Daily Archives: 10/03/2010

જુનવાણી કે આધુનિક – આગંતુક

મીત્રો,

આજે આપણે ઘણી જગ્યાએ જુનવાણી શબ્દ સાંભળીએ છીએ. જુનવાણી એટલે શું? મારા મત પ્રમાણે જે જુની ઘરેડને વળગી રહે અને નવું કશું સ્વીકારવા તૈયાર ન થાય તેને જુનવાણી કહેવાય. અત્યારે ઘણા લોકો કે જે શાસ્ત્રો, આયુર્વેદ, પ્રાચીનગ્રંથો વગેરેમાંથી માનસશાસ્ત્ર, શરીર વિજ્ઞાન કે અધ્યાત્મ સંબધી વિચારો કે જેનો વિવેકપુર્વક સમજણથી પોતાની જાત ને સમજવા માટે તથા વ્યવહારમાં ઉપયોગમાં લાવવા માટે પ્રયત્નો કરતા હોય તેને જુનવાણી ગણે છે. હવે આધુનિક ગણાતા માણસો શું કરે છે? તે રોજ રોજ પ્રકૃતિના નવા નવા નિયમોની શોધ કરે છે, તેને વ્યવહારમાં લાવવા પ્રયત્ન કરે છે અને તેનો ઉપયોગ માનવજાતને સુવિધા આપવા માટે કે રંજાડવા માટે કરે છે. પ્રકૃતિની અંદર ઘણા બધા રહસ્યો પડેલા છે તેમાના ઘણા બધા ઉકેલવામાં આવ્યા છે અને ઘણા નવા નવા ઉકેલાઈ રહ્યાં છે. હવે આ રહસ્યોને જે શોધે છે તે તેના દ્રષ્ટા ગણાય તે તેના સ્રષ્ટા એટલે કે સર્જક ન ગણાય. ઘણા લોકો આવા રહસ્યોને સમજીને એમ માનવા લાગે છે કે તેઓ ઘણા આધુનિક છે અને જેઓ જુના પુસ્તકો વાંચીને તેમાં રહેલા રહસ્યોનો ઉપયોગ પોતાની જાત તથા અન્ય માનવોના કલ્યાણ અર્થે કરે છે તે જૂનવાણી છે.

આ વિશ્વના મનુષ્યોમાં બે પ્રવાહ ચાલી રહ્યાં છે. એક પ્રકારના માણસો બહિર્મુખી છે એટલે કે પોતાની બહારના જગતમાં સુખ માટે શોધખોળ કરી રહ્યાં છે અને બીજી જાતના માણસો કે જે પોતાની અંદર સુખ માટે શોધખોળ કરી રહ્યાં છે. જે બહીર્મુખી છે તેને અંતર્મુખી થવામાં તકલીફ પડે છે અને જે અંતર્મુખી છે તેને બહીર્મુખી થવામાં તકલીફ પડે છે. મનુષ્ય આ અંદર અને બહારની વચ્ચે ફસાઈને ઉભુ રહેલું એક વિચિત્ર પ્રાણી છે. પ્રાણી એટલા માટે કે તે પ્રાણના આધારે જ તેનું જીવન ટકાવી શકે છે.

હવે આ બહિર્મુખી અને અંતર્મુખી બંને પ્રકારના લોકો એમ માને છે કે પોતે જ સાચા છે અને બીજા ખોટા છે અને પરીણામે તેઓ જ્યારે જ્યારે ભેગા થાય ત્યારે પોતપોતાનો મત લઈને એક બીજાની વાતનો વિરોધ કરવા પ્રયત્ન કરે છે. વાસ્તવમાં અંદર રહેલી અને બહાર રહેલી બંને પ્રકૃતિને જે સમજે છે તે જ આવા વાદવિવાદથી દુર રહીને પોતાની પ્રકૃતિ મુજબ સતત પોતાના અને સમાજના કલ્યાણ માટે પુરુષાર્થ કર્યા કરે છે, પણ જે પોતાનો જ મત સાચો છે અને અન્યનો મત ખોટો છે તેવા વાદવિવાદમાં જાણી જોઈને કે ભુલથી ફસાઈ જાય છે પછી બહાર નીકળવું તેના માટે કઠીન થઈ જાય છે.

આટલું વિવરણ કરવા પાછળનો મારો હેતુ માત્ર એટલો જ છે કે કોઈ જુનવાણી હોય કે આધુનિક, કોઈ બહિર્મુખી હોય કે અંતર્મુખી કે જે કોઈ જેવો પણ હોય તેને તેની પોતાની રીતે જીવવાનો અધીકાર છે અને તેના કાર્યક્ષેત્રમાં તે જ્યાં સુધી બીજાને દખલ ન કરતો હોય ત્યાં સુધી બીજા લોકોએ ખલેલ પહોંચાડવાથી સંવાદિતા જળવાવાના બદલે તૂટે છે અને વિતંડાવાદ શરુ થઈ જાય છે.

શંકારાચાર્યજી જલ્પ અને વિતંડ નામના બે વાદથી દુર રહેવાની શિખામણ આપે છે. પોતાનો મત સાચો છે તેમ દર્શાવવા માટે કરવામાં આવતા વાદને જલ્પ નામનો વાદ કહે છે. અને બીજાનો મત ખોટો છે તેમ દર્શાવવા માટેના વાદને વિતંડાવાદ કહે છે.

ઘણી વાર મને એમ લાગ્યું છે કે આવા જલ્પ અને વિતંડ નામના વાદ મેં જુદા જુદા બ્લોગ ઉપર જઈને કર્યા છે. આ બધું મેં મારા અજ્ઞાન અને અલ્પમતિને કારણે કર્યું છે. હવે દરેક બ્લોગરની હું રુબરૂ તો માફી માંગી શકુ તેમ નથી પણ અહીં આ પોસ્ટ દ્વારા સહુ બ્લોગરની હું આવા પ્રકારના બિન ઉપયોગી મારા દ્વારા થયેલા વાદની સામુહિક માફી માંગુ છું. થોડો વખત મને એકાંતની જરૂર હોવાથી લગભગ એક અઠવાડીયા સુધી હું નવી પોસ્ટ મુકી નહીં શકું તથા બ્લોગર મિત્રોના ઓટલે પણ આંટો મારવા નહીં આવી શકું તો હવે લગભગ એક અઠવાડીયા પછી એટલે ૧૮.૩.૨૦૧૦ ના રોજ આપણે ફરીથી મળશું.

સહુ બ્લોગર મિત્રો અને વાચક મિત્રોને સસ્નેહ વંદન.

Categories: ચિંતન | Tags: | 4 Comments

Blog at WordPress.com.