Daily Archives: 20/04/2010

સદાચાર સ્તોત્ર (20)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

જડ ચેતનના વિવેક વડે ને સદગુરુના ઉપદેશ વડે શિષ્ય વેદનું અતિક્રમણ કરવા સમર્થ થાય છે એમ જણાવે છે:

આત્માનાત્મવિવેકેન જ્ઞાનં ભવતિ નિર્મલમ |
ગુરુણા બોધિત: શિષ્ય: શબ્દબ્રહ્માતિવર્તતે || ૨૦ ||

શ્લોકાર્થ: આત્માના ને અનાત્માના વિવેક વડે પવિત્ર જ્ઞાન થાય છે. ગુરુએ ઉપદેશ કરેલો શિષ્ય વેદનું ઉલ્લંઘન કરી જાય છે.

ટીકા: જડને તથા ચેતનને તેનાં લક્ષણો વડે ભિન્ન ભિન્ન જાણવાથી જડને અસત તથા દુ:ખરૂપ જાણવાથી અને ચેતનને સત તથા પરમાનંદરૂપ જાણવાથી – મોક્ષ સાધકને સર્વ પ્રકારના દોષથી રહિત બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. શ્રી સદગુરુએ જેને ઉપદેશ કરેલો છે એવો સાધન્સંપન્ન શિષ્ય કર્મ ને ઉપાસનાનું નિરૂપણ કરનારા વેદભાગનું ઉલ્લંઘન કરીને ઉપનિષદોએ પ્રતિપાદન કરેલા બ્રહ્મસ્વરૂપને અભેદભાવે પામે છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

તકનીકી કારણોસર ફરજીયાત લેવી પડેલી રજા

વ્હાલા મિત્રો,

તા.૧૪.૦૪.૨૦૧૦ ના રોજ મારા પ્રિય અને પરમ આદરણીય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગીરીજી મહારાજની પ્રથમ પુણ્યતિથી હોવાને લીધે હું તા.૧૩,૧૪ અને ૧૫ પોરબંદરની બાજુમાં આવેલા રાણાવાવ ગામમાં ગામથી નજીક પણ છતાં એકાંત વિસ્તારમાં અને સાધનાને માટે ખુબ જ અનુકુળ એવા નિર્વાણધામ યોગાશ્રમમાં ગયો હતો. જો કે તે કાર્યક્રમ તો અગાઉથી જ નક્કી હતો તેથી તે દિવસો દરમ્યાનની પોસ્ટ માટેનુ તો હું શેડ્યુલ ગોઠવીને જ ગયો હતો. ત્યાર પછી ૧૭મીએ મારુ ઈન્ટરનેટ કનેક્ષન એકાએક બંધ થઈ ગયું. મેં ઘણી ફરીયાદો કરી પણ બી.એસ.એન.એલે છેક ચોથા દિવસે આજે તે સરખુ કરી આપ્યું તેથી આ દરમ્યાન હું પોસ્ટ મુકી શકતો નહોતો. આજથી પાછી રાબેતા મુજબ યથાશક્તિ પોસ્ટ મુકવાનું શરુ કર્યું છે.

આપનો સહ્રદયી અતુલ જાની (આગંતુક)

Categories: ઉદઘોષણા | Tags: | 3 Comments

Create a free website or blog at WordPress.com.