Daily Archives: 14/06/2010

આજનો સુવિચાર

મિત્રો,
આજે મારા પિતાજીની ચતુર્થ સ્મરણાંજલી નીમિત્તે મારુ હ્રદય મારી ઉપર જાણ્યે અજાણ્યે અનેક લોકોએ કરેલા ઉપકારોથી કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે. હું તે સહુનો હ્રદયપૂર્વક આભાર માનુ છું. વળી મારા અનેક અંગત સ્નેહીજનો, આપ્તજનોના પાછલા જીવનમાં ઘણું યે એવું બન્યું હોય કે જે કડવું હોય, થુંકી નાંખવા જેવું હોય તો તે બધી બાબતોને આંખ આડા કાન કરીને ભુલી જવા જોઈએ અને સાવ નવેસરથી, જાણે કે આજથી જ નવું જીવન શરુ થયું હોય તેમ જીવવાનું શરુ કરવું જોઈએ.

ક્ષમા વિરસ્ય ભૂષણમ |

Categories: Conversations and Dialogues | Tags: | Leave a comment

મારા પિતાજીને ચતુર્થ પુણ્યતિથિએ સ્મરણાંજલી – આગંતુક

સ્મરણાંજલી
સ્વ.નટવરલાલ ગણપતરામ જાની
(સ્વર્ગવાસ તા.૧૪/૬/૨૦૦૬)

દાયકાઓ પુરાણી આ વાત છે. મહાન રાજવી શ્રી ભાવસિંહજી મહારાજના ભાવથી વસાવેલ શહેર ભાવનગરમાં એક તેજસ્વી, સાક્ષર, સમાજ માટે કાંઈક કરી છૂટવાની તમન્ના સાથે શિક્ષણને જ સર્વસ્વ માનનાર મહા પવિત્ર આત્માએ આગમન કર્યું. ગણપતરામ રાજારામ જાની – ગણિતના વિશારદ, વિદ્યાના ઉપાસક અને આજીવન શિક્ષક. તેમણે કૃષ્ણનગર વિસ્તારમાં વાંસડે વાર લીઝ ઉપર મળતાં પ્લોટોમાં શાળા બનાવવાના હેતુથી ઘણા બધાં પ્લોટ લીઝ ઉપર રાખ્યાં. વિદ્યાની ઉપાસનાની સાથે સાથે નિસર્ગ-પ્રેમી, પ્રકૃતિના ચાહક એવા શ્રી ગણપતરામ માસ્તર આંબાવાડી વિસ્તારમાં આંબાના વૃક્ષો એક પછી એક વાવતાં ગયાં અને ધીરે-ધીરે એટલાં બધાં આંબાઓ વાવ્યાં કે આંબાવાડીનું નામ સાર્થક થઈ ગયું.

શ્રી ગણપતરામ જાનીના વિદ્યા વ્યાસંગ અને નિસર્ગપ્રેમની આ મહાન યાત્રામાં સહભાગી બનવા માટે તેમની સાથે તેમના ધર્મપત્નિ શ્રીમતિ નિર્મળાબહેન જોડાયા. દ્રઢ ઈચ્છાશક્તિ અને અજોડ કર્મઠતાની સાક્ષાત દેવી એવા શ્રીમતિ નિર્મળાબહેને પોતાના પતિની ઈચ્છાને જ પોતાની ઈચ્છા માની અને એક પછી એક એવા મહાન રત્નોને જન્મ આપવા લાગી કે જે ભવિષ્યના સામાજીક જીવનમાં પોતાનું આગવું પ્રદાન કરવાના હતા.

સૌ પ્રથમ બાલકૃષ્ણ ત્યારબાદ મુકુંદ અને ત્યારબાદ શારદાનું આગમન થયું. ત્યાર પછી સુભદ્રાનું અવતરણ થયું. વળી, નાનકડો નટુ જન્મ્યો જે સુભદ્રાને અતિશય વહાલો હતો. પરંતુ કુદરતની અકળ લીલામાં નાનકડાં નટુને કુદરતે પાછો બોલાવી લીધો અને નાનકડી સુભદ્રા વિલાપ કરવા લાગી, મારો નટુ લાવો , મારો નટુ લાવો. અને ફરી પાછી નિર્મળબહેનની નિર્મળ કૂખે એક નર-રત્ને જન્મ લીધો અને નાનકડી સુભદ્રાને સાંત્વના આપવા માટે તેને સોંપીને કહ્યું કે આ લે તારો નટું. ત્યારબાદ અતિશય સૌમ્ય સ્વભાવવાળી, સુંદર, શાંત, રૂપ, ગુણ અને શીલવાન સાક્ષાત સરસ્વતિના અવતાર સમી તેજસ્વી બાલિકા મધુમાલતીએ અવતરણ કર્યું. વળી પાછાં થોડા સમય પછી ભાવનગર જેને ક્યાંરેય નહીં ભૂલી શકે તેવા શિસ્તના આગ્રહી, ગણિતના પ્રખર વિદ્વાન એવા તેજસ્વી નર-રત્ન રાજેન્દ્રએ જન્મ ધારણ કર્યો.

એક બાજુ શ્રી ગણપતરામની શિક્ષણ સાધના ચાલતી રહી અને બીજી બાજુ નિર્મળાબહેનની બાળકોની કેળવણી શરૂ થઈ. ગામે ગામ ફરતાં અને શિક્ષણનો પ્રચાર કરતાં ગણપતરામ માસ્તરની સુવાસ ચારે બાજુ ફેલાવા લાગી. અહીં નિર્મળાબહેન સારી-માઠી પરિસ્થિતિને સુલઝાંવતાં, વ્યવહારને સાચવતાં – સાચવતાં બાળકોને ઉચ્ચતમ કેળવણી આપવામાં રત રહ્યાં.

કાળની અકળ ગતિ કોઈ કળી શકતું નથી. મહુવા શહેરમાં ફેલાયેલી મહામારીમાં ભાગી છૂટવાને બદલે ગણપતરામ માસ્તર લોકોની, રોગી-નારાયણોની સેવા કરવાં ત્યાં જ રોકાયા અને પોતે પણ એ કાળના ખપ્પરમાં હોમાઈ ગયાં. આ બાજુ સહનશીલતા અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવાની દૈવી શક્તિ ધરાવતાં નિર્મળાબહેન ભાંગી પડવાને બદલે પોતાના પતિની અધુરી ઈચ્છા પુરી કરવા પેટે પાટા બાંધીને ગમ્મે તેમ જ્યાં ત્યાંથી સહાય મેળવીને બાળકોને ભણાવતાં રહ્યાં.

શાળા બનાવવા માટે બાંધેલા મકાનનો ઉપયોગ મહાશાળા તરીકે ભલે ન થઈ શક્યો પરંતુ “મધુવન” રૂપી આ શાળામાં જે કોઈ આવ્યું તેમણે કાંઈને કાંઈ શિક્ષણ તો જરૂર મેળવ્યું જ છે. મોટા બાંધેલા મકાનમાં રહીને, જુદા-જુદા લોકોને ભાડે આપીને તેની આછી-પાતળી આવકમાંથી પોતાના બાળકોને ભણાવવાં એ એક જ લક્ષ્ય સાથે નિર્મળાબહેન મેદાને પડ્યાં અને જીવનના આ રણ-સંગ્રામમાં સાંગોપાંગ પાર ઉતર્યાં.

એક પછી એક બાળક શિક્ષણ મેળવતું ગયું, સમાજમાં પોતાનું પદાર્પણ કરતું ગયું અને નિર્મળાબહેનની પડખે ઉભું રહેતું ગયું. ધીરે-ધીરે જીવનના માઠાં દિવસો ઓસરતાં ગયાં, બાળકો ભણતાં ગયાં અને સંસારજીવનની યાત્રામાં ગોઠવાતાં ગયાં.

બાલકૃષ્ણભાઈએ સુંદર સરકારી નોકરી પ્રાપ્ત કરી, કોઈપણ ડાઘ લાગવા દીધા વિના પૂર્ણ સંન્નિષ્ઠતાથી કાર્ય કરતાં કરતાં અતિ ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરીને લોકોની સેવા કરી, બાળકોના ભણતરમાં ધ્યાન આપ્યું. તેમની સાથે તેમના સહજીવનમાં જોડાયેલા શ્રીમતિ અન્નપૂર્ણાબહેન સાક્ષાત અન્નપૂર્ણાદેવી રૂપે પધાર્યા. સારા-માઠાં દિવસોમાં તેમના માયાળુ સ્વભાવથી તેમણે ક્યારેય કોઈનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દિલ દુઃભાવ્યું નથી. બાળકોના ખૂબજ માનીતા વાત્સલ્યની મૂર્તિ સમાન “ભાભૂમાં” આજે પણ પણ પોતાનો સ્નેહ વરસાવીને કુટુંબમાં ખુબજ માનીતા બન્યાં છે. શ્રી બાલકૃષ્ણભાઈ અને શ્રીમતિ અન્નપૂર્ણાબહેને પાંચ સુંદર સમાજોપયોગી રત્નોને જન્મ આપીને સમાજની સુંદર સેવા કરેલ છે.

શ્રી મુકુંદભાઈએ ખાદી ધારણ કરીને નાનપણથી જ ગાંધીના વિચારોને અપનાવ્યાં. મજબૂત શરિર, દ્રઢ મનોબળ અને સાહસની સાક્ષાત મૂર્તિ સમાન શ્રી મુકુંદભાઈએ ખૂબજ પ્રેમાળ એવા શ્રીમતિ પ્રવિણાબહેનના સહયોગથી સુંદર પાંચ રત્નોનો સમાજસેવા માટે જન્મ આપ્યો. આજીવન શિક્ષક અને પ્રકૃતિના પ્રેમી એવા શ્રી મુકુંદભાઈએ જાણે કે શ્રી ગણપતરામ માસ્તરનો પ્રત્યક્ષ વારસો જાળવ્યો.

શારદાબહેન (મોટીબહેન) નું તો શું કહેવુ? હંમેશા નાનેરાઓના શિક્ષણ માટે સતત ધ્યાન રાખતાં, નાના મોટા સહુની સેવા કરનારા અને શિક્ષણના દ્રઢ આગ્રહી એવા શ્રીમતિ શારદાબહેને માજીરાજ ગર્લ્સ હાઈસ્કુલમાં નિવૃત્ત થયાં ત્યાં સુધી શિક્ષણ આપ્યું. તેમની સાથે શ્રીકાકુભાઈનું જોડાણ એ તો જાણે ભાવનગરની ધરા માટે એક મહાન આશીર્વાદ જ બની ગયો. બે સુંદર નર-રત્નોને જન્મ આપીને શ્રીકાકુભાઈ અને શ્રીમતિ શારદાબહેને સમાજની સુંદર સેવા કરી છે. આજે પણ જીવનની હરેક પળને સમાજ માટે અર્પણ કરતાં એવા શ્રીકાકુભાઈ અને શ્રીમતિ શારદાબહેનનું ઋણ શું સમાજ ક્યાંરેય અદા કરી શકશે?

કાનની તકલીફ, બોલવામાં થોડી મુશ્કેલી છતાં મોટી બહેનની સહાયથી, મોટી બહેનના સહારે-સહારે પોતાની કુશાગ્ર બુદ્ધિ અને તીવ્ર સમજશક્તિથી સુભદ્રાબહેને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. નાનકડાં નટુના પ્રયત્નથી ગાંધીનગર સચિવાલયમાં સરકારી નોકરી પ્રાપ્ત કરી. ખુબજ કર્મઠ અને પ્રેમાળ સ્વભાવના શ્રીઅનંતકુમાર સાથેના જોડાણથી તેમની જીવનયાત્રામાં ચાર ચાંદ લાગ્યાં. બે સુંદર રત્નોને જન્મ આપનારી આ બેલડીની જીવનસુવાસથી આપણો સમાજ ઘણો જ સુગંધિત બન્યો છે. અને હા, અત્રે ઉલ્લેખ કરવો ન ભૂલી શકાય કે તેમના પૂત્ર-રત્ન ચી.જયેશની પૂત્રી ચી. અમીએ 10માં ધોરણમાં (૨૦૦૬ માં) સમગ્ર ભાવનગર કેન્દ્રમાં 10મો ક્રમ પ્રાપ્ત કરીને સમગ્ર જ્ઞાતિને ગૌરવ અપાવ્યું છે. હાલમાં ડેન્ટીસ્ટનો અભ્યાસ કરે છે.

હવે વાત આપણાં નટુની, નાનકડો નટુ પહેલેથી જ પોતાનું ધાર્યું કરનાર, ખુબ જ તેજસ્વી બુદ્ધિ છતાં ભારે રમતિયાળ, હંમેશા નિર્મળાબહેનને પોતાની બાળ-સહજ હરકતોથી પરેશાન કરવાં છતાં પણ સૌની પ્રીતિનું પાત્ર. મોટાં રમકડાં ન મળે તો કાંઈ નહીં, પોતાની મેળે છાપાંમાંથી પતંગ બનાવી લે, નિર્મળાબહેનની દોરાની દડી લઈને પતંગ ચગાવવા ઉપડી જાય. CA થવાની દ્રઢ ઈચ્છા હોવાને લીધે બેંકની સુંદર નોકરી છોડી દીધી. જે જે કંપનીમાં જોડાય તે તે કંપનીના એકાઉન્ટ વિભાગની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે ઓઢી લે. CA થવાની દ્રઢ ઈચ્છાને લઈને છેક સુધી CAની પરિક્ષાઓ આપતાં રહ્યાં, છેવટે 3 પેપર બાકી રહી ગયાં. પ્રકૃતિનો ચાહક એવો નટુ અને કેરી જાણે એકબીજાના પર્યાય. આંબા ઉછેરની ઉંડી સમજણ. ખૂબ જ કેરીની જાતો વિકસાવી છે. લોકોને કેરી તથા આંબાની સાચી અને સુંદર સમજ આપનાર એવા શ્રીનટુભાઈએ મધુવન નર્સરીની સ્થાપના કરેલ (તેમની અણધારી વિદાયથી હવે માત્ર તેમણે વાવેલ આંબાને પાણી પાઈએ છીએ, નર્સરી બંધ કરવી પડી છે). તા. 14-6-2006 ના રોજ જ્યાંરે તેમનો જીવનદિપ બુઝાયો ત્યાંરે છેક છેલ્લે સુધી કાર્યરત રહીને કોઈનીય વિશેષ સેવા લીધા વિના હસતાં મુખે આ ધરા-ધામમાંથી વિદાય લીધી. શ્રી નટુભાઈએ સમજણ અને સહનશીલતાની પ્રતિમા સમાન શ્રીમતિ ઈન્દુબહેન (M.A, B.Ed.) (નિવૃત્ત શિક્ષિકા) સાથે જોડાઈને બે સુંદર સંતાનોને જન્મ આપ્યો છે. પુત્ર અતુલ (D.M.E., P.D.C.A.) , “આગંતુક કોમ્પ્યુટર એપ્લિકેશન્સ સર્વિસ” નામની સોફ્ટવેરને લગતી સર્વિસ આપવાનો વ્યવસાય કરે છે. પત્ની કવિતા “શ્રી સોફ્ટવેર સર્વિસિસ” નામની પેઢીની પ્રોપ્રાઈટર છે તથા બાળકોના શિક્ષણમાં ઉંડો રસ-રુચી ધરાવે છે. અતુલ-કવિતા ની પુત્રી આસ્થા આઠમાં ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યારે પુત્ર હંસ: ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. બહેન હેમા (હોમિયોપથી ડોક્ટર ) સાસરે છે અને સ્વંતત્ર ક્લિનિક ચલાવવા ઉપરાંત શિશુવિહાર, વૃદ્ધાશ્રમ તથા વેદાંતભવનમાં કન્સલ્ટન્ટ હોમિયોપાથ તરીકે સેવા આપે છે.

નાનકડી મધુમાલતી મોટીબહેનની નિશ્રામાં રહીને શિક્ષણના એક પછી એક સોપાન સર કરતી ગઈ. સંસ્કૃતમાં પી.એચ.ડી. થયેલા ગોલ્ડ મેડાલીસ્ટ શ્રીમતિ મધુમાલતી બહેને શામળદાસ કોલેજમાં સસ્કૃત વિભાગમાં વર્ષો સુધી પ્રાધ્યાપિકા તરીકે સેવા આપી અને છેવટે સંસ્કૃત વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે પણ નિયુક્તિ પામ્યાં. સંસ્કૃતના શિક્ષણનું સમાજને સુંદર પ્રદાન કરનારા શ્રીમતિ મધુમાલતી બહેનની સમગ્ર જ્ઞાતિએ પણ નોંધ લઈને તેમનું વિશેષ બહુમાન કરેલ છે. શ્રીમતિ મધુમાલતી બહેને શ્રીગજેન્દ્રભાઈ (બેંક મેનેજર) સાથે જોડાઈને બે સુંદર રત્નોને જન્મ આપ્યો છે જેઓ સુંદર રીતે સમાજ વ્યવસ્થામાં ગોઠવાયાં છે.

હવે વાત છેલ્લા પણ છેવટના નહીં પરંતુ અગ્રીમ હરોળના સારસ્વત એવા શ્રી રાજેન્દ્રની. નાનપણથી જ માતાની સેવા એ જ તમન્ના. શિક્ષણ અને શિસ્તના સતત આગ્રહી, ગણિતના વિશારદ, સર પી.પી.ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં ગણિતના માનનીય પ્રાધ્યાપક એવા શ્રી રાજેન્દ્રભાઈએ હંમેશા પોતાનું કાર્ય નિષ્ઠાથી કર્યું છે. ધર્મ અને શિક્ષણ બંનેને સાથોસાથ રાખતાં એવા શ્રી રાજેન્દ્રભાઈની સાથે અત્યંત પવિત્ર અને અતિ ઉચ્ચ કોટીના આધ્યાત્મિક જીવ એવા શ્રીમતી પ્રફુલ્લાબહેન જોડાયાં. બંનેએ સાથે મળીને બે સુંદર પુત્ર-રત્નો સમાજને આપ્યાં છે. તેમાંના એકે એંજીનીયરીંગ કોલેજમાં અતિ ઉચ્ચ સ્થાન (હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ – ક્લાસ ૧ ઓફીસર) પ્રાપ્ત કરેલ છે જ્યાંરે અન્યએ દેશના સીમાડાઓ ઓળંગીને પરદેશ (ઓસ્ટ્રેલિયા – પી.એચ.ડી.) જઈને ભારતીય શિક્ષણ અને પ્રતિભાનો પરિચય અન્યોને કરાવ્યો છે.

આવા સારસ્વત કુટુંબના સભ્યો હોવાનું અમે ગૌરવ અનુભવીએ છીએ અને ઉત્તરોત્તર સમાજને વધુને વધુ ઉપયોગી થવા માટે કૃતનિશ્ચયી છીએ.

લિ. સ્વ.ગણપતરામ રાજારામ જાની પરિવાર ના જય શ્રી કૃષ્ણ

Categories: કુટુંબ | Tags: , | 2 Comments

Create a free website or blog at WordPress.com.