Daily Archives: 10/04/2010

એકલો જાને રે – કવિવર રવિન્દ્રનાથ ટાગોર

અનુવાદ: મહાદેવભાઈ દેસાઈ


તારી જો હાક સૂણી કોઇ ના આવે,
તો એક્લો જાને રે,
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે …

જો સૌનાં મ્હોં શીવાય, ઓ રે ઓ રે ઓ અભાગી
સૌનાં મ્હોં શીવાય,
જ્યારે સૌએ બેસે મ્હોં ફેરવી, સૌએ ફરી જાય,
ત્યારે હૈયું ખોલી, અરે તું મ્હોં મુકી
તારા મનનું ગાણું, એકલો ગાને રે …

જો સૌએ પાછાં જાય, ઓ રે ઓ રે ઓ અભાગી
સૌએ પાછાં જાય,
જ્યારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા રાને, તારે લોહી નીકળતે ચરણે ભાઇ
એકલો જાને રે …

જ્યારે દીવો ના ધરે કોઇ, ઓ રે ઓ રે ઓ અભાગી
દીવો ના ધરે કોઇ,
જ્યારે ઘનઘોરી તુફાની રાતે બાર વાસે તને જોઇ,
ત્યારે આભની વીજે સળગી જઇ, સૌનો દીવો
તું એકલો થાને રે …

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 11 Comments

સદાચાર સ્તોત્ર (૧૨)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે આવા યોગીના અગ્નિહોત્રનું નિરૂપણ કરે છે:

આત્મનિ સ્વપ્રકાશેSગ્નૌ ચિત્તમેકાહુતિં ક્ષિપેત |
અગ્નિહોત્રી સ વિજ્ઞેય ઈતરે નામધારકા: || ૧૨ ||

શ્લોકાર્થ: સ્વયંપ્રકાશ આત્મરૂપ અગ્નિમાં જે ચિત્તરૂપ એક આહુતિને હોમે તે અગ્નિહોત્રી જાણવો, બીજા નામધારકો છે.

ટીકા: નિરંતર સ્વત:જ્ઞાન સ્વભાવવાળા આત્મરૂપ અલૌકિક અગ્નિમાં જે યોગી, આ સર્વ દૃશ્યને કલ્પી તેમાં રાગદ્વેષ કરી જીવને બહુ દુ:ખી કરે છે તે ચિત્તરૂપ એક અલૌકિક આહુતિને હોમે છે, – આત્મામાં તેનો બાધ કરે છે. તે જ યોગી વાસ્તવિક અગ્નિહોત્રી જાણવો, બીજા લૌકિક અગ્નિહોત્રવાળાઓ તો માત્ર અગ્નિહોત્રી એવું નામ ધારણ કરનારા છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | 3 Comments

Create a free website or blog at WordPress.com.