સરસ્વતિ સમરૂં શારદાને, ગુણપત લાગું પાય,
હરિ ગુણ ગાય હેતથી તમે, મતિ દેજો મોરી માય
એવે સમે હરિ આવશે, કરવાને શુભ કામ –ટેક
ધરતી માથે જ્યારે ધરમ ઘટે, પાપનું વધે પૂર,
માનવ મટી સૌ દાનવ થાવે, ધર્મનું મૂળ નહીં ઉર –એવે સમે
અસુરના ઉત્પાતથી જ્યારે, પૃથ્વીને પીડાનો ન પાર,
સાધુ બ્રાહ્મણને સુખ કરવા, ધરણી ધરે અવતાર –એવે
દેવકીજીને ઉદર વસિયા, વસુદેવ દેવકીના બાળ,
નંદ જસોદાને સુખડાં આપ્યાં, ગોકુલ વસી ગોવાળ –એવેસમે
ગોવાળ સંગે ગાયો ચારે, વૃંદાવનની માંય,
ગોપબાળ સંગ ખેલ ખેલે, જમુના તીરને ત્યાંય –એવે સમે
ગેડી દડો લીધો હાથમાં ને, કાલીંદ્રીને તીર,
દડૂલો દોડાવ્યોને, પડ્યો જમુના નીર –એવે સમે
કમર કછોડો વાળ્યો કસીને, ચઢ્યા કદંબને ઝાડ,
કાલીંદ્રીમાં કુદી પડ્યા, જઇ પડ્યા પાતાળ –એવે સમે
કાલીંદ્રીમાં નાગણી સંગે, વસે કાળી નાગ,
દીનાનાથને દમન કરવું, એની કાઢવી ઝેરી આગ –એવે સમે
નાગણિયોએ નિહાળ્યો, જસોદાનો બાળ,
શાને માટે તું આવ્યો અહીં, વસે સૌનો કાળ –એવે સમે
કોને ઉદર વસ્યો બાળા, કોણ તમારાં તાત,
કોને ખોળે ખુંદણાં ખૂંદી, સાચી કહે તું વાત –એવે સમે
ચાલ્યો જા તું શામળા સુંદર, માની અમારી વાત,
સ્વામી અમારો જાગશે, તો કરશે અતિ ઉત્પાત –એવે સમે
હઠીલો છે સ્વામી અમારો, જબરો જોરાવર જોધ,
મારશે તો તારાં માત પિતા, કરશે તારી શોધ –એવે સમે
માતાપિતાના તમે કેટલા જાયા, શું તમારૂં નામ,
હઠીલા હઠ છોડી જા, તને કહે તો આપું દામ –એવે સમે
શું કરૂ નાગણ દામ તારૂં, દામનું નહીં કામ,
મામા કંસે મોકલ્યો, તેનું કરવા આવ્યો કામ –એવે સમે
મામા સંગે જુગટું ખેલતાં, તુજ સ્વામીનું હાર્યો શીશ,
તુજ સ્વામીને લઇ જવા, સોંપવા મથુરાધીશ –એવે સમે
દેવકીને હું ઉદર વસ્યો, વસુદેવ મારા તાત,
નંદની ગાયો ચારી, ખોળો ખુંદ્યો જસોદા માત –એવે સમે
માતાપિતાના અમે બે લાડકાને, કૃષ્ણ મારૂં નામ,
બલદેવ મારા બાંધવાને, ગોકુલ મારૂં ગામ –એવે સમે
જગાડ તારા નાગને હું, ભૂમીનો ભૂપાલ,
દમી નાખીશ તારા દેવને, હું કાળનો કાળ –એવે સમે
હઠીલા હઠ છોડી જા, તું છો બહુ નાનો બાળ,
આગ ઝરે મમ સ્વામી મુખે, તે દિસંતો છે કાળ –એવે સમે
ખંતેથી ખૂંખાર્યોને, મુખે મરડી મૂંછ,
ગેડી મારી કુદ્યો માથે, ઝાલી લીધું પુંછ –એવે સમે
ફૂંફવે ઘણોને ફેણ પછાડે, ઝેરી ઓકે મુખ આગ,
બળીયા બંને જોધ બાધે, ગરજે કાળી નાગ –એવે સમે
ફેર ફૂદડી ફરે ભારી, મારે ગેડી લાત,
કાલી નાગની કાયા કંપે, અંતરમાં અકળાત –એવે સમે
કાળી નાગ પર કુદ્યા વાલો, વધાર્યા વજન,
સહસ્ત્રફેણ શિથીલ બનીને, ડોલ્યો દુષ્ટ નાગન –એવે સમે
નટવર માથે નાચે કુદે, જીવન જુગદા ધાર,
નાગણિયુંના નાથને નાથ્યો, નંદના કુમાર –એવે સમે
નાગણિયુ કરે વિનતી પ્રભુ, છોડો અમારા કંથ,
અજાણી અમે ઓળખ્યા નહીં, ભૂમીના ભગવંત –એવે સમે
જમુના જલ તું છોડી જાને, રમણિક દ્વીપની માંય,
કૃપા મારી જાણ તુ કાળી, તને ભય નહીં ક્યાંય -એવે સમે
મોતીડાંનો થાળ શોભે,નાગણિયુંને હાથ,
ભજનપ્રકાશના સ્વામીને વધાવ્યાં, ત્યાં વરત્યો જયજયકાર –એવે સમે
ગાય શીખે સૂણે સાંભળે, જો કોઇ કાળી નાગદમન,
વાસ આપશે વૈકુંઠ વાલો, રાખજો પ્રભુમાં મન –એવે સમે