સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
હવે સ્તોત્રકાર સ્તોત્ર રચવાની પ્રતિજ્ઞા કરે છે:-
સર્વવેદાન્તસિદ્ધાન્તૈર્ગ્રથિતં નિર્મલં શિવમ |
સદાચારં પ્રવક્ષ્યામિ યોગિનાં જ્ઞાનસિદ્ધયે || ૨ ||
શ્લોકાર્થ:- સર્વ ઉપનિષદોના સિદ્ધાંતો વડે ગૂંથેલા, પવિત્ર ને કલ્યાણરૂપ સદાચારને યોગીઓના જ્ઞાનની સિદ્ધિ માટે હું કહીશ.
ટીકા:- ઈશાદિ સર્વ ઉપનિષદોના સિદ્ધાંતો જેમાં ઓતપ્રોત છે એવા, વાસ્તવિક પવિત્ર, ને કલ્યાણસ્વરૂપ બ્રહ્મની સાથે સંબધ રાખનાર હોવાથી કલ્યાણરૂપ એવા, ધર્મશાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા સદાચારથી ભિન્ન સદાચારનું પોતાના ચિત્તને પરબ્રહ્મમાં જોડવાનો પ્રયત્ન કરતા યોગીઓના બ્રહ્મજ્ઞાનની સિદ્ધિ માટે હું કથન કરીશ.