સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
હવે સ્થૂલ શરીરાદિનો વિરાટાદિથી અભેદ છે એમ ઉપદેશ કરે છે:
સ્થૂલવૈરાજયોરૈક્યં સૂક્ષ્મહૈરણ્યગર્ભયો: |
અજ્ઞાનમાયયોરૈક્યં પ્રત્યગ્વિજ્ઞાનપૂર્ણયો: ||૨૪||
શ્લોકાર્થ: સ્થૂલ શરીરનું ને વિરાટના શરીરનું એકપણું છે, સૂક્ષ્મ શરીરનું ને હિરણ્યગર્ભના શરીરનું એકપણું છે, અજ્ઞાનનું ને માયાનું એક પણું છે, અને પ્રત્યગાત્માનું ને બ્રહ્મનું એકપણું છે.
ટીકા: પ્રાણીઓનાં સ્થૂલ શરીરોના ને વિરાટ ભગવાનના શરીરનો અભેદ છે. કેમ કે તે બંને પંચીકૃત પાંચ ભૂતોના બનેલાં છે. પ્રાણીઓનાં સૂક્ષ્મશરીરોનો ને હિરણ્યગર્ભ ભગવાનના શરીરનો અભેદ છે, કેમ કે તે બંને અપંચીકૃત પાંચ ભૂતોનાં બનેલાં છે; અજ્ઞાન ને માયાનો અભેદ છે, કેમ કે અજ્ઞાન જીવોનાં સૂક્ષ્મ સ્થૂલ શરીરોનું કારણ છે, ને માયા શ્રી ઈશ્વરના સૂક્ષ્મ તથા સ્થૂલ શરીરનું કારણ છે; અને અંતરાત્મા ને બ્રહ્મનો અભેદ છે, કેમ કે તે બંને કારણ, સૂક્ષ્મ ને સ્થૂલ એ ત્રણે પ્રકારની ઉપાધિથી રહિત શુદ્ધ છે. શરીરોના અભેદના કથન વડે તેમના અભિમાનીઓનો પણ અભેદ જાણવો. વ્યષ્ટિ (એક) સ્થૂલશરીરના ને જાગ્રદવસ્થાના અભિમાની વિશ્વ નામના જીવનો સમષ્ટિ સ્થૂલ શરીરના અભિમાની વિરાટ ભગવાન સાથે અભેદ જાણવો, વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરના ને સ્વપ્નાવસ્થાના અભિમાની તૈજસ નામના જીવનો સમષ્ટિ સૂક્ષ્મ શરીરના અભિમાની ભગવાન હિરણ્યગર્ભની સાથે અભેદ જાણવો અને વ્યષ્ટિ – અજ્ઞાન વા કારણશરીરના ને સુષુપ્તિ અવસ્થાના અભિમાની પ્રાજ્ઞ નામના જીવનો માયાના અભિમાની શ્રી ઈશ્વર વા અંતર્યામીની સાથે અભેદ જાણવો.