Daily Archives: 26/07/2010
નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવમાં સંયમ સાધના શિબિર સંપન્ન થઈ
તા.૨૬.૭.૨૦૧૦
ભાવનગર,
પોરબંદર નજીક આવેલ રાણાવાવ ગામે જામનગર રોડ પર આવેલ શ્રી નિર્વાણધામ યોગાશ્રમમાં દર વર્ષની માફક આ વખતે પણ યોજાયેલી ’સંયમ સાધના શિબિર’ સુપેરે સંપન્ન થઈ હતી. પોતાનું પાર્થિવ શરીર છૂટી ગયા બાદ દિવ્ય ચેતના સાથે એકરૂપ થઈ ગયેલ શ્રી નિર્વાણધામ યોગાશ્રમના પાવન સંત શ્રી ભજનપ્રકાશનંદગિરિજી (બાપુજી) દ્વારા તેમના સદશિષ્યા શ્રીપુર્ણાત્માનંદજીની આગ્રહભરી વિનંતિ થી શરુ કરાયેલી આ શિબિર સાધકોને પરમાત્મા તરફ વળવા માટે ઘણીજ પ્રેરણાદાયક છે. તા.૧૮ થી ૨૪ જુલાઈ ૨૦૧૦ દરમ્યાન યોજાયેલ શિબિરનું સંચાલન બાપુજીના સદશિષ્યો શ્રી અમૃતાત્માનંદજી તથા શ્રી પુર્ણાત્માનંદજી દ્વારા કરવામાં આવેલ. વિદ્વાન અને ભુતપુર્વ DFO તથા યોગ અને જ્ઞાનના ઉંડા મર્મજ્ઞ ગાદીપતિ શ્રી પરમાત્માનંદજીએ પોતાની યુરોપ તથા અમેરિકાની તાજેતરની ટૂર પરથી પરત આવીને ૨૨ મી જુલાઈ એ પુન: આશ્રમમાં પધારીને શિબિરની રોનકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
આ શિબિર અહીં પ્રતિ વર્ષ યોજવામાં આવે છે. તેમાં મગ, ફળ, દૂધ, છાશ, ખીચડી જેવા સાદા અને પચવામાં હલકા તથા પૌષ્ટિક ખોરાક જ લેવામાં આવે છે. સાધકો આ શિબિરમાં એકમેકની સાથે એક પરિવારની જેમ પરસ્પર પ્રેમ પુર્વક અત્મિયતાથી રહીને આ શિબિરમાં ભાગ લે છે. આ શિબિરમાં પ્રવેશ માટે માત્ર મનુષ્ય હોવું આવશ્યક છે – એટલે કે કોઈ પણ મનુષ્ય આ શિબિરમાં ભાગ લઈ શકે છે (મનુષ્ય શરીર ધારણ કરનાર દરેક લોકો મનુષ્ય નથી હોતા). શિબિરમાં શ્રીમદ ભગવદ ગીતા,ઉપનિષદો અને જ્ઞાન તથા ભક્તિ વીશે ચિંતન કરવામાં આવે છે. પ્રતિ વર્ષ પર્યાવરણને તથા સહુ શિબિરાર્થીઓની અનુકુળતાને ધ્યાનમાં રાખીને સંચાલનકર્તાઓ શિબિરનો મહત્તમ લાભ શિબિરાર્થીઓને મળે તે રીતે શિબિરનું સમય-પત્રક ગોઠવે છે.
આ વખતનું સમય-પત્રક નીચે પ્રમાણે હતું.
સ્નાનાદિ નિત્યકર્મ પુરુ કરીને,
૫ થી ૬ – ધ્યાન
૬ થી ૭ – શ્રમ યજ્ઞ
૭ થી ૮ – દૂધ / ચા / કોફી, ફળાહાર, અન્ય દેહધાર્મિક ક્રીયાઓ
૮ થી ૯ – નિત્ય પ્રાર્થના, શ્રીમદ ભગવત ગીતાના ૩ અધ્યાયનું સામુહિક પઠન
૯ થી ૧૦ – ભક્તો દ્વારા ભજન અને કિર્તન
૧૦ થી ૧૧ – શિબિરાર્થીઓ દ્વારા શ્રીમદ ભગવત ગીતા વીશે પોતાના ચિંતનની રજુઆત
૧૧ થી ૧૧:૩૦ – વિશેષજ્ઞ દ્વારા વિશેષ સમજુતી
૧૧:૩૦ થી ૧૨:૦૦ – હળવી પળો
૧૨ થી ૧ – મધ્યાન્હ ભોજન (મગ, કેળા, ચિકુ, ખારેક, આદુ, છાશ વગેરે)
૧ થી ૨:૩૦ – આરામ, અન્ય કાર્યો (કપડા ધોવા, વાંચન વગેરે)
૨:૩૦ થી ૩:૦૦ – હળદરવાળું દુધ / ચા / કોફી
૩:૦૦ થી ૫:૩૦ – સંતોના અધ્યાત્મલક્ષી પ્રવચનો
૫:૩૦ થી ૬:૦૦ – પ્રાર્થના તથા સંધ્યા આરતી
૬:૦૦ થી ૭:૦૦ – સ્વેચ્છા વિહાર
૭:૦૦ થી ૮:૦૦ – ભોજન (ખીચડી-ઘી, દુધ)
૮:૦૦ થી ૧૦:૦૦ – પોતપોતાના સ્વાધ્યાય
૧૦:૦૦ – આરામ
ત્યાર બાદ ૨૫મી તારીખે સહુ શિબિરાર્થીઓ ગુરુપુર્ણીમાનો મહોત્સવ ઉજવીને છુટા પડ્યા. આપ સર્વે આવતા વર્ષે ગુરુપુર્ણિમા પહેલા બરાબર ૬ દિવસ પૂર્વે યોજાતી આ શિબિરમાં ભાગ લેવા જરૂર પધારશો.