1. દરેક વ્યક્તીમાં દીવ્યતા સુપ્તપણે રહેલ છે. અન્દરની આ દીવ્યતાને બાહ્ય તેમજ આંતર પ્રકૃતીનાં નીયમન દ્વારા અભીવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્ત્વજ્ઞાન – એમ એક અથવા અનેક દ્વારા આ જીવનધ્યેયને સીધ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્વ છે. સીધ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મન્દીરો કે મુર્તીઓ એ બધું ગૌણ છે.
2. જો ઈશ્વર હોય તો આપણે તેનું દર્શન કરવું જોઈએ; જો આત્મા હોય તો આપણે તેની અનુભુતી કરવી જોઈએ; નહી તો, એમાં માનવું નહી એ વધુ સારું છે. દમ્ભી થવા કરતાં આખાબોલા નાસ્તીક થવું એ બહેતર છે.
3. અભ્યાસ એ સમ્પુર્ણપણે આવશ્યક છે. ભલે તમે મારી પાસે બેસીને દરરોજ એકાદ કલાક શ્રવણ કરો, પરંતુ જો તમે અભ્યાસ ન કરો તો એક ડગલું પણ આગળ વધી શકો નહી. બધો આધાર અભ્યાસ ઉપર છે. આ બધી બાબતોનો જ્યાં સુધી આપણે અનુભવ ન કરીએ ત્યાં સુધી આપણને તેમાં કદાપી સમજ પડે નહી. આપણે જાતે જ તેમનું દર્શન કરીને તેમને આત્મસાત કરવી જોઈએ, વીવરણો અને સીધ્ધાંતોનું કેવળ શ્રવણ કરવાથી કશું વળવાનું નથી.
4. એક વીચારને ગ્રહણ કરો; તેને તમારું જીવન સર્વસ્વ બનાવી દો; તેના વીશે ચીંતન કરો, તેના સ્વપ્ન સેવો. એ વીચાર પર જ જીવો; તમારું મસ્તીષ્ક, તમારા સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ અને તમારા શરીરનું અંગેઅંગ – એ બધાંને એ વીચારથી ભરી દો, અને એ સીવાયના અન્ય સર્વવીચારોને બાજુ પર મુકી દો. સફળતા મેળવવાનો આ જ એક માર્ગ છે, અને આ રીતે જ મહાન આધ્યાત્મીક વીભુતીઓનો ઉદય થાય છે.
5. આ મહામાનવો – પયગમ્બરો – કોઈ અસામાન્ય મનુષ્યો ન હતા; તેઓ તમારી કે મારી જેમ મનુષ્યો હતા. તેઓ મહાન યોગીઓ હતા. તેઓએ આ સમાધીદશાની – ઉર્ધ્વચેતનાની દશાની – પ્રાપ્તી કરી હતી અને આપણે પણ એમ જ કરી શકીએ. તેઓ કોઈ અનોખા પ્રકારના લોકો ન હતા. એક મનુષ્ય ક્યારેય આવી પરમ દશાએ પહોંચ્યો છે એ હકીકત જ પુરવાર કરે છે કે પ્રત્યેક મનુષ્ય ત્યાં સુધી પહોંચી શકે; પહોંચી શકે એટલું જ નહી, પણ આખરે તો પ્રત્યેક મનુષ્યે ત્યાં સુધી પહોંચવું જ જોઈએ. એનું નામ ધર્મ.
6. મુક્તીનું મુર્તરુપ, પ્રકૃતીનો નીયંતા એટલે જેને આપણે “ઈશ્વર” કહીએ છીએ તે, તમે એ ઈશ્વરનો ઈંકાર કરી શકો નહી – હરગીજ નહી, કારણ કે મુક્તીના ભાવ વગર તમે કશું કાર્ય કરી શકો નહી, જીવી શકો નહી.
7. કોઈ પણ જીવન કદાપી નીષ્ફળ હોઈ શકે નહી. સંસારમાં નીષ્ફળતા જેવી કોઈ વસ્તુ જ નથી. ભલે સેંકડો વાર મનુષ્ય પોતાને હાની પહોંચાડે; ભલે હજારો વાર એ ઠોકર ખાય; પણ આખરે તેને અનુભુતી થવાની જ છે કે હું સ્વયં ઈશ્વરરુપ છું.
8. ધર્મ એટલે સીધ્ધાંતો, મતવાદો કે બૌધ્ધીક વાદવીવાદ નહી; ધર્મ એટલે પરમતત્ત્વમાં જીવવું, તદ્રુપ થવું; ધર્મ એટલે અનુભુતી.
9. ભગવાન ઈશુના શબ્દો યાદ રાખો : “માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણાં ખુલી જશે.” આ શબ્દો પુર્ણ રીતે સાચા છે – આલંકારીક કે કાલ્પનીક નથી.
10. બાહ્ય પ્રકૃતીને જીતવી એ સારું અને મહાન કાર્ય છે, પરંતુ આંતર પ્રકૃતીને જીતવી એ તો એથી પણ વધુ મહાન કાર્ય છે… આ અન્દરના માનવીને જીતવો, માનવ મનમાં અટપટી રીતે ચાલતી ક્રીયાઓનાં રહસ્યો સમજવાં અને તેનાં અદ્ભુત રહસ્યો ઉકેલવાં એ બધું કાર્ય સર્વાંશે ધર્મનું છે.
11. જીવન અને મૃત્યુમાં, સુખ અને દુઃખમાં ઈશ્વર સમાન રીતે વીદ્યમાન છે. સમગ્ર વીશ્વ ઈશ્વરથી જ ભરેલું છે. તમારાં નેત્રો ઉઘાડો અને દર્શન કરો.
12. ઈશ્વરની પુજા કરીને આપણે હંમેશાં ખરેખર તો આપણી અન્દર નીગુઢ રીતે રહેલા “આત્મતત્વ”ની જ પુજા કરીએ છીએ.
13. ધર્મની અનુભુતી થઈ શકે છે. શું તમે તેના માટે તૈયાર છો? શું તે તમને ખરેખર જોઈએ છે? જો એવું હોય તો તમને તેની અનુભુતી અવશ્ય થશે અને પછી તમે સાચા અર્થમાં ધાર્મીક બનશો. જ્યાં સુધી તમે અનુભુતી પ્રાપ્ત કરી નથી ત્યાં સુધી નાસ્તીકો અને તમારી વચ્ચે કશો પણ ભેદ નથી. નાસ્તીકો તો પ્રમાણીક છે, પરંતુ જે મનુષ્ય પોતાને ધર્મમાં શ્રધ્ધા હોવાનું કહે છે છતાં તેની અનુભુતી કરવાનો પ્રયત્ન કરતો નથી તે પ્રમાણીક નથી.
14. હું ભુતકાળના તમામ ધર્મોનો સ્વીકાર કરું છું અને એમના આદેશ પ્રમાણે પુજા કરું છું; ઈશ્વરને ગમે તે સ્વરુપે તેઓ પુજે, હું એ પ્રત્યેક ધર્મ પ્રમાણે ઈશ્વરની પુજા કરું છું. હું મુસલમાનોની મસ્જીદમાં જઈશ; હું ખ્રીસ્તીઓના દેવળમાં જઈને ‘ક્રુસ’ની આગળ ઘુંટણીયે પડીશ; હું બૌધ્ધોના મન્દીરમાં પ્રવેશ કરીને ભગવાન બુધ્ધ અને એમના શાસનનું શરણ શોધીશ. મનુષ્યમાત્રના હ્રદયમાં પ્રકાશ પાથરતી જ્યોતીનું દર્શન કરવા મથતા હીન્દુની સાથે વનમાં જઈને હું ધ્યાનમાં બેસીશ.
15. ભારતમાં જેને “યોગ” કહીએ છીએ તેના દ્વારા આ ધર્મની પ્રાપ્તી થાય છે. કર્મયોગી આ યોગને મનુષ્યો અને સમગ્ર મનુષ્યજાતી વચ્ચેની એકતા રુપે, રાજયોગી એને જીવ અને બ્રહ્મની એકતા રુપે, ભક્ત એને પ્રેમસ્વરુપ ઈશ્વર અને પોતાની વચ્ચે એકતા રુપે અને જ્ઞાની એને બહુધા વીલસતા “સત”ની એકતા રુપે નીહાળે છે. “યોગ”નો અર્થ આ છે.
16. હવે પ્રશ્ન આ છે: શું ધર્મ દ્વારા ખરેખર કંઈ સીધ્ધ થઈ શકે ખરું? હા, જરુર થઈ શકે. ધર્મ મનુષ્યને અમર બનાવે છે. એણે જ મનુષ્યને તેની આજની સ્થીતીએ પહોંચાડ્યો છે અને એ જ આ મનુષ્ય-પશુને ઈશ્વર બનાવશે. આ છે ધર્મની સીધ્ધી. મનુષ્ય-સમાજમાંથી ધર્મની બાદબાકી કરો અને પછી જુઓ કે શું શેષ રહે છે? પશુઓના જંગલ સીવાય બીજું કશું જ નહીં!
17. તમને કોણ સહાય કરશે? તમે પોતે જ વીશ્વને માટે સહાયરુપ છો. આ વીશ્વમાં કઈ વસ્તુ તમને સહાય કરી શકે? તમને સહાય કરે એવો મનુષ્ય, ઈશ્વર કે દાનવ ક્યાં છે? તમને કોણ પરાજીત કરી શકે? તમે જ આ વીશ્વના વીધાતા છો; સહાય માટે તમે બીજે ક્યાં પ્રયત્ન કરશો? એવી સહાય તો તમારા પોતાના સીવાય બીજે ક્યાંયથી ક્યારેય પણ આવી નથી. તમારા અજ્ઞાનને કારણે તમે એવું માની લીધું કે તમે કરેલી પ્રત્યેક પ્રાર્થનાનો જે ઉત્તર મળ્યો તે કોઈ “સત્વ” તરફથી મળ્યો; પરંતુ ખરેખર તો તમે પોતે જ તમારી એ પ્રાર્થનાનો અજાણપણે ઉત્તર વાળ્યો છે.
18. ગ્રંથોનું અધ્યયન કરીને આપણે એવા ભ્રમમાં પડીએ છીએ કે આપણને આધ્યાત્મીક સહાય મળી રહી છે; પરંતુ ગ્રંથોના અધ્યયનના આપણા ઉપર પડતા પ્રભાવનું પૃથક્કરણ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આવાં અધ્યયનોથી -આપણી બુધ્ધીને લાભ થાય છે, આપણા અંતર-આત્માને નહીં. આમ, આધ્યાત્મીક વીકાસને વેગ આપવામાં ગ્રંથોનું અધ્યયન અપ્રયાપ્ત છે, એટલે જ આપણામાંથી લગભગ દરેક જણ આધ્યાત્મીક વીષયો પર ભલે અત્યંત અદભુત ‘વ્યાખ્યાન’ આપી શકે, પરંતુ જ્યારે આચરણની કે સાચું આધ્યાત્મીક જીવન જીવવાની વાત આવે છે, ત્યારે આપણને ભાન થાય છે કે આ બાબતમાં આપણે ગજબ રીતે ઉણા છીએ. આત્મવીકાસને વેગ આપવો હોય તો તેની પ્રેરણા તો કોઈ બ્રહ્મનીષ્ઠ આત્મા પાસેથી જ પ્રાપ્ત કરવી જોઈએ.
19. ઈશ્વર જ સત્ય છે, આત્મા સત્ય છે; આધ્યાત્મીક્તા જ સત્ય છે. તેમને વળગી રહો.
20. જગતના ભીન્ન ભીન્ન ધર્મો પોતપોતાના ઉપાસના વીધીમાં ભલે જુદા પડે, પરંતુ વાસ્તવમાં તો તેઓ બધા એક જ છે.
21. ધ્યાન એ મહત્વની બાબત છે. ધ્યાનનો અભ્યાસ કરો! એ સર્વોત્તમ વસ્તુ છે. ધ્યાનમાં મગ્ન થયેલું ચીત્ત એટલે આધ્યાત્મીક જીવનનો નીકટતમ ઉપાય. આપણા જીવનની એ એક જ ક્ષણ એવી છે કે જ્યારે આપણે ભૌતીક્તાથી તદ્દન અલગ થઈ જઈએ છીએ અને તમામ ઉપાધીઓથી મુક્ત બનેલો આપણો આત્મા કેવળ સ્વરુપમાં જ રમમાણ રહે છે. એવો અદભુત છે આ આત્માનો સંસ્પર્શ.
22. જેઓ પોતાની જાતનું ઈશ્વરને સમર્પણ કરે છે તેઓ કહેવાતા તમામ પ્રવૃત્તીશીલ લોકો કરતાં જગતનું વીશેષ ભલું કરે છે. જે વ્યક્તી સમ્પુર્ણપણે આત્મશુધ્ધી સાધે છે તે ઉપદેશકોની ફોજ કરતાં વધુ કાર્ય સીધ્ધ કરે છે. ચીત્તશુધ્ધી અને મૌનમાંથી જ શક્તી સમ્પન્ન વાણીનો ઉદય થાય છે.
23. આજે આપણને જરુર છે એ જાણવાની કે ઈશ્વરની હસ્તી છે જ અને આપણે અહીં જ અને આ ક્ષણે જ તેનું દર્શન – તેની અનુભુતી કરી શકીએ.
24. “ભોજન, ભોજન” બોલવું અને ખરેખર ભોજન કરવું, “પાણી, પાણી” બોલવું અને ખરેખર પાણી પીવું – એમાં જમીન-આસમાનનો ફેર છે. એ જ રીતે માત્ર “ભગવાન, ભગવાન” રટવાથી તેનો સાક્ષાત્કાર પામવાની આશા આપણે રાખી શકીએ નહીં. એ માટે તો પ્રયત્ન અને અભ્યાસ કરવો જોઈએ.
25. અનીષ્ટના સીતમોની વચ્ચે પણ બોલો – ‘મારા પ્રભુ, મારા પ્રીયતમ!’ મૃત્યુની યાતના વચ્ચે પણ કહો: “મારા પ્રભુ, મારા પ્રીયતમ” ધરતી ઉપરની તમામ બુરાઈઓ વચ્ચે પણ પુકારો, “મારા પ્રભુ, મારા પ્રીયતમ” – “તું અહીં છે, હું તારું દર્શન કરું છું. તું મારી સાથે છે, હું તારી અનુભુતી કરું છું, હું તારો છું, મને અપનાવી લે. હું આ સંસારનો નથી પણ તારો છું; તો પછી મારો ત્યાગ ના કર.” હીરાની ખાણ છોડીને કાચમણીની પાછળ પડશો નહીં! આ જીવન તો એક મહાન તક છે. અરે! શું તું સંસારના સુખ ભોગોની શોધમાં છે? પ્રભુ જ સર્વ સુખોનો સ્ત્રોત છે. એ પરમતત્ત્વને પામવાનો પ્રયત્ન કર, એને જ મેળવવાનું ધ્યેય રાખ, એટલે તું જરુર એને પામી શકીશ.
26. આપણે ઉત્સાહી અને આનન્દી થવું જોઈએ. ઉદાસીન ચહેરાઓ કંઈ ધર્મનું નીર્માણ કરી શકે નહીં. ધર્મ તો જગતની સૌથી વધુ આનન્દપુર્ણ વસ્તુ હોવી જોઈએ, કારણ કે એ સર્વોત્તમ છે.
27. વસ્તુમાત્રને ઈશ્વર સ્વરુપ માનીને પુજન કરો – પ્રત્યેક રુપ તેનું મન્દીર છે; બાકીનું બધું ભ્રાંતી છે. હંમેશાં હ્રદયની અન્દર દ્રષ્ટીપાત કરો, બહાર નહીં. એવા જ ઈશ્વરનો, એવી જ પુજાનો વેદાંત ઉપદેશ આપે છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…