Daily Archives: 26/04/2010

ગુજારે જે શિરે તારે – બાલાશંકર કંથારીયા

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતિ પ્યારું ગણી લેજે!

દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

કચેરી માંહીં કાજીનો ,નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!

જગતના કાચના યંત્રે ,ખરી વસ્તુ નહીં ભાસે.
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!

રહેજે શાંતિ સંતોષે ,સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!

રહે ઉન્મત્ત આનંદે ,ખરું એ સુખ માની લે.
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!

કટુ વાણી સુણે જો કોઇની ,વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!

અરે ! પ્રારબ્ધ તો ઘેલું ,રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!

રહી નિર્મોહી શાંતિથી ,રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !

પ્રભુના નામનાં પુષ્પો ,પરોવી કાવ્યમાળા તું.
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !

કવિ રાજા થયો શી છે ,પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં ‘બાલ‘ મસ્તીમાં મઝા લેજે !

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 1 Comment

હાસ્યલેખ

મીત્રો,

આજકાલ ઘણાં બ્લોગ ઉપર હાસ્યલેખ જોવા મળે છે. વાંચ્યા પછી એમ થાય કે આ લેખ વાંચીને હસવું કે રડવું? અમે જ્યારે ભણતા ત્યારે જ્યોતિન્દ્ર દવે જેવા શરીરે દૂર્બળ પણ હાસ્યરસ ના સબળ પીરસૈયાના લેખો વાંચતા. એકાદ મજાનો લેખ વાંચવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.

http://www.readgujarati.com/sahitya/?p=2537#more-2537

Categories: હળવી પળો | Tags: , , | 2 Comments

સદાચાર સ્તોત્ર (26)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે તાર્કિકાદિના મતે જીવ અને ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કરે છે:

તાર્કિકાણાં ચ જીવેશૌ વાચ્યાવેતૌ વિદુર્બુધા: |
લક્ષ્યૌ ચ સાંખ્યયોગાભ્યાં વેદાન્તૈરેકતા તયો: || ૨૬ ||

શ્લોકાર્થ: તાર્કિકોના જીવ ને ઈશ્વર આ વાચ્ય છે એમ જ્ઞાનીઓ જાણે છે, સાંખ્ય ને યોગ વડે આ બે લક્ષ્ય છે, ને ઉપનિષદો વડે તે બંનેની એકતા છે.

ટીકા: ન્યાયદર્શન ને વૈશેષિક દર્શન એ બંને તર્કશાસ્ત્ર કહેવાય છે. તે બંને શાસ્ત્રોના સિદ્ધાંતને અનુસરનારા તાર્કિકો કહેવાય છે. તાર્કિકો જીવને તથા ઈશ્વરને જ્ઞાન, ઈચ્છા ને પ્રયત્નાદિ ગુણોવાળા માને છે. એવી રીતે તે બંને દર્શનો વાળાના જીવ તથા ઈશ્વર ઉપર જણાવેલા ગુણોવાળા હોવાથી વાચ્યરૂપ છે એમ જ્ઞાનીઓ જાણે છે. શબ્દનો પોતાના અર્થથી જે સંબધ તે વૃત્તિ કહેવાય છે. તે વૃત્તિ બે પ્રકારની છે, શક્તિવૃત્તિ તથા લક્ષણાવૃત્તિ. શબ્દનો શક્તિવૃત્તિ વડે જે અર્થ થાય તે શક્યાર્થ વા વાચ્યાર્થ કહેવાય છે, ને શબ્દનો લક્ષણાવૃત્તિ વડે જે અર્થ થાય તે લક્ષ્યાર્થ કહેવાય છે. શબ્દનો પોતાના શક્યાર્થ વા મુખ્યાર્થથી જે સંબધ તે શક્તિવૃત્તિ ને શબ્દનો શક્યાર્થના સંબધ વાળાની સાથે જે સંબધ તે લક્ષણાવૃત્તિ કહેવાય છે. જીવ તથા ઈશ્વર એ બે શબ્દના શક્તિવૃત્તિ વડે જે અર્થ થાય છે તેને તાર્કિકો જીવનું તથા ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ માનતા હોવાથી તેમના જીવને તથા ઈશ્વરને વેદાંતસિદ્ધાંત પ્રમાણે વાચ્યરૂપ કહ્યાં છે. સાંખ્યદર્શન તથા યોગદર્શન જીવને (પુરુષને) પ્રકૃતિથી ભિન્ન ચેતન સ્વભાવ વાળો કહે છે, તથા યોગદર્શન ઈશ્વરને (પુરુષવિશેષને) પણ પ્રકૃતિથી ભિન્ન ચેતન સ્વભાવવાળા કહે છે, તેથી તેમના સિદ્ધાંતમાં જે જીવ તથા ઈશ્વર કહ્યા છે તે વાચ્યાર્થમાંથી જડભાગ કાઢી નાખીને શુદ્ધ ચેતનરૂપ કહેલા છે. એવી રીતે તેઓ જીવને તથા ઈશ્વરને કેવલ ચેતનરૂપ માનનારા હોવાથી વેદાંત સિદ્ધાંત પ્રમાણે તેઓ તે બંનેના લક્ષ્યાર્થને માનનારા છે એમ જણાવ્યું છે. યોગસિદ્ધાંતમાં જીવને તથા ઈશ્વરને ચેતનરૂપ માન્યાં છતાં પણ તે બંનેનો અભેદ સ્વીકારવામાં આવ્યો નથી, પણ ઈશ્વરમાં અવિદ્યાદિ ક્લેશો, શુભાશુભ કર્મો, તેનાં ફલો ને કર્મના સંસ્કારો સર્વદા ન હોવાથી તે જીવોથી ભિન્ન છે એમ સ્વીકારવામાં આવ્યું છે. ઉપનિષદોમાં જીવના સ્વરૂપમાંથી અવિદ્યા ને તેના ધર્મો તથા ઈશ્વરના સ્વરૂપમાંથી માયા ને તેના ધર્મો કાઢી નાંખવામાં આવે તો તે બંનેના શુદ્ધ સ્વરૂપમાં કાંઈ જ ભેદ નથી, એમ તે બંનેના સ્વરૂપની એકતા સ્વીકારવામાં આવી છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.