Daily Archives: 03/05/2010

સદાચાર સ્તોત્ર (34)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

પદાર્થના જ્ઞાનને પ્રકાશનાર આત્મા છે એમ નિરૂપણ કરે છે:

અર્થાકારા ભવેદવૃત્તિ: ફલેનાર્થ: પ્રકાશતે |
અર્થજ્ઞાનં વિજાનાતિ સ એવાર્થ: પર: સ્મૃત: ||૩૪||

શ્લોકાર્થ: વૃત્તિ વસ્તુને આકારે થાય છે, ચિદાભાસ વડે વસ્તુ પ્રકાશે છે, ને વસ્તુના જ્ઞાનને જે પ્રકાશે છે તે જ વસ્તુ શ્રેષ્ઠ કહી છે.

ટીકા: અંત:કરણની વૃત્તિ નેત્રાદિ દ્વારા નીકળી પદાર્થ ઉપરના આવરણનો ભંગ કરી પ્રકાશાદિના સાહાચ્ય વડે તે પદાર્થને આકારે થાય છે. જેમ કોઠામાં ભરેલું પાણી નળ દ્વારા જઈને ક્યારાને આકારે થાય છે તેમ. પદાર્થ જડ છે, ને વૃત્તિ પણ જડ છે, તેથી તે વૃત્તિ તે પદાર્થને પ્રકાશી શકતી નથી. તે વૃત્તિના અગ્રભાગમાં રહેલું ચેતનનું પ્રતિબિંબ જેને ચિદાભાસ વા ફલ કહેવામા આવે છે તે પદાર્થને પ્રકાશે છે, અર્થાત આ અમુક પદાર્થ છે એવું જ્ઞાન અંત:કરણમાં ઉપજાવે છે. આ અમુક પદાર્થ છે તેને મેં જાણ્યો એવું જ્ઞાન ઉપજ્યા વિના માત્ર તે પદાર્થનું જ્ઞાન મનુષ્યની પ્રવૃત્તિ નિવૃત્તિમાં હેતુ થઈ શકતું નથી, માટે તે પદાર્થના જ્ઞાનને પ્રકાશનાર કોઈ અન્ય વસ્તુ હોવી જોઈએ. આ અમુક પદાર્થને મેં જાણ્યો એમ પદાર્થના જ્ઞાનને જે વસ્તુ સારી રીતે પ્રકાશે છે તે વસ્તુ એટલે આત્મા વા શુદ્ધ ચેતન જ સર્વથી શ્રેષ્ઠ છે એમ વેદાંતમાં કહ્યું છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.