Daily Archives: 31/07/2010
આજનું ચિંતન – આગંતુક
મિત્ર કોને કહેવો? મિત્ર વીશે થોડું જોવાનો પ્રયત્ન કરીએ.
મિત્ર એવો શોધવો, જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ પડી રહે, દુ:ખમાં આગળ હોય.
જેવી રીતે ઢાલ લડાઈ સીવાયના દિવસોમાં તો પીઠ ઉપર પડી રહે છે પણ લડાઈ વખતે બધા ઘા તે ઝીલે છે, તેવી રીતે સાચો મિત્ર પણ તેને કહેવાય કે જે સુખના દિવસોમાં તો શાંતિથી બેસી રહે પણ દુ:ખના દિવસોમાં તરત જ તેના મિત્રને મદદ કરવા દોડી જાય.
શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક,
જેમાં સુખ દુ:ખ વામીએ, તે લાખનમાં એક.
કેમ છો? કેમ નહીં તેવું કહેવા વાળા મિત્રો તો ઘણા હોય છે, મળે ત્યારે હાથ મીલાવે અને છુટા પડે ત્યારે આવજો કહે તેવા અનેક હોય છે. પણ જેની સાથે સુખ અને દુ:ખ બંને સંકોચ વગર વહેંચી શકાય તેવા મિત્ર તો લાખોમાં એકાદ જ હોય છે.
આધ્યામિક દ્રષ્ટિએ જોઈએ તો આપણું મન જ આપણું મિત્ર છે અને આપણું મન જ આપણું શત્રુ છે. ચંચળ મન માં સતત સંકલ્પ-વિકલ્પ ઉઠતા રહે છે. સારા સંસ્કારોના શુભ વિચારો હશે તો તે આપણી ઉર્ધ્વ ગતિ કરાવશે અને કુસંસ્કારોના મલિન વિચારો હશે તો તે આપણું અધ:પતન કરશે. ભગવદ ગીતામાં પણ ૬ઠ્ઠા અધ્યાય ’આત્મ-સંયમ યોગ’ માં મનને કેવી રીતે કેળવવું તે માટે તથા તેને કેળવવાની આવશ્યકતા ઉપર ખુબ જ ભાર મુકવામાં આવ્યો છે.