સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
જડ પદાર્થના જ્ઞાનમાં વૃત્તિના ને ચિદાભાસના વ્યાપારની અગત્ય છે પણ ચેતન રૂપ આત્માના જ્ઞાનમાં તો માત્ર વૃત્તિનો જ ઉપયોગ છે એમ પ્રતિપાદન કરી બતાવે છે:
વૃત્તિવ્યાપ્યત્વમેવાસ્તુ ફલવ્યાપ્તિ: કથં ભવેત? |
સ્વપ્રકાશસ્વરૂપત્વાત સિદ્ધત્વાચ્ચ ચિદાત્મન: ||૩૫||
શ્લોકાર્થ: ચૈતન્યરૂપ આત્માના સ્વપ્રકાશ સ્વરૂપપણાથી અને સિદ્ધપણાથી વૃત્તિવ્યાપ્યપણું જ હો, ફલવ્યાપ્તિ કેમ હોઈ શકે?
ટીકા: ચૈતન્ય, જ્ઞાન ને પ્રકાશ એ પર્યાય એટલે એક અર્થના વાચક શબ્દ છે. જ્ઞાન સ્વભાવવાળો આત્મા સ્વયંપ્રકાશ છે, અર્થાત ઈંદ્રિયો ને અંત:કરણના જ્ઞાનનો વિષય થયા વિના હું છું એમ તે પ્રત્યક્ષ અનુભવાય છે, ને તેના જ્ઞાનસ્વભાવનું સંક્રમણ થવાથી અંત:કરણ તથા જ્ઞાનેન્દ્રિયો અન્ય પદાર્થોને જાણવામાં સમર્થ થાય છે. આવી રીતે આત્મા કોઈના જ્ઞાનનો વિષય થયા વિના પોતાના સદભાવને સ્પષ્ટ જણાવે છે, માટે તે સ્વયંપ્રકાશ કહેવાય છે. વળી તે સર્વદા સ્વત:સિદ્ધ છે. સૂર્યાદિ સ્વયંપ્રકાશ ગણાતા પદાર્થોની પેઠે તે ઉત્પન્ન થયેલ નથી. ચેતનરૂપ આત્મા સ્વયંપ્રકાશ તથા સિદ્ધ હોવાથી તેના ઉપર જે અજ્ઞાનની આવરણ નામની શક્તિ રહી છે તેને દૂર કરવા માત્ર વૃત્તિવ્યાપ્તિની જ અગત્ય છે. પોતાના સદગુરુના અનુગ્રહવાળી, વેદાંતના સંસ્કારવાળી, પવિત્ર ને એકાગ્ર અંત:અકરણની વૃત્તિ હ્રદયાદિ ભણી પાછી વાળીને આત્માની ઉપર રહેલા આવરણને દૂર કરે છે, તેથી સ્વયંપ્રકાશ ને નિત્યસિદ્ધ આત્માનું પોતાની મેળે મુમુક્ષુને ભાન થાય છે. તે વૃત્તિના અગ્રભાગમાં ચિદાભાસ છે, પણ તેના સાહાચ્યની ત્યાં અગત્ય પડતી નથી. જેમ અંધકારમાં પડેલા પદાર્થને જોવા માટે નિર્દોષ નેત્ર ને દીપક બંનેની અપેક્ષા રહે છે, પણ વાદળા વિનાના બપોરના સૂર્યને જોવામાં માત્ર નિર્દોષ નેત્રની જ અપેક્ષા રહે છે, દીવાની અપેક્ષા રહેતી નથી, દીવો સાથે હોય તો પણ તેનો પ્રકાશ સૂર્યના પ્રકાશમાં ભળી જવાથી નકામો થઈ જાય છે, તેમ જડ પદાર્થના જ્ઞાનમાં વૃત્તિ ને ચિદાભાસ બંનેની અપેક્ષા રહે છે, પણ સ્વયંપ્રકાશ આત્માના જ્ઞાનમાં માત્ર યોગ્ય વૃત્તિની જ અપેક્ષા રહે છે, ચિદાભાસની અપેક્ષા રહેતી નથી. ચિદાભાસ વૃત્તિમાં હોય છે તો પણ તેનો પ્રકાશ આત્માના પરમ પ્રકાશમાં લીન થઈ જવાથી તે ત્યાં નકામો થઈ જાય છે. અંત:કરણની વૃત્તિ પદાર્થની ઉપરના આવરણનો ભંગ કરે તેને વૃત્તિ વ્યાપ્તિ ને ચિદાભાસ પદાર્થને પ્રકાશે તેને ફલવ્યાપ્તિ કહેવામાં આવે છે. આત્માની ઉપરના આવરણનો એક વાર ભંગ થયા પછી તે આત્મા સર્વદા નિરાવરણરૂપે પ્રકાશે છે, અનુભવાય છે, તે પછી વૃત્તિવ્યાપ્તિની પણ અપેક્ષા રહેતી નથી.