સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
સચ્ચિદાનન્દરુપાય જગદંકુરહેતવે |
સદોદિતાય પૂર્ણાય નમોSનન્તાય વિષ્ણવે || ૧ ||
શ્લોકાર્થ: સચ્ચિદાનંદરૂપ, જગદરૂપ અંકુરના કારણ, સર્વદા ઉદય પામેલા અસ્તિત્વવાળા, પૂર્ણ અને અનંત પરમાત્માને મારા નમસ્કાર હો.
ટીકા: ત્રણે કાલમાં એકરૂપે રહેનારા, જેનો જ્ઞાનસ્વભાવ કદી પણ લોપ પામતો નથી એવા, પરમપ્રીતિના સ્થાનરૂપ વા પરમાનંદરૂપ, પ્રતીત થતા આ જગતના અભિન્નનિમિત્તોપાદાનકારણરૂપ, (નિમિત્તકારણરૂપ તથા ઉપાદાનકારણરૂપ) સર્વદા સ્ફુરણરૂપે ઉદય પામેલા જણાતા, સ્વગત સજાતીય ને વિજાતીય ભેદ વિનાના અને દેશ કાલ ને વસ્તુના પરિચ્છેદ વિનાના વ્યાપક પરમાત્માને વા પરમાત્માથી અભિન્ન શ્રી ગોવિંદપાદને મારા વિનયપૂર્વક નમસ્કાર હો.