મિત્રો,
ધોરણ ૧૦ નું પરીણામ ધાર્યા કરતા ઘણું ઓછું આવ્યું. હંસ: અને આસ્થાના પરીણામ સારા આવ્યા હતા. અશોકભાઈએ શ્રદ્ધાનું પરીણામ હજુ જણાવ્યું નથી, મને ખાત્રી છે કે સારું જ આવ્યું હશે. ભાવનગરમાં આતાભાઈ ચોકને “નરસિંહ મેહતા” ચોક તરીકે નુત્તન નામાભિધાન કરવામાં આવ્યું છે. અમારા શ્રીમતીજી પીયર ગયા છે (રીસાઈને નહીં હો..) પરંતુ બાળકોને મોસાળ રહેવા મળે તે માટે, મને એકલા એકલા ગમે નહીં એટલે હું પણ સાસરે જઈશ. સાસરે મને સહુથી વધારે અગાશીમાં સુવાનું ગમે. ઠંડો પવન, ઝરમરતા તારલીયા ઈશ્વરની કોઈ ગેબી કચેરીમાં લઈ જાય અને જીભ આપો આપ વિરાટ વિરાટ વદવા લાગે, આંખોની પાંપણ ક્યારે ઢળી જાય તે ખબરે ય ન પડે. સવારમાં પક્ષીઓના કલરવ મંદીરના ઘંટનાદ જેવા લાગે અને સુરજના કીરણો ગલગલીયા કરીને ઉઠાડે અને પ્રભુ સ્મરણ કરતાં કરતાં ધીરેથી આંખો ઉઘાડીએ.
ભાવનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ૧૦૦૮ લીમડાના છોડનું વૃક્ષારોપણ થયું. ધારાસભ્ય શ્રી વિભાવરીબહેનની ગ્રાંટમાંથી કુમળાં છોડને ગાય-બકરાં ખાઈ ન જાય તે માટે પાંજરા બનાવી આપવામાં આવ્યાં છે. એક છોડ મ્યુનિસિપાલિટીએ આપ્યો, બાકીના બે છોડ પાછલા પ્લોટમાં ઉગી ગયા હતાં તે પણ વાવી દીધા. મને થયું કે ખાલી ઘર ઘર ન કરાય, બહારના જગત પ્રત્યે પણ આપણું કર્તવ્ય છે એટલે પછી લીમડા વાવી જ દીધા. આ તો આગલી રાત્રે શેડ્યુલ કરેલી પોસ્ટ છે. આપ જ્યારે વાંચતા હશો ત્યારે હું તો સાસરે લીલા-લહેર કરતો હોઈશ.