ત્યાં લગી આશ સૃષ્ટિની, જ્યાં લગી ઉગતા ફુલો
જીંદગી જીવવા જેવી, જ્યાં લગી કવિના કુળો (અજ્ઞાત)
મિત્રો,
ઉપર આપણે સુંદર ફુલો જોઈ રહ્યાં છીએ અને તેનો ધર્મ છે સુંદરતા અને સુગંધ.
જે જે સુંદર, સત્યને પવિત્ર પ્રેમલ છે
મારા અંશથી થયું, સમજી લે જે તે. (સરળ ગીતા)
જો આપણે આપણી જાતને મનુષ્ય તરીકેની ઓળખ આપવા માંગતા હોઈએ તો આપણે સુંદર,સાત્વિક અને સુગંધી બનવું જોઈએ. જે પોતાની જાત ઉપર કાલ્પનીક ઉપાધિનો આરોપ કરે છે તે તરત જ સંકોચાઈને પોતાની સુંદરતા ગુમાવે છે. માણસ સારા વિચારો ગમે ત્યાંથી મેળવી શકે પણ તેને માટે તેણે પોતાના અનંત આત્મા ઉપર કોઈ પણ પ્રકારની મુદ્રા મહોર ન મારી દેવાય. પોતાની જાત ઉપર મુદ્રા મહોર મારવથી તેને પોતાની જ વાત સાચી લાગે છે અને અન્યની વાતમાં રહેલા સત્યને તે સમજવાનો પ્રયત્ન કરવાનું બંધ કરે છે પરીણામે પોતાની તથા બીજાના મનની શાંતિનો તેના દ્વારા જાણ્યે અજાણ્યે ભંગ થશે. ફુલ કદી પોતાનો પ્રચાર નથી કરતું અને છતાં પતંગિયાઓ અને ભ્રમરો તેની મેળે જ સુગંધથી આકર્ષાઈને આવી જાય છે. તેવી રીતે ઉત્તમ મનુષ્યોના ચારિત્ર્યની સુગંધથી આપોઆપ જ લોકો તેની મેળે આકર્ષાઈને આવી જાય છે. સુંદરતા છે વિશાળતામાં, એક સ્થળે શાંતિથી બેસીને સુગંધ પ્રસરાવવામાં અને જ્યાં જઈએ ત્યાં શિષ્ટાચારપુર્વક ઘોંઘાટ કર્યા વગર સ્વસ્થ ચિત્તે શાંતિથી વાત કરવામાં.