મિત્રો,
ચારે બાજુ પાણી અને વચ્ચે જમીન હોય તો તેને બેટ અથવા ટાપુ કહે છે. નદીઓનાં પાણી જ્યાં ઠલવાય ત્યાં ધીમે ધીમે પુરાણ થાય. કાળે કરીને નાનો કે મોટો અથવા નાના મોટા બેટ પાણીની બહાર ઉપસી આવે.
ખંભાતના અખાતમાં આવેલ અલિયાબેટ, માલબેંક વિગેરે આવા બેટ છે.
બીજો એક પ્રકાર છે. પરવાળાના ટાપુઓ પરવાળાના નાના નાના જીવો બાજુ બાજુમાં રહી કરોડોની સંખ્યામાં પોતાના ઘરો બાંધવા માંડે. કરોડો વર્ષો પછી થર ઉપર ચડતાં તે દરિયાની બહાર ઉપસી આવે.
કચ્છના અખાતમાં આવેલ પીરોટન ટાપુ આ પ્રકારનો બેટ છે.
ત્રીજી એક રીતે પણ ટાપુ બને છે, સમુદ્રના તળીયે કોઈ ઉથલપાથલ થાય અને એવી અનેક ઉથલપાથલોના પરિણામે ટાપુ ઉપસી આવે. એને ગજબેડ પ્રકારના ટાપુ કહે છે.
ભાવનગરની નજીક આવેલો પીરમબેટ આ ત્રીજા પ્રકારનો ટાપુ છે.