સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
આત્મા સર્વનો પ્રકાશક હોવાથી તેના જ્ઞાન માટે કોઈ પ્રમાણની અગત્ય નથી એમ કહે છે:
પ્રમાતા ચ પ્રમાણં ચ પ્રમેયં પ્રમિતિસ્તથા |
યસ્ય ભાસાવભાસેત માનં જ્ઞાનાય તસ્ય કિમ ||૩૩||
શ્લોકાર્થ: પ્રમાતા, પ્રમાણ, પ્રમેય ને પ્રમા જેના જ્ઞાન વડે પ્રતીત થાય છે, તેના જ્ઞાન માટે ક્યું પ્રમાણ જોઈએ?
ટીકા: પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે વસ્તુઓને જાણનારો જીવ પ્રમાતા કહેવાય છે. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપત્તિ ને અનુપલબ્ધિ આ છ પ્રમાણોના નામો છે. યથાર્થ જ્ઞાનનું સાધન તે પ્રમાણ કહેવાય છે. પ્રત્યક્ષાદિ પ્રમાણોનાં લક્ષણ અન્યત્ર વર્ણવ્યાં છે. તેથી તેમના લક્ષણો અહીં કહ્યાં નથી. પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે જે વસ્તુનું જ્ઞાન થાય છે તે વસ્તુ પ્રમેય કહેવાય છે. પ્રમાણ વડે થનારા યથાર્થ જ્ઞાનને પ્રમિતિ વા પ્રમા કહેવામાં આવે છે. આ ચારે જેના જ્ઞાન સ્વભાવ વડે પ્રતીત થાય છે તે સ્વયંપ્રકાશ આત્માના જ્ઞાન માટે ક્યા પ્રમાણની અપેક્ષા છે? આ ચારેને જે આત્મા પ્રકાશે છે તે આત્માના સદભાવનું તથા તેના જ્ઞાન સ્વભાવનું જ્ઞાન તો એ ચારે પદાર્થોની સાથે જ થઈ ગયું છે. જેમ સૂર્યના પ્રકાશ વડે પ્રકાશેલા અન્ય પદાર્થોના જ્ઞાન સાથે સૂર્યના સદભાવનું તથા તેના પ્રકાશ સ્વભાવનું જ્ઞાન થઈ જાય છે તેમ અહીં પણ સમજવું.
What is exact meaning of parmatma,pranay,praman? Pl explain
Paresh