સદાનન્દે ચિદાકાશે માયામેઘસ્તડિન્મન: |
અહન્તા ગર્જનં તત્ર ધારાસારા હિ વૃત્તય: || ૪૧ ||
મહામોહાન્ધકારેSસ્મિન દેવો વર્ષતિ લીલયા |
અસ્યા વૃષ્ટેર્વિરામાય પ્રબોધૈકસમીરણ: || ૪૨ || – સદાચાર સ્તોત્ર
સદાનંદ સ્વભાવવાળા ચેતનરૂપ આકાશમાં માયારૂપ મેઘ ને મનોરૂપ વીજળી છે. ત્યાં અહંતારૂપ ગર્જના છે, ને વૃત્તિઓરૂપ વરસાદની મોટી ધારાઓનું પડવું છે. આ મહામોહરૂપ અંધકારમાં દેવ લીલા વડે વરસે છે. આ વૃષ્ટિ વિરામ માટે જ્ઞાનરૂપ એક વાયું છે.
સત, આનંદ ને ચેતન આ સ્વભાવવાળા બ્રહ્મરૂપ આકાશને આશરે માયારૂપ મેઘ રહેલા છે, તે મેઘમાં અંત:કરણરૂપ વીજળી પ્રતીત થાય છે. ત્યાં દેહાદિમાં હું પણાની બુદ્ધિરૂપ ગર્જના સંભળાય છે, અને માયાના કાર્ય અંત:કરણમાંથી ઉત્પન્ન થતી વૃત્તિઓરૂપ વરસાદની ધારાઓનું પડવું થાય છે. આ મહામોહ એટલે બ્રહ્મસ્વરૂપના અજ્ઞાનરૂપ અંધારામાં સ્વયંપ્રકાશ પરમાત્મા પોતાની સ્વાભાવિક લીલાવડે નામરૂપની પ્રતીતિ કરાવવારૂપ વરસે છે. આ વૃષ્ટિની એટલે માયાની ને તેના અંત:કરણાદિ સર્વ કાર્યોની નિવૃત્તિ માટે બ્રહ્મસ્વરૂપના દૃઢજ્ઞાનરૂપ એક વાયુ જ ઉપયોગી છે.
નોંધ:- ઉપરનો શ્લોક શ્રી આદિ શંકરાચાર્યજી મહારાજકૃત સદાચાર સ્તોત્રમાંથી લેવામાં આવ્યો છે. તથા શ્લોકનો અર્થ તથા વિવરણ શ્રીમન્નથુરામશર્મા દ્વારા કરવામાં આવેલ છે. ઉપરના મેઘધનુષ્યના આખાય દ્રશ્યમાં સુર્ય ક્યાંય દેખાતો ન હોવા છતા આપણે જાણીએ છીએ કે આ સઘળું મનોહારી દ્રશ્ય સુર્યને લીધે જ છે. તેવી જ રીતે આ જગતમાં આપણને ક્યાંય ઈશ્વર ન દેખાતો હોવા છતા જ્ઞાનીઓ કહે છે કે આખું એ જગત ઈશ્વરને લીધે જ છે.