Daily Archives: 11/04/2010

આ દેહમાં બેઠા દેવ મુરારી

આ દેહમાં બેઠા દેવ મુરારી, આ દેહમાં બેઠા દેવ મુરારી
ઈત ઉત મુરખ શીદને ભટકે, જો તું ભીતર ભારી – આ દેહમાં…

અજ્ઞાને અથડામાં મૂરખ, જ્યાં ત્યાં રાત અંધારી
તેજ રવિ કરે તારા તનમાં, જો તું આંખ ઉઘાડી – આ દેહમાં…

સ્વપ્નું આવ્યું ચાલ્યું જાશે, પલની બાજી સારી
આવ્યો અવસર ઉઠ અભાગી, ભલી જીંદગી જો તારી – આ દેહમાં…

ઘટ ઘટ સોઈ રામ રમતાં, સદગુરુ શબ્દ જો વીચારી
અહંકારની આંટી જાતા, ઉઘડે અંતર બારી – આ દેહમાં…

સાધુ સંત સમાગમ કર લે, લે જ્ઞાનની વાત વીચારી
ભજનપ્રકાશ ભવ બંધન છૂટે, અંતર હોય ઉજીયારી – આ દેહમાં…

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Tags: | 1 Comment

સદાચાર સ્તોત્ર (૧૩)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે યોગીના દેવ, દેવાલય તથા દેવ પૂજનને કહે છે:

દેહો દેવાલયં પ્રોક્તો દેહી દેવો નિરંજન: |
અર્ચિત: સર્વભાવેન સ્વાનુભૂત્યા વિરાજતે || ૧૩ ||

શ્લોકાર્થ: શરીરને દેવળ કહ્યું છે, ને આત્માને નિરંજન દેવ કહ્યા છે. તે દેવ સર્વભાવ વડે પૂજાયા છતા સ્વાનુભવ વડે વિરાજે છે.

ટીકા: પાંચ સ્થૂલ ભૂતોના કાર્યરૂપ આ સ્થૂલશરીરને શાસ્ત્રમાં દેવમંદિર કહ્યું છે, અને તેમાં રહેલા આત્માને સતશાસ્ત્રમાં અવિદ્યારૂપ મલિનતાથી રહિત સ્વયંપ્રકાશ દેવ કહેલા છે. તે અવિદ્યા રહિત દેવ યોગીઓ વડે સર્વ ભાવથી પૂજાયા છતા પોતાના અનુભવ વડે શોભે છે, આત્મા સ્વાનુભવથી ભિન્ન તત્વ નથી તેમ જણાય છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.