Daily Archives: 30/04/2010

સદાચાર સ્તોત્ર (31)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

મંદભાગ્ય વાળા મનુષ્યો જ્ઞાનસ્વરૂપ બ્રહ્મને જાણી શકતા નથી એમ કહે છે:

જ્ઞાનમેકં સદા ભાતિ સર્વાવસ્થાસુ નિર્મલમ |
મન્દભાગ્યા ન જાનન્તિ સ્વરુપં કેવલં બૃહત ||૩૧||

શ્લોકાર્થ: સર્વ અવસ્થાઓમાં સર્વદા નિર્મલ જ્ઞાન એક પ્રતીત થાય છે. મંદભાગ્યવાળા પુરુષો કેવલ બ્રહ્મસ્વરૂપને જાણતા નથી.

ટીકા: જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ અંત:કરણની ત્રણ અવસ્થાઓ ભિન્ન ભિન્ન છે, પણ તે ત્રણે અવસ્થાઓનું જ્ઞાન ભિન્ન ભિન્ન નથી. જાગ્રતમાં શબ્દાદિ પાંચ વિષયો ભિન્ન ભિન્ન છે, પણ તેમનું જ્ઞાન ભિન્ન નથી, સ્વપ્નમાં શબ્દાદિ વિષયો ભિન્ન ભિન્ન છે, પણ તેમનું જ્ઞાન ભિન્ન નથી, ને સુષુપ્તિમાં અજ્ઞાન ને સુખરૂપ વિષયો ભિન્ન ભિન્ન છે, પણ તેમનું જ્ઞાન ભિન્ન નથી. જાગ્રદાદિ ત્રણ અવસ્થાઓમાં, સોમવાર આદિ વારોમાં, શુક્લાદિ પક્ષોમાં, કાર્તિકાદિ માસોમાં, પ્રભવાદિ સંવત્સરોમાં, કૃતાદિ યુગોમાં, શ્વેત-વારાહાદિ કલ્પોમાં ને અનેક મહાકલ્પોમાં ઉપાધિરહિત એટલે શુદ્ધ જ્ઞાન સર્વદા એક જ પ્રતીત થાય છે. પાપસંસ્કારોના બહુપણાથી જેમણે વિવેકાદિ તથા શ્રવણાદિ સાધનો સંપાદન કર્યા નથી એવા અભાગીઆ પુરુષો માયાથી પર રહેલા બ્રહ્મસ્વરૂપને જાણવા સમર્થ થતા નથી.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.