Monthly Archives: March 2010

ધ્યાન ક્યાં કરવું – રામકૃષ્ણ પરમહંસ

ધ્યાન કરવું
મનમાં, વનમાં કે
કોઈ ખુણામાં

Categories: રામકૃષ્ણ પરમહંસ | Tags: | 1 Comment

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૭ – ૧૧)

અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ |
નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે ||૭||

હે દ્વિજોત્તમ, આપણી બાજુ પણ જે વિશિષ્ટ યોદ્ધા છે તે આપને કહું છું. આપણા સૈન્યનાં જે પ્રમુખ નાયક છે તેનાં નામ હું આપને કહું છું.

ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ |
અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ ||૮||

આપ સ્વયં, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપ, અશ્વત્થામા, વિકર્ણ તથા સૌમદત્ત (સોમદત્તનો પુત્ર) – આ બધા પ્રમુખ યોદ્ધા.

અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ |
નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદા: ||૯||

આપણા પક્ષમાં યુદ્ધમાં કુશળ, વિવિધ શસ્ત્રોમાં પ્રવિણ અન્ય પણ અનેક યોદ્ધા છે જે મારા માટે પોતાનું જીવન પણ ત્યાગવા તૈયાર છે.

અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ |
પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ ||૧૦||

ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત આપણી સેનાનું બળ પર્યાપ્ત નથી, પરન્તુ ભીમ દ્વારા રક્ષિત પાંડવોની સેના બલ પૂર્ણ છે.

અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ |
ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ ||૧૧||

માટે બધા લોકો જે પણ સ્થાનો પર નિયુક્ત હો ત્યાંથી બધા દરેક પ્રકારે ભીષ્મ પિતામહની રક્ષા કરે.

Categories: ભગવદ ગીતા | Tags: | 5 Comments

ત્યાં લગી આશ સૃષ્ટિની – આગંતુક

ત્યાં લગી આશ સૃષ્ટિની, જ્યાં લગી ઉગતા ફુલો
જીંદગી જીવવા જેવી, જ્યાં લગી કવિના કુળો (અજ્ઞાત)

મિત્રો,

ઉપર આપણે સુંદર ફુલો જોઈ રહ્યાં છીએ અને તેનો ધર્મ છે સુંદરતા અને સુગંધ.

જે જે સુંદર, સત્યને પવિત્ર પ્રેમલ છે
મારા અંશથી થયું, સમજી લે જે તે. (સરળ ગીતા)

જો આપણે આપણી જાતને મનુષ્ય તરીકેની ઓળખ આપવા માંગતા હોઈએ તો આપણે સુંદર,સાત્વિક અને સુગંધી બનવું જોઈએ. જે પોતાની જાત ઉપર કાલ્પનીક ઉપાધિનો આરોપ કરે છે તે તરત જ સંકોચાઈને પોતાની સુંદરતા ગુમાવે છે. માણસ સારા વિચારો ગમે ત્યાંથી મેળવી શકે પણ તેને માટે તેણે પોતાના અનંત આત્મા ઉપર કોઈ પણ પ્રકારની મુદ્રા મહોર ન મારી દેવાય. પોતાની જાત ઉપર મુદ્રા મહોર મારવથી તેને પોતાની જ વાત સાચી લાગે છે અને અન્યની વાતમાં રહેલા સત્યને તે સમજવાનો પ્રયત્ન કરવાનું બંધ કરે છે પરીણામે પોતાની તથા બીજાના મનની શાંતિનો તેના દ્વારા જાણ્યે અજાણ્યે ભંગ થશે. ફુલ કદી પોતાનો પ્રચાર નથી કરતું અને છતાં પતંગિયાઓ અને ભ્રમરો તેની મેળે જ સુગંધથી આકર્ષાઈને આવી જાય છે. તેવી રીતે ઉત્તમ મનુષ્યોના ચારિત્ર્યની સુગંધથી આપોઆપ જ લોકો તેની મેળે આકર્ષાઈને આવી જાય છે. સુંદરતા છે વિશાળતામાં, એક સ્થળે શાંતિથી બેસીને સુગંધ પ્રસરાવવામાં અને જ્યાં જઈએ ત્યાં શિષ્ટાચારપુર્વક ઘોંઘાટ કર્યા વગર સ્વસ્થ ચિત્તે શાંતિથી વાત કરવામાં.

Categories: કુદરત | Leave a comment

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૪,૫,૬)

અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ |
યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ ||૪||

ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશિરાજશ્ચ વીર્યવાન |
પુરુજિત્કુન્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવ: ||૫||

યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન |
સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ ||૬||

તેમાં ભીમ અને અર્જુન સમાન કેટલાયે મહાન શૂરવીર યોધાઓ છે જેમકે યુયુધાન, વિરાટ અને મહારથી દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બલવાન કાશિરાજ, પુરુજિત, કુન્તિભોજ તથા નરશ્રેષ્ઠ વિક્રાન્ત યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર (અભિમન્યુ), અને દ્રોપદીનાં પુ્ત્રો – બધાંજ મહારથી છે.

Categories: ભગવદ ગીતા | Tags: | 4 Comments

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૨)

સંજય ઉવાચ

દૃષ્ટવા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા |
આચાર્યમુપ્સંગમ્ય રાજા વચનમબ્રવીત || ૨ ||

તે વખતે વજ્ર વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને અને દ્રોણાચાર્યની પાસે જઈને રાજા દુર્યોધને આ વચન કહ્યું

પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ |
વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા || ૩ ||

હે ગુરુદેવ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ!


મિત્રો,

આપણે ગઈકાલે પ્રથમ શ્લોક વિશે આપણી બુદ્ધિ પ્રમાણે તે શ્લોકનો અર્થ જોયો. અહીં સર્વ મિત્રોને ફરીથી આગ્રહ કરુ છુ કે જે તે શ્લોક્ને જ માત્ર ધ્યાનમાં રાખીને પ્રતિભાવ આપવા, પણ પોતાની માન્યતાઓ પાત્ર કે સંવાદની આગળ પાછળ ન ઉમેરવી. જેમ કે એક વાક્ય હોય કે “ઝાડ ઉપર પોપટ બેઠો છે” તો આપણા મનમાં ખ્યાલ આવે કે એક ઝાડ હશે તેના ઉપર લીલા રંગનું પક્ષી કે જેની ચાંચ લાલ હોય છે તે બેઠું છે. બસ પછી આપણે એવું લખવાની જરૂર નહીં કે આ પોપટને ગળે કાળો કાંઠલો છે તે તેના પાપને લીધે છે અને હવે આ ઝાડ ઉપર જ તે મૃત્યુ પામશે વગેરે વગેરે – કારણ કે તે બધું આપણી કલ્પનાને આધારે આપણે પોપટ પર આરોપિત કર્યું કહેવાય. અહીં આપણે કોઈનો ન્યાય નથી તોળવો પણ આપણે આ રહસ્યમય પુસ્તકની અંદર રહેલા રહસ્યને પામવું છે તેથી આપણે માત્ર ને માત્ર શ્લોકનો અર્થ સમજવા ઉપર જ ભાર મુકશું પણ આપણું જ્ઞાન કે અજ્ઞાન આ શ્લોકના માધ્યમ દ્વારા પ્રગટ નહીં કરીએ.વળી કોઈ શ્લોકનો અર્થ ન સમજાય તો આપણે તેમ પણ લખી શકીએ કે આ મને નથી સમજાયો પણ શ્લોક સીવાયની અસંબદ્ધ વાતો આપણે શ્લોક સાથે જોડશું નહીં. આટલું ધ્યાન માં રાખશુ તો આ ખરેખર ચિંતનયાત્રા બનશે નહીં તો અહીં જ યુદ્ધનું મેદાન બની જશે. આપણો હેતું અહીં સંવાદનો અને આપણી બુદ્ધિને વધુ સુક્ષ્મ બનાવવાનો છે લડાઈનો નથી તે સહુ મિત્રોને ધ્યાનમાં લેવા વિનંતી. કોઈ પણ બાબતનું રહસ્ય આપણે ત્યારે જ પામી શકીએ જ્યારે આપણે તટસ્થ રીતે તેનો અભ્યાસ કરીએ તેથી આપણી માન્યતાઓ કે પૂર્વગ્રહ વગર આપણે આ અદભુત ગ્રંથનો અભ્યાસ કરશું. વળી કોઈને આ ગ્રંથ પોતાની બુદ્ધિથી સમજવામાં રસ ન પણ હોય તો તે માત્ર ચર્ચાને માણી પણ શકે અથવા તો તેનાથી અલિપ્ત પણ રહી શકે અથવા તો જ્યારે જ્યારે તેને કશુંક રહસ્ય તેમાંથી સમજાય ત્યારે ત્યારે તેનો મત પ્રદર્શીત કરી શકે. બીજું અહીં માત્રને માત્ર પોતાને જે સમજાય તે જ લખવું પણ અન્ય કોઈ ગ્રંથમા વિદ્વાનોએ કરેલ ટીકાના ઉતારા ન કરવા હા બુદ્ધિને સતેજ કરવા માટે બીજા ગ્રંથનો પોતાને માટે સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગ કરી શકાય પણ અર્થો તો પોતાની સમજણ પ્રમાણે જ કરવા સંદર્ભગ્રંથોની ટીકાને આધારે નહીં.

Categories: ભગવદ ગીતા | Tags: | 3 Comments

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૧)

મિત્રો,

આપણે ઘણી જગ્યાએ લોકોને ટાંકતા જોઈએ છીએ કે ભગવદગીતામાં આમ કીધુ છે ત્યારે ઘણા લોકોને ખરેખર ખબર પણ નથી હોતી કે વાસ્તવમાં તેમ કીધું છે કે નહીં. વળી જે તે શ્લોકનો અર્થ આવા શ્લોકો ટાંકનાર પોતાની ઈચ્છા અને મત અનુસાર કરતાં હોય છે જ્યારે વાસ્તવમાં તેનો અર્થ શું છે તે આપણે આપણી પોતાની બુદ્ધિથી જાણવો જોઈએ. ઈશ્વરે આપણને સહુને બુદ્ધિ આપી છે. જે તેનો ઉપયોગ કરે છે તેની બુદ્ધિ વધારે ધારદાર અને સુક્ષ્મ બને છે જે તેનો ઉપયોગ નથી કરતા તેની બુદ્ધિ ધીરે ધીરે કટાતી જાય છે. સ્વતંત્ર અને સુક્ષ્મ બુદ્ધિ વાળા લોકો જીવનના સમરાંગણમાં પોતાની મેળે રસ્તો કાઢી શકે છે જ્યારે મુઢ બુદ્ધિ વાળા હંમેશા છેતરાયા કરે છે અને અન્યો તેનું શોષણ કર્યા કરે છે. આપણે આજથી ભગવદગીતાનો આપણી પોતાની બુદ્ધિથી અભ્યાસ શરુ કરશું. અહિં આપણે લગભગ રોજ ભગવદગીતાના એક-બે શ્લોક જોશું અને તેની નીચે પ્રતિભાવમાં તેનો શું અર્થ થાય છે તે આપણી સ્વતંત્ર બુદ્ધિ થી લખશું તો આપ સહુ તૈયાર છો ને આ ચિંતન યાત્રામાં જોડાવા માટે? જો હા તો આપને આ શ્લોકનો અર્થ આપની પોતાની બુદ્ધિથી શું લાગે છે તે પ્રતિભાવમાં લખવા વિનંતી.

ધૃતરાષ્ટ્ર ઉવાચ

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ: |
મામકા: પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સંજય || ૧ ||

હે સંજય! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા, યુદ્ધના ઈચ્છુક, મારા અને પાંડુના પુત્રોએ શું કર્યુ?

Categories: ભગવદ ગીતા | Tags: | 7 Comments

રામકથા જગ મંગલ કરની – આગંતુક

આમ તો મેં એક અઠવાડીયા માટે હક રજા મુકી હતી, પરંતુ રામજીએ તાત્કાલિક હુકમ કરીને ચાર દિવસ વહેલો ફરજ પર હાજર કરી દીધો હોવાથી ૧૮/૦૩/૨૦૧૦ ના બદલે ૧૪/૦૩/૨૦૧૦ ના રોજ હાજર થઈ ગયો છું અને રામજીને મારાથી ના પણ કેમ પડાય? નોકરી કરવી હોય તો દીલથી કરવી જોઈએને.


મિત્રો,

આપણે સાંભળતા આવ્યા છીએ કે રામકથા જગ મંગલ કરની. અને જોઈએ છીએ કે આ ભારત દેશ કે જેને લોકો એક સમયે ઋષિઓનો દેશ ગણતા હતા અને જેની અડધી પ્રજા રામ અને કૃષ્ણના ગુણ ગાન ગાતા થાકતી નથી તે દેશમાં આટલી અંધાધુંધી, અવ્યવસ્થા, ગરીબી, ભ્રષ્ટાચાર, અત્યાચાર? જો રામકથા જગ મંગલ કરની હોય તો જે દેશમાં ગણી ગણાય નહીં એટલી રામ કથાઓ અને કૃષ્ણ કથાઓ થતી હોય તે દેશનું આટલું અમંગળ કેમ થઈ રહ્યું છે? કારણ શું છે? કારણ માત્ર તેટલું જ છે કે આપણને રામકથા અને કૃષ્ણકથા કરતા આવડી નથી.

રોમ રોમ માં જે રમી રહ્યો છે તે રામ છે. અને જગતના સર્વ પદાર્થોને જે આકર્ષી રહ્યો છે તે કૃષ્ણ છે. અરે ઘરની બહાર જ્યાં નજર કરો ત્યાં આ રામ રમતો હોય અને મોટા મોટા શમીયાણા કરી કરીને નવ નવ દિવસ હજારો માણસોને ઉંઘાડી રાખવા તે શું રામકથા છે? આ રોગીમાં , દરિદ્રમાં, મુર્ખાઓમાં શું રામ નથી દેખાતો? અને એટલે સ્વામી વિવેકાનંદે સુત્ર આપ્યું – રોગી દેવો ભવ, મુર્ખ દેવો ભવ, દરિદ્ર દેવો ભવ. જેને આ જીવંત મનુષ્યોમાં ઈશ્વર ન દેખાતો હોય અને પથ્થર પુજવામાં જેણે આખી જીંદગી વેડફી નાખી હોય તેને કેમ કરીને સમજાય કે રામ શું છે?

જ્યાં જ્યાં પણ રામ કથા થઈ છે ત્યાં ત્યાં જગનું મંગલ થયું છે. રામ કથા છે વિધવાના આંસુ લુછવામાં, રોગીની સેવા કરવામાં, દરિદ્રોને પગભર કરવામાં અને અજ્ઞાનીઓને શીક્ષણ આપવામાં. રામાવતાર પુરો કરીને રામ કાઈ બેસી નથી રહ્યાં, કૃષ્ણાવતાર પુરો કરીને કૃષ્ણ કાઈ બેસી નથી રહ્યાં. તેમની પાછળ આ વિચાર અને આચારનું એક જબરજસ્ત બળ મુકતા ગયા છે અને આપણને વારસો સોપતા ગયા છે અને દર્શાવતા ગયા છે કે હે મનુષ્યો તમે સહુ એક એક અવતાર છો. આ પૃથ્વી ઉપર તમે તમારુ એક ચોક્કસ કાર્ય લઈને આવ્યા છો તે આનંદથી પુરુ કરો અને મારી પાસે આવો. અટકો તો હાંક મારો, હું હાજર છું.

મિત્રો, કથા-વાર્તાઓ તો માત્ર સિદ્ધાંત સમજાવવા માટે હોય છે, જરૂર છે તે કથાની પાછળ રહેલ સારને પકડવાની અને જીવનની અંદર આચરણમાં મુકવાની. આપણે લોકો એટલા બધા દુર્બળ થઈ ગયા છીએ કે બીજાના દોષ જોવા સિવાય બીજું કશું કરી જ નથી શકતા. આ વિકસિત દેશોએ દરેક મનુષ્યોમાં રહેલા આ રામને ઓળખ્યો છે અને તે રામને બેઠો થવાની તક આપી છે અને કશોએ ઢંઢેરો પિટ્યા વગર રામકથા કરી છે અને પોતાનું તથા જગનું મંગલ કર્યું છે.

આવો આપણે પણ આપણી અંદર રહેલા આ રામને બહાર લાવીએ, તેની કથા કરીએ અને આપણું તથા જગનું મંગલ કરીએ. કોણે શું કરવું તે સહુએ પોતપોતાની રીતે નક્કી કરવાનું હોય છે. કથાકારો કથા કરે તે તેમનો વ્યવસાય છે અને તેઓ તેમ કરે તે જ તેમને શોભે , અને આપણે આપણો વ્યવસાય કરીએ તો જ આપણું ઘર બરાબર ચાલે.

જય શ્રી રામ

Categories: ચિંતન | Tags: | 9 Comments

જુનવાણી કે આધુનિક – આગંતુક

મીત્રો,

આજે આપણે ઘણી જગ્યાએ જુનવાણી શબ્દ સાંભળીએ છીએ. જુનવાણી એટલે શું? મારા મત પ્રમાણે જે જુની ઘરેડને વળગી રહે અને નવું કશું સ્વીકારવા તૈયાર ન થાય તેને જુનવાણી કહેવાય. અત્યારે ઘણા લોકો કે જે શાસ્ત્રો, આયુર્વેદ, પ્રાચીનગ્રંથો વગેરેમાંથી માનસશાસ્ત્ર, શરીર વિજ્ઞાન કે અધ્યાત્મ સંબધી વિચારો કે જેનો વિવેકપુર્વક સમજણથી પોતાની જાત ને સમજવા માટે તથા વ્યવહારમાં ઉપયોગમાં લાવવા માટે પ્રયત્નો કરતા હોય તેને જુનવાણી ગણે છે. હવે આધુનિક ગણાતા માણસો શું કરે છે? તે રોજ રોજ પ્રકૃતિના નવા નવા નિયમોની શોધ કરે છે, તેને વ્યવહારમાં લાવવા પ્રયત્ન કરે છે અને તેનો ઉપયોગ માનવજાતને સુવિધા આપવા માટે કે રંજાડવા માટે કરે છે. પ્રકૃતિની અંદર ઘણા બધા રહસ્યો પડેલા છે તેમાના ઘણા બધા ઉકેલવામાં આવ્યા છે અને ઘણા નવા નવા ઉકેલાઈ રહ્યાં છે. હવે આ રહસ્યોને જે શોધે છે તે તેના દ્રષ્ટા ગણાય તે તેના સ્રષ્ટા એટલે કે સર્જક ન ગણાય. ઘણા લોકો આવા રહસ્યોને સમજીને એમ માનવા લાગે છે કે તેઓ ઘણા આધુનિક છે અને જેઓ જુના પુસ્તકો વાંચીને તેમાં રહેલા રહસ્યોનો ઉપયોગ પોતાની જાત તથા અન્ય માનવોના કલ્યાણ અર્થે કરે છે તે જૂનવાણી છે.

આ વિશ્વના મનુષ્યોમાં બે પ્રવાહ ચાલી રહ્યાં છે. એક પ્રકારના માણસો બહિર્મુખી છે એટલે કે પોતાની બહારના જગતમાં સુખ માટે શોધખોળ કરી રહ્યાં છે અને બીજી જાતના માણસો કે જે પોતાની અંદર સુખ માટે શોધખોળ કરી રહ્યાં છે. જે બહીર્મુખી છે તેને અંતર્મુખી થવામાં તકલીફ પડે છે અને જે અંતર્મુખી છે તેને બહીર્મુખી થવામાં તકલીફ પડે છે. મનુષ્ય આ અંદર અને બહારની વચ્ચે ફસાઈને ઉભુ રહેલું એક વિચિત્ર પ્રાણી છે. પ્રાણી એટલા માટે કે તે પ્રાણના આધારે જ તેનું જીવન ટકાવી શકે છે.

હવે આ બહિર્મુખી અને અંતર્મુખી બંને પ્રકારના લોકો એમ માને છે કે પોતે જ સાચા છે અને બીજા ખોટા છે અને પરીણામે તેઓ જ્યારે જ્યારે ભેગા થાય ત્યારે પોતપોતાનો મત લઈને એક બીજાની વાતનો વિરોધ કરવા પ્રયત્ન કરે છે. વાસ્તવમાં અંદર રહેલી અને બહાર રહેલી બંને પ્રકૃતિને જે સમજે છે તે જ આવા વાદવિવાદથી દુર રહીને પોતાની પ્રકૃતિ મુજબ સતત પોતાના અને સમાજના કલ્યાણ માટે પુરુષાર્થ કર્યા કરે છે, પણ જે પોતાનો જ મત સાચો છે અને અન્યનો મત ખોટો છે તેવા વાદવિવાદમાં જાણી જોઈને કે ભુલથી ફસાઈ જાય છે પછી બહાર નીકળવું તેના માટે કઠીન થઈ જાય છે.

આટલું વિવરણ કરવા પાછળનો મારો હેતુ માત્ર એટલો જ છે કે કોઈ જુનવાણી હોય કે આધુનિક, કોઈ બહિર્મુખી હોય કે અંતર્મુખી કે જે કોઈ જેવો પણ હોય તેને તેની પોતાની રીતે જીવવાનો અધીકાર છે અને તેના કાર્યક્ષેત્રમાં તે જ્યાં સુધી બીજાને દખલ ન કરતો હોય ત્યાં સુધી બીજા લોકોએ ખલેલ પહોંચાડવાથી સંવાદિતા જળવાવાના બદલે તૂટે છે અને વિતંડાવાદ શરુ થઈ જાય છે.

શંકારાચાર્યજી જલ્પ અને વિતંડ નામના બે વાદથી દુર રહેવાની શિખામણ આપે છે. પોતાનો મત સાચો છે તેમ દર્શાવવા માટે કરવામાં આવતા વાદને જલ્પ નામનો વાદ કહે છે. અને બીજાનો મત ખોટો છે તેમ દર્શાવવા માટેના વાદને વિતંડાવાદ કહે છે.

ઘણી વાર મને એમ લાગ્યું છે કે આવા જલ્પ અને વિતંડ નામના વાદ મેં જુદા જુદા બ્લોગ ઉપર જઈને કર્યા છે. આ બધું મેં મારા અજ્ઞાન અને અલ્પમતિને કારણે કર્યું છે. હવે દરેક બ્લોગરની હું રુબરૂ તો માફી માંગી શકુ તેમ નથી પણ અહીં આ પોસ્ટ દ્વારા સહુ બ્લોગરની હું આવા પ્રકારના બિન ઉપયોગી મારા દ્વારા થયેલા વાદની સામુહિક માફી માંગુ છું. થોડો વખત મને એકાંતની જરૂર હોવાથી લગભગ એક અઠવાડીયા સુધી હું નવી પોસ્ટ મુકી નહીં શકું તથા બ્લોગર મિત્રોના ઓટલે પણ આંટો મારવા નહીં આવી શકું તો હવે લગભગ એક અઠવાડીયા પછી એટલે ૧૮.૩.૨૦૧૦ ના રોજ આપણે ફરીથી મળશું.

સહુ બ્લોગર મિત્રો અને વાચક મિત્રોને સસ્નેહ વંદન.

Categories: ચિંતન | Tags: | 4 Comments

મેઘધનુષ્ય

સદાનન્દે ચિદાકાશે માયામેઘસ્તડિન્મન: |
અહન્તા ગર્જનં તત્ર ધારાસારા હિ વૃત્તય: || ૪૧ ||
મહામોહાન્ધકારેSસ્મિન દેવો વર્ષતિ લીલયા |
અસ્યા વૃષ્ટેર્વિરામાય પ્રબોધૈકસમીરણ: || ૪૨ || – સદાચાર સ્તોત્ર

સદાનંદ સ્વભાવવાળા ચેતનરૂપ આકાશમાં માયારૂપ મેઘ ને મનોરૂપ વીજળી છે. ત્યાં અહંતારૂપ ગર્જના છે, ને વૃત્તિઓરૂપ વરસાદની મોટી ધારાઓનું પડવું છે. આ મહામોહરૂપ અંધકારમાં દેવ લીલા વડે વરસે છે. આ વૃષ્ટિ વિરામ માટે જ્ઞાનરૂપ એક વાયું છે.

સત, આનંદ ને ચેતન આ સ્વભાવવાળા બ્રહ્મરૂપ આકાશને આશરે માયારૂપ મેઘ રહેલા છે, તે મેઘમાં અંત:કરણરૂપ વીજળી પ્રતીત થાય છે. ત્યાં દેહાદિમાં હું પણાની બુદ્ધિરૂપ ગર્જના સંભળાય છે, અને માયાના કાર્ય અંત:કરણમાંથી ઉત્પન્ન થતી વૃત્તિઓરૂપ વરસાદની ધારાઓનું પડવું થાય છે. આ મહામોહ એટલે બ્રહ્મસ્વરૂપના અજ્ઞાનરૂપ અંધારામાં સ્વયંપ્રકાશ પરમાત્મા પોતાની સ્વાભાવિક લીલાવડે નામરૂપની પ્રતીતિ કરાવવારૂપ વરસે છે. આ વૃષ્ટિની એટલે માયાની ને તેના અંત:કરણાદિ સર્વ કાર્યોની નિવૃત્તિ માટે બ્રહ્મસ્વરૂપના દૃઢજ્ઞાનરૂપ એક વાયુ જ ઉપયોગી છે.


નોંધ:- ઉપરનો શ્લોક શ્રી આદિ શંકરાચાર્યજી મહારાજકૃત સદાચાર સ્તોત્રમાંથી લેવામાં આવ્યો છે. તથા શ્લોકનો અર્થ તથા વિવરણ શ્રીમન્નથુરામશર્મા દ્વારા કરવામાં આવેલ છે. ઉપરના મેઘધનુષ્યના આખાય દ્રશ્યમાં સુર્ય ક્યાંય દેખાતો ન હોવા છતા આપણે જાણીએ છીએ કે આ સઘળું મનોહારી દ્રશ્ય સુર્યને લીધે જ છે. તેવી જ રીતે આ જગતમાં આપણને ક્યાંય ઈશ્વર ન દેખાતો હોવા છતા જ્ઞાનીઓ કહે છે કે આખું એ જગત ઈશ્વરને લીધે જ છે.


Categories: ચિંતન | Tags: | 4 Comments

જીવો જીવસ્ય ભોજનમ

સમગ્ર સૃષ્ટીમાં નિયમ ચાલે છે કે જે બળવાન હોય તે નબળા ઉપર હકુમત ચલાવે. ઉંદર, નાના નાના જીવજંતુ વગેરે પક્ષીઓ કે બીલ્લીના શીકાર બને. વળી આ પક્ષીઓ પાછા મોટા પક્ષીઓના શીકાર બને. તેવી રીતે સર્વ પશુમાં બળવાન સિંહ છે અને તેનો સીધો શીકાર કરવાની ભાગ્યે જ કોઈ હિંમત કરે છે. જળચરોમાં મગર સહુથી બળવાન ગણાય છે. પક્ષીઓમાં ગરૂડ ને બળવાન ગણવામાં આવે છે અને મનુષ્યોમાં જે બળવાન હોય તે રાજા બને છે. આમ બળ તે વિભુતી છે અને બળવાન હોય તે જ જીવનનો આનંદ માણે છે. વિર્યને પણ બળ માનવામાં આવે છે, અને જે જરૂર વગર વિર્યનો ખર્ચ કર્યા કરે છે તે જીવનમાં સતત તાણ અનુભવ્યા કરે છે. જરૂરી અને મર્યાદિત જાતિય આનંદ ઉપયોગી છે પણ અમર્યાદ વિર્યનો વ્યય કરનાર બળ ગુમાવે છે. કોઈ એક બ્લોગ કે ગૃપમાં ભીષ્મ પિતામહને કોઈએ નપૂંસક કહ્યા છે. મને બહુ આશ્ચર્ય થયું કે જે ભરી સભામાંથી ૩ – ૩ રાજકુંવરીઓ ઉઠાવી લાવે, જેના તીર એટલી ઝડપથી છૂટે કે ગંગાનો પ્રવાહ રોકાઈ જાય તે નપૂંસક? અરે તેમને શસ્ત્રો છોડાવવા માટે શિખંડીને આગળ ઉભો રાખવો પડ્યો અને કૃષ્ણએ પોતે પણ પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી તે શું નપૂંસક? ખેર, મારુ કહેવાનું એટલું જ છે કે વિર્ય પણ એક પ્રકારનું બળ જ છે. માટે જ સ્વામી વિવેકાનંદે કહ્યું કે “તમારા સ્નાયુઓને બળવાન બનાવો અને મસ્તિષ્કને ઉન્નત વિચારોથી ભરી દ્યો. નબળા લોકો માટે આ દુનિયામાં કે બીજી કોઈ દુનિયામાં કશું સ્થાન નથી. બહુ કાળ સુધી આપણે રોદણાં રોતા આવ્યા છીએ હવે વધુ વખત રડવાની જરૂર નથી. ઉપનિષદમાંથી બોમ્બની જેમ આવતો અને અજ્ઞાનના સમુહ પર કડાકાભેર તુટી પડતો શબ્દ છે અભી:. અભય ,અભય આ અભયની ઉપાસના કરો અને સર્વસમર્થ એવું આત્મબળ જાગૃત કરો કે જેનો કશાથી પ્રતિકાર ન થઈ શકે.”

Categories: કુદરત | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.