજવીઓનો જ ઉપયોગ ભારતને પરાસ્ત કરવામાં કરી લીધો.
Daily Archives: 13/08/2010
સાચી ઉપાસના – સ્વામી વિવેકાનંદ
(સ્વામી વિવેકાનંદ રામેશ્વર મંદિરની મુલાકાતે ગયા હતા. ત્યાં એકઠા થયેલા જનસમૂહને થોડાએક શબ્દો કહેવાની તેમને વિનંતિ કરવામાં આવી હતી. તેમના આ પ્રવચનનો સાર આ મુજબ છે. આ લેખ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત પુસ્તક – “સ્વામી વિવેકાનંદ, ભારતમાં આપેલાં ભાષણો” માંથી લેવામાં અવ્યો છે.)
ધર્મ પ્રેમમાં રહ્યો છે, અનુષ્ઠાનોમાં નહીં. હ્રદયના વિશુધ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય, ત્યાં સુધી તેનું મંદિરમાં જવું અને શિવની ઉપાસના કરવી નકામી છે. જેઓ શરીર અને મનથી પવિત્ર છે તેમની પ્રાર્થના ભગવાન શિવ સાંભળે છે; પણ જેઓ પોતે અપવિત્ર હોવા છતાં બીજાને ધર્મોપદેશ દેવા જાય છે, તેઓ આખરે નિષ્ફળ નીવડે છે. બાહ્ય ઉપાસના એ આંતર ઉપાસનાનું એક પ્રતીક માત્ર છે; આંતર ઉપાસના અને પવિત્રતા એ જ સાચી વસ્તુ છે. એ વિના બાહ્ય ઉપાસનાનો કશો જ ઉપયોગ નથી. એટલા માટે, તમારે સૌએ આ યાદ રાખવા પ્રયત્ન કરવો.
આ કળિયુગમાં લોકોની એટલી બધી અધોગતિ થઈ છે કે તેઓ ગમે તેવું વર્તન કરે, પણ પછી કોઈ તીર્થધામમાં જાય તો બધાં પાપ ધોવાઈ જશે એમ તેઓ માને છે. જો કોઈ માણસ અપવિત્ર મન સાથે મંદિરમાં જાય, તો તેથી તેનાં જૂનાં પાપોમાં ઉમેરો થાય છે, અને ઘેરથી નીકળ્યો હતો તેના કરતાં વધુ ખરાબ માણસ તરીકે તે ઘેર પાછો ફરે છે. તિર્થ એક એવું સ્થળ છે કે જ્યાં પવિત્ર વસ્તુઓ અને પવિત્ર પુરુષો પુષ્કળ હોય. પરંતુ જ્યાં પવિત્ર પુરુષો વસતા હોય ત્યાં મંદિર ન હોય તો પણ તે સ્થળ તીર્થ બની જાય છે. વળી જ્યાં સેંકડો મંદિર હોય છતાં જો અપવિત્ર લોકો ત્યાં રહેતા હોય, તો તે સ્થળેથી તીર્થ અદ્રશ્ય થઈ જાય છે. તીર્થવાસ બહુ કઠણ છે, કેમકે અન્ય સ્થળે જે પાપ થાય તે તો સહેલાઈથી દૂર કરી શકાય છે, પરંતુ તીર્થક્ષેત્રમાં કરેલું પાપ કદી દૂર કરી શકાતું નથી. સર્વે ઉપાસનાનો મર્મ આ છેઃ પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીન-દુખિયાઓમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચેસાચ શિવની ઉપાસના કરે છે! પણ જો તે ભગવાન શિવને માત્ર તેનાં લિંગમાં જ જુએ તો તેની ઉપાસના હજુ પ્રાથમિક ભુમિકામાં છે એમ સમજવું. જે મનુષ્ય ભગવાન શિવને કેવળ મંદિરોમાં જ જુએ છે તેના કરતાં જે મનુષ્ય દીન-દુખિયામાં તેમનાં દર્શન કરે છે અને નાતજાત વગેરેનો વિચાર કર્યા વગર તેમની સેવા કરે છે, તેની ઉપર ભગવાન શિવ વધુ પ્રસન્ન થાય છે.
એક ધનવાન મનુષ્યને એક બગીચો હતો. તેમાં બે માળી કામ કરતા હતા. એમાંનો એક માળી ખૂબ આળસુ હતો; તે બિલકુલ કામ કરતો નહીં, માત્ર જ્યારે માલિક બગીચામાં આવે ત્યારે ઊભો થઈ હાથ જોડીને કહેતોઃ “મારા માલિકનું મુખ કેટલું સુંદર છે!” અને એમ કહીને તેની સમક્ષ નાચવા લાગતો. બીજો માળી ઝાઝું બોલતો નહીં, પરંતુ સખત મહેનત કરતો અને તમામ પ્રકારનાં ફળ અને શાકભાજી ઉગાડતો તથા બધો માલ પોતાના માથે ઊંચકી ખૂબ દૂર રહેતા પોતાના માલિકને પહોંચાડતો. અ બે માળીઓમાંથી ક્યો માળી તેના માલિકને વધુ પ્રિય હશે! ભગવાન શિવ તે માલિક છે અને આ જગત તેનો બગીચો છે. બે પ્રકારના માળીઓ અહીં હોય છે; એક આળસુ અને કપટી માળી કે જે કાંઈ કરતો નથી, પરંતુ કેવળ ભગવાન શિવનાં સુંદર નેત્રો, નાક અને બીજાં અંગોનાં વર્ણન કર્યા કરે છે; જ્યારે બીજો માળી ભગવાન શિવનાં દીનદુખિયાં અને નિર્બળ સંતાનો, સર્વ જીવજંતુઓ, અરે, તેમની આખી સૃષ્ટિની સંભાળ લે છે. ભગવાન શિવને આ બેમાંથી વધુ વહાલો કોણ હશે? અવશ્ય, તે જ કે જે ભગવાન શિવનાં સંતાનોની સેવા કરે છે. જે પિતાની સેવા કરવા માગે છે તેણે સૌથી પ્રથમ તેનાં સંતાનોની સેવા કરવી જોઈએ. તેણે સૌથી પ્રથમ આ જગતમાં બધાં પ્રાણીઓની સેવા કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે ઈશ્વરના ભક્તોની જે સેવા કરે છે તે તેના શ્રેષ્ઠ સેવકો છે. માટે તમે આ વાત ખાસ ધ્યાનમાં રાખજો.
ફરી એક વાર હું તમને કહું કે તમારે પવિત્ર રહેવું જોઈએ અને જે કોઈ તમારી પાસે આવે તેને યથાશક્તિ મદદ કરવી જોઈએ. આ શુભ કર્મ છે. આ શુભકર્મના પ્રભાવથી ચિત્ત શુધ્ધ થાય છે, અને પછી ભૂતમાત્રમાં વસી રહેલા ભગવાન શિવ પ્રગટ થાય છે. તે દરેકના હ્રદયમાં નિરંતર વસેલા છે. એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયાં હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી; તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હ્રદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. જેમાં આપણે આપણી જાતોનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણુ એ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે “હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ,” જે એમ વિચારે છે કે “બીજાઓની પહેલાં હું સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલાં હું મુક્તિ મેળવીશ,” તે મનુષ્ય સ્વાર્થી છે. નિઃસ્વાર્થવૃત્તિ હોય છે તે વધુ ધાર્મિક છે અને ભગવાન શિવની વધુ સમીપ છે. એ મનુષ્ય શિક્ષિત હોય કે અશિક્ષિત, તે આ જાણતો હોય કે ન જાણતો હોય, તો પણ તે બીજા કોઈ કરતાં ભગવાન શિવની વધુ નજીક છે. જો કોઈ મનુષ્ય સ્વાર્થી હોય પછી ભલે તે બધાંય મંદિરોમાં જતો હોય, ભલે બધાં તીર્થધામોની યાત્રા તેણે કરી હોય અને ભલે એક દીપડાની માફક પોતાની જાતને અનેક ટીલાંટપકાંથી શણગારતો હોય, તો પણ ભગવાન શિવથી તે ઘણો દુર છે.