Daily Archives: 02/04/2010

સદાચાર સ્તોત્ર

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

અન્વયવ્યતિરેકાભ્યાં જાગ્રત્સ્વપ્નસુષુપ્તિષુ |
યદેકં કેવલં જ્ઞાનં તદેવાહં પરં બૃહત || ૪ ||

શ્લોકાર્થ: જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિમાં અન્વય વડે ને વ્યતિરેકથી જે એક, અસંગ, ચૈતન્યરૂપ, પર ને નિરતિશયવ્યાપક છે તે જ હું છું.

ટીકા: અંત:કરણની જાગ્રદવસ્થા, સ્વપ્નાવસ્થા ને સુષુપ્ત્યાવસ્થામાં અન્વય વડે ને વ્યતિરેક વડે વિચાર કરતાં જે એક, અસંગ, ચૈતન્યરૂપ, માયાનાં કાર્યોથી ને માયાથી વધારે સૂક્ષ્મ ને વ્યાપક, તથા સર્વથી વધારે વ્યાપક તત્ત્વ છે, તે તત્વ જ હું છું, દેહાદિ હું નથી. અંત:કરણની જે અવસ્થામાં અંત:કરણ ઈંદ્રિયો દ્વારા બહારના વ્યવહારિક પદાર્થોનો અનુભવ કરે તે અવસ્થાને જાગ્રત, જે અવસ્થામાં અંત:કરણ શરીરની અંદર રહેલી હિતાનાડીમાં મનોમય પદાર્થોને અનુભવે તે અવસ્થાને સ્વપ્ન, ને જે અવસ્થામાં અંત:કરણ પોતાના ઉપાદાનકારણરુપ અજ્ઞાનના અંશમાં વિલીન થઈ જાય તે અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે છે. આત્માનું તે ત્રણે અવસ્થામાં હોવું તે તે અવસ્થાઓમાં આત્માનો અન્વય ને એ ત્રણે અવસ્થાઓનું આત્મામાં ન હોવું તે તે ત્રણે અવસ્થાઓનો આત્માથી વ્યતિરેક જાણવો. જાગ્રતમાં હું એવું રૂપે આત્માનું ભાન થાય છે, પણ તે વેલા સ્વપ્નનું કે સુષુપ્તિનું ભાન હોતું નથી. સ્વપ્નમાં હું એવી રીતે આત્માનું ભાન હોય છે, પણ તે વેલા જાગ્રતનું કે સ્વપ્નનું ભાન હોતું નથી, સુષુપ્તિમાં હું એવી રીતે આત્માનું અસ્પષ્ટ ભાન હોય છે, પણ તે વેલા જાગ્રતનું કે સ્વપ્નનું ભાન હોતું નથી, અને આત્માકારવૃત્તિમાં આત્માનું સ્પષ્ટ ભાન હોય છે, પણ તે વેલા જાગ્રતનું કે સ્વપ્નનું ભાન હોતું નથી. આવી રીતે સર્વ અવસ્થાઓમાં હોવારૂપ આત્માના અન્વયનો ને તે ત્રણે અવસ્થાઓના આત્મામાં ન હોવારૂપ વ્યતિરેકનો વિચાર કરવાથી એક ને અસંગાદિ સ્વભાવવાળા આત્માનું ભાન થાય છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.