Daily Archives: 07/03/2010

હઠાભ્યાસો હિ સન્યાસો

હઠાભ્યાસો હિ સન્યાસો નૈવ કાષાયવાસસા |
નાહં દેહો અહં આત્મેતિ નિશ્ચયો ન્યાસલક્ષણં || ૧૬ – સદાચાર સ્તોત્ર ||

મિત્રો,

આદિ શંકરાચાર્યજી મહારાજ સદાચાર સ્તોત્રમાં કહે છે કે:-
ઊર્ધ્વ ગતિવાળા પ્રાણને તથા અધોગતિવાળા અપાનને પ્રાણાયામ વડે એકત્ર કરવાનો અભ્યાસ કરવો, ને દ્રશ્યમાં રહેલા રાગને ત્યજવો, તે જ વાસ્તવિક સંન્યાસ છે, અંત:કરણની યોગ્યતા વગર માત્ર ભગવાં વસ્ત્રો ધારણ કરી લેવાં તે વડે વાસ્તવિક સંન્યાસ થતો નથી જ. હું આ સ્થૂલ શરીર નથી, પણ બ્રહમથી અભિન્ન આત્મા છું, આવો નિશ્ચય કરીને દ્રશ્યને મનમાંથી કાઢી નાખવું તે ત્યાગનું સ્વરૂપ છે.

અત્યારના કપડા બદલેલા કેટલા સાધુ, બાવા, ફકીર, કથાકાર, કીર્તનકાર, તીલક તાણનાર, ત્રીપુંડ કરનાર, મહંતો, સંતો, સફેદ કપડાધારીઓ, કફની અને ધોતી ધારીઓ, ગાદીપતિઓ, શંકરાચાર્યો, નાગાબાવાઓ, હાથીવાળા બાવાઓ, મોઢે કપડા બાંધીને ફરતા સાધુ સાધ્વિઓ, મંદિર ધારીઓ, મસ્જીદધારીઓ, બાંગો પોકારનારાઓ, મોટે મોટેથી ભજન કીર્તન કરીને ઘોંઘાટ ફેલાવનારાઓ, લાલ કપડા પહેરેલા માંડ માંડ કાઢેલા અને ફરી ઘુસી ગયેલા લોકો અને આવા તો જાતજાતના વેશધારીઓમાંથી – કોણ પોતાના પ્રાણ અને અપાનને એક કરીને દ્રશ્યમાં રહેલા રાગને ત્યજે છે? તેઓ પુરેપુરા સ્થુળ શરીરમાં હું પણું ધરાવતા હોય છે અને બ્રહ્મ શું છે તે પણ જાણતા નથી હોતા તો તેનાથી અભીન્ન આત્માના અનુભવનો નિશ્ચય તો ક્યાંથી હોય? હવે આવા લોકોની પાછળ માણસોએ મુરખ બનીને શું કામ ભટકવું જોઈએ? જેણે દ્રશ્યમાં રહેલો રાગ ત્યજ્યો હોય તે તમને ઉપદેશ શા માટે આપે? તે મંદિર શા માટે બાંધે? તે મસ્જીદમાં બાંગો શા માટે પોકારે? સવાર સાંજ ઘંટ વગાડીને ઘોંઘાટ શા માટે કરે? જે સદાએ જાગ્રત છે તેવા પરમાત્માને ઉઠાડે, નવરાવે, કપડા પહેરાવે, ભોજન કરાવે , સુવરાવે શા માટે?

માટે હે શ્રદ્ધાળુઓ જાગો, ખરેખર જો તમને અધ્યાત્મની જીજ્ઞાસા હશે તો તમને સાચુ માર્ગદર્શન મળી જ રહેશે, માટે આવા ધુતારાઓની પાછળ ભટકવાને બદલે તમારા અંતરમાં જેવી આવડે તેવી ખોજ શરૂ કરી દેશો તો વહેલો અનુભવ થશે અને ખુવાર થતા પણ બચી જશો.

અને હા કોઈ કોઈ સાચા સંત પણ હોય છે તેમના આચાર વિચારથી આપ તેમને સમજી શકશો જેમ કે ભગવદ ગીતામાં સાચા જ્ઞાનીને ઓળખવા માટે જ્ઞાનીના ૨૦ લક્ષણો આપ્યાં છે, આવા લક્ષણો જો કોઈમાં જોવા મળે તો તેમના કપડા સામે જોયા વગર તમારા કલ્યાણનો માર્ગ જાણી લેજો. આ રહ્યા જ્ઞાનીના ૨૦ લક્ષણો.

૧. અમાનિત્વમ – પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિમાનનો અભાવ
૨. અદમ્ભિત્વમ – દંભાચરણનો અભાવ
૩. અહિંસા
૪. ક્ષાન્તિ: – ક્ષમાભાવ
૫. આર્જવમ – સરળતા
૬. આચાર્યોપાસનમ – ગુરુની સેવા દ્વરા જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યુ હોય તેવા
૭. શૌચમ – બાહ્ય તેમ જ આંતરિક શુદ્ધિ
૮. સ્થૈર્યમ – સ્થિરતા
૯. આત્મવિનિગ્રહ: – મન વશમાં હોવું
૧૦.ઈન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ – ઈન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય હોવો
૧૧.અનહંકાર – અહંકારનો અભાવ હોવો
૧૨.જન્મમૃત્યુજરાવ્યાધિદુ:ખદોષાનુદર્શનમ – આ બધા દુ:ખરુપ અને દોષરુપ છે તેમ જાણનાર
૧૩.અસક્તિ: – આસક્તિનો અભાવ
૧૪.પુત્રદારગૃહાદિષુ અનભિષ્વંગ: – પુત્ર, સ્ત્રી, ઘર અને ધન આદિમાં મમતા રહિત
૧૫.ઈષ્ટાનિષ્ટો પપત્તિષુ નિત્યમ સમચિતત્વમ – પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિમાં સદાય ચિતની સમતા જાળવી રાખનાર
૧૬.મયિ અનન્ય યોગેન અવ્યભિચારિણી ભક્તિ: – પરમાત્મામાં અનન્ય યોગ દ્વારા અવ્યભિચારિણી ભક્તિ હોય
૧૭.વિવિક્તદેશ સેવિતમ – એકાન્ત અને શુદ્ધ સ્થાનમાં રહેનાર
૧૮.જનસંસદિ અરતિ: – જન-સમુદાયમાં પ્રીતી ન હોય
૧૯.અધ્યાત્મજ્ઞાનનિત્યત્વં – અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેનાર
૨૦. તત્વજ્ઞાનાર્થદર્શનમ – તત્વજ્ઞાનના સારરૂપે પરમાત્માનો સર્વત્ર અનુભવ કરનાર

જો આવા લક્ષણો તમારામાં આવી જાય તો તમે પણ જ્ઞાની છો તેમ જ જાણવું. આમ દરેક વ્યક્તિને ઓળખવા માટે તેના લક્ષણો તપાસવા જોઈએ બાહ્ય વસ્ત્રો અને કેવા તિલક તાણ્યા છે તેના ઉપરથી વ્યક્તિની ઓળખ કરવાથી છેતરાઈ જવાની પુરેપુરી સંભાવના છે.

મિત્રો, આ તો ભોળા ભાવે, મિત્રદાવે સાવ મફતમાં સલાહ આપી છે, હવે તમને ઠીક લાગે તેમ કરજો.

લ્યો ત્યારે રામ રામ.


નોંધ:- આ લેખ લખવાની પ્રેરણા શૈલેશભાઈની નીચેની પોસ્ટ પરથી મળેલ છે.
http://devdagam.wordpress.com/2010/03/05/%E0%AA%A8%E0%AA%AB%E0%AB%8D%E0%AA%AB%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%93/

Categories: ચિંતન | Tags: , | 4 Comments

Blog at WordPress.com.