Daily Archives: 17/04/2010

સદાચાર સ્તોત્ર (19)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

યોગ્ય અંત:કરણવાળાને આત્માનો સાક્ષાત્કાર પોતાના સદગુરુના શબ્દથી જ થાય છે એમ જણાવે છે:

શબ્દશક્તેરચિન્ત્યત્વાચ્છબ્દાદેવાપરોક્ષધી: |
પ્રસુપ્તપુરુષો યદ્વચ્છબ્દેનૈવાનુબુધ્યતે || ૧૯ ||

શ્લોકાર્થ: શબ્દની શક્તિના અચિંત્યપણાથી શબ્દથી જ અપરોક્ષ જ્ઞાન થાય છે. જેમ સૂતેલો મનુષ્ય શબ્દ વડે જાગૃત થાય છે તેમ.

ટીકા: શબ્દનું સામર્થ્ય મનુષ્યથી ન ચિંતવી શકાય એવું છે. સર્વ અજ્ઞાત વસ્તુઓનું જ્ઞાન શબ્દ વડે મેળવાય છે. શબ્દમાં રહેલી અચિંત્ય શક્તિના પ્રભાવથી પોતાના સદગુરુએ ઉપદેશેલા “તત્વમસિ” તે બ્રહ્મ તું છે – ઈત્યાદિ શબ્દોથી જ પવિત્ર ને એકાગ્ર અંત:કરણ વાળા, સદગુરુની ભક્તિવાળા ને વેદાંતના સંસ્કારયુક્ત હ્રદયવાળા જિજ્ઞાસુને આત્માનું અપરોક્ષ જ્ઞાન થાય છે. જેમ ઘાટી નિંદ્રામાં પડેલો મનુષ્ય તેનું નામ લઈને બોલાવવાથી જાગે છે તેમ અનાદિકાલથી અવિદ્યારૂપ ઘાટી નિંદ્રામાં પડેલો મનુષ્ય સદગુરુના મહાવાક્યરૂપ શબ્દથી જ આત્મસ્વરૂપમાં જાગ્રત થાય છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | 1 Comment

Create a free website or blog at WordPress.com.