સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
હવે બંધ મોક્ષના સ્વરૂપનું તથા તેના ઉપાદાન કારણનું નિરૂપણ કરે છે:
અહં મમેત્યય બન્ધો મમાહં નેતિ મુક્તતા |
બન્ધમોક્ષૌ ગુણૈર્ભાત: ગુણા: પ્રકૃતિસમ્ભવા: || ૩૦ ||
શ્લોકાર્થ: હું ને મારું આ બંધ છે, ને હું ને મારું નહિ આ મુક્તપણું છે. તે બંધ ને મોક્ષ ગુણો વડે પ્રતીત થાય છે, ને તે ગુણો પ્રકૃતિથી ઉપજેલા છે.
ટીકા: બ્રાહ્મણાદિ જાતિવાળું ને ગૃહસ્થાદિ આશ્રમવાળું શરીર હું છું ને આ શરીર તથા આ શરીરનાં સંબધવાળાં જે પ્રાણીઓ તથા પદાર્થો છે તે મારાં છે એમ માનવું આ બંધ છે; અને આ શરીર હું નથી, પણ અસંગ ને સચ્ચિદાનંદ સ્વભાવવાળા અંતરાત્માથી અભિન્ન બ્રહ્મ હું છું, ને આ શરીર તથા આ શરીરના સંબધવાળાં પ્રાણીઓ તથા પદાર્થો મારાં નથી, કેમ કે હું સર્વથી સર્વદા અસંગ છું એમ માનવું આ મુક્તપણું વા મોક્ષ છે. તે બંધ તથા મોક્ષ બુદ્ધિના અવિવેક વા અજ્ઞાન ને વિવેક વા જ્ઞાન એ ગુણો વડે પ્રતીત થાય છે. સ્વરૂપાવસ્થિત શુદ્ધ આત્મામાં વાસ્તવિક રીતે બંધ કે મોક્ષ નથી. મહતત્વરૂપ બુદ્ધિ પ્રકૃતિનું કાર્ય હોવાથી એ બંને ગુણો પણ બુદ્ધિની સાથે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા છે.