Daily Archives: 16/03/2010

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૪,૫,૬)

અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ |
યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ ||૪||

ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશિરાજશ્ચ વીર્યવાન |
પુરુજિત્કુન્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવ: ||૫||

યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન |
સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ ||૬||

તેમાં ભીમ અને અર્જુન સમાન કેટલાયે મહાન શૂરવીર યોધાઓ છે જેમકે યુયુધાન, વિરાટ અને મહારથી દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બલવાન કાશિરાજ, પુરુજિત, કુન્તિભોજ તથા નરશ્રેષ્ઠ વિક્રાન્ત યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર (અભિમન્યુ), અને દ્રોપદીનાં પુ્ત્રો – બધાંજ મહારથી છે.

Categories: ભગવદ ગીતા | Tags: | 4 Comments

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૨)

સંજય ઉવાચ

દૃષ્ટવા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા |
આચાર્યમુપ્સંગમ્ય રાજા વચનમબ્રવીત || ૨ ||

તે વખતે વજ્ર વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને અને દ્રોણાચાર્યની પાસે જઈને રાજા દુર્યોધને આ વચન કહ્યું

પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ |
વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા || ૩ ||

હે ગુરુદેવ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ!


મિત્રો,

આપણે ગઈકાલે પ્રથમ શ્લોક વિશે આપણી બુદ્ધિ પ્રમાણે તે શ્લોકનો અર્થ જોયો. અહીં સર્વ મિત્રોને ફરીથી આગ્રહ કરુ છુ કે જે તે શ્લોક્ને જ માત્ર ધ્યાનમાં રાખીને પ્રતિભાવ આપવા, પણ પોતાની માન્યતાઓ પાત્ર કે સંવાદની આગળ પાછળ ન ઉમેરવી. જેમ કે એક વાક્ય હોય કે “ઝાડ ઉપર પોપટ બેઠો છે” તો આપણા મનમાં ખ્યાલ આવે કે એક ઝાડ હશે તેના ઉપર લીલા રંગનું પક્ષી કે જેની ચાંચ લાલ હોય છે તે બેઠું છે. બસ પછી આપણે એવું લખવાની જરૂર નહીં કે આ પોપટને ગળે કાળો કાંઠલો છે તે તેના પાપને લીધે છે અને હવે આ ઝાડ ઉપર જ તે મૃત્યુ પામશે વગેરે વગેરે – કારણ કે તે બધું આપણી કલ્પનાને આધારે આપણે પોપટ પર આરોપિત કર્યું કહેવાય. અહીં આપણે કોઈનો ન્યાય નથી તોળવો પણ આપણે આ રહસ્યમય પુસ્તકની અંદર રહેલા રહસ્યને પામવું છે તેથી આપણે માત્ર ને માત્ર શ્લોકનો અર્થ સમજવા ઉપર જ ભાર મુકશું પણ આપણું જ્ઞાન કે અજ્ઞાન આ શ્લોકના માધ્યમ દ્વારા પ્રગટ નહીં કરીએ.વળી કોઈ શ્લોકનો અર્થ ન સમજાય તો આપણે તેમ પણ લખી શકીએ કે આ મને નથી સમજાયો પણ શ્લોક સીવાયની અસંબદ્ધ વાતો આપણે શ્લોક સાથે જોડશું નહીં. આટલું ધ્યાન માં રાખશુ તો આ ખરેખર ચિંતનયાત્રા બનશે નહીં તો અહીં જ યુદ્ધનું મેદાન બની જશે. આપણો હેતું અહીં સંવાદનો અને આપણી બુદ્ધિને વધુ સુક્ષ્મ બનાવવાનો છે લડાઈનો નથી તે સહુ મિત્રોને ધ્યાનમાં લેવા વિનંતી. કોઈ પણ બાબતનું રહસ્ય આપણે ત્યારે જ પામી શકીએ જ્યારે આપણે તટસ્થ રીતે તેનો અભ્યાસ કરીએ તેથી આપણી માન્યતાઓ કે પૂર્વગ્રહ વગર આપણે આ અદભુત ગ્રંથનો અભ્યાસ કરશું. વળી કોઈને આ ગ્રંથ પોતાની બુદ્ધિથી સમજવામાં રસ ન પણ હોય તો તે માત્ર ચર્ચાને માણી પણ શકે અથવા તો તેનાથી અલિપ્ત પણ રહી શકે અથવા તો જ્યારે જ્યારે તેને કશુંક રહસ્ય તેમાંથી સમજાય ત્યારે ત્યારે તેનો મત પ્રદર્શીત કરી શકે. બીજું અહીં માત્રને માત્ર પોતાને જે સમજાય તે જ લખવું પણ અન્ય કોઈ ગ્રંથમા વિદ્વાનોએ કરેલ ટીકાના ઉતારા ન કરવા હા બુદ્ધિને સતેજ કરવા માટે બીજા ગ્રંથનો પોતાને માટે સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગ કરી શકાય પણ અર્થો તો પોતાની સમજણ પ્રમાણે જ કરવા સંદર્ભગ્રંથોની ટીકાને આધારે નહીં.

Categories: ભગવદ ગીતા | Tags: | 3 Comments

Blog at WordPress.com.