Daily Archives: 04/03/2010

કોમ્પ્યુટર અને જીવ – આગંતુક

મીત્રો,
આજે કોમ્પ્યુટર અને જીવ વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. આ તો મારા વિચારો છે આમાં આપના વિચારો પણ ઉમેરીને યોગદાન આપશો.

કોમ્પ્યુટરના મુખ્ય ભાગો જોઈએ તો તેમાં બહારથી શરુ કરીને અંદર સુધી જતા જઈએ અને તે જ રીતે તેની સાથે જીવના ક્યા ભાગો ને સરખાવી શકાય તેની તુલના કરીએ.

સહુ પ્રથમ આવે કોમ્પ્યુટરનું બહારનું બોડી કેબીનેટ, અને જીવનું શરીર. આ કેબીનેટ જેટલું સુવિધા જનક અને વ્યવસ્થિત હોય તેટલી અંદરની પ્રણાલીઓને કામ કરવાની મજા આવે, તેવી જ રીતે જીવ પાસે પણ જુદી જુદી જાતના કેબીનેટ હોય છે. ગાય આકારનું, ઘોડા આકારનું, દેડકાના આકારનું, માણસના આકારનું વગેરે વગેરે.

ત્યાર પછી આવે તેમાં મધર બોર્ડ જેમાં જુદા જુદા કોમ્પ્યુટરના અંગો જુદા જુદા કાર્ય માટે બેસાડવામાં આવે, જીવોમાં આવે કંકાલતંત્ર અથવા તો અસ્થિ તંત્ર કે જેની સાથે બીજા અન્ય અંગો ગોઠવવામાં આવે.

ત્યાર પછી આવે તેમાં CPU – Central Processing Unit અને જીવોમાં આવે બુદ્ધિ. CPU કોમ્પ્યુટરનું ખુબ જ મહત્વનું અંગ છે તેની ગુણવત્તાને આધારે જ કોમ્પ્યુટરની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. તેવી જ રીતે બુદ્ધિ જીવનું ખુબ જ મહત્વનું અંગ છે અને તેની ગુણવત્તાને આધારે જ જીવનું મુલ્યાંકન થાય. જો કે ઘણી વાર લોકો કેબીનેટ જોઈને ભુલ ખાઈ જાય છે તેવી રીતે ઘણી વાર લોકો શરીરના રુપ રંગ જોઈને ભુલ ખાઈ જાય છે.

ત્યાર પછી કોમ્પ્યુટરમાં હાર્ડડિસ્ક હોય છે અને જીવોમાં ચિત્ત. જેમ કેટલાક કોમ્પ્યુટરમાં એકથી વધારે હાર્ડડિસ્ક હોય તેમ કેટલાક યોગીઓ એકથી વધારે ચિત્ત પણ ધરાવી શકે છે. આ હાર્ડડીસ્કમાં બધો જ ડેટા સંગ્રહિત થાય છે તેવી જ રીતે ચિત્તમાં બધા જ સંસ્કારો સંગ્રહિત થાય છે.

ત્યાર પછી કોમ્પ્યુટરમાં આવે RAM – Random Access Memory તેવી જ રીતે જીવમાં આવે મન. જેમ RAM સતત કાર્યરત રહે છે તેમ મન પણ સતત વિચાર્યા કરે છે. RAM બગડે તો કોમ્પ્યુટર ગમે તેવું વર્તન કરે તેવી રીતે મન બગડે તો જીવ ગમે તેવું વર્તન કરવા માંડે.

ત્યાર પછી કોમ્પ્યુટરમાં આવે Input Devices બહારથી Data ને કોમ્પ્યુટરમાં લઈ જવા માટે. તેવી રીતે જીવમાં આવે જ્ઞાનેન્દ્રિયો. કોમ્પ્યુટરમાં આ Devices ના નામ કી-બોર્ડ, માઉસ, માઈક્રોફોન વગેરે છે. જ્યારે જીવમાં આ Devices ના નામ શ્રોત્રેન્દ્રિય – અવાજના સ્પંદનો અંદર લઈ જવા માટે, સ્પર્શેન્દ્રિય – સ્પર્શના સંવેદનો અંદર લઈ જવા માટે, ચક્ષુન્દ્રીય – રૂપ અથવા તો પ્રકાશના તરંગો અંદર લઈ જવા માટે, રસનેન્દ્રીય – સ્વાદની તન્માત્રાઓ અંદર લઈ જવા માટે અને ઘ્રાણેન્દ્રિય – ગંધના પરમાણુઓ અંદર લઈ જવા માટે છે.

ત્યાર પછી કોમ્પ્યુટરમાં આવે Ouput Devices અંદર રહેલ Data ને બહાર દર્શાવવા માટે જેમ કે મોનીટર, સ્પીકર, પ્રિન્ટર વગેરે, તેવી રીતે બાહ્ય જગતમાં ક્રીયા કરવા માટે જીવ પાસે કર્મેન્દ્રીયો હોય છે જેમ કે હસ્ત – વસ્તુ ગ્રહણ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, પાદ – એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, વાણી – અંદરના ભાવોને બહાર વ્યક્ત કરવા માટે, ઉપસ્થ – મુત્રનું વિસર્જન તથા પ્રજોત્પતી માટે, પાયુ – મળનું વિસર્જન કરવા માટે.

આ ઉપરાંત કોમ્પ્યુટરમાં SMPS – Switching Mode Power Supply હોય છે. જે જુદા જુદા વોટનો પાવર જુદી જુદી Device ને પહોંચાડે છે. જીવના શરીરમાં આ કાર્ય પાંચ પ્રાણ કરે છે જેમ કે અપાન – બહારથી શુદ્ધ વાયુ, શ્વાસને અંદર ખેંચવાનું કાર્ય કરે છે, પ્રાણ – અંદરના અશુદ્ધ વાયુને ઉચ્છવાસ રૂપે બહાર ફેંકવાનું કાર્ય કરે છે, વ્યાન – સમગ્ર શરીરમાં પ્રાણવહા નાડીઓ દ્વારા આ પ્રાણને પહોંચાડે છે, સમાન – ગ્રહણ કરેલા ખોરાકને ઉપર નીચે વલોવી અને તેના ઘટકોને વિભાજીત કરી અને શરીરમાં યોગ્ય રીતે વીતરણ કરવાનું કાર્ય કરે છે. ઉદાન – મૃત્યુ સમયે સુક્ષ્મ શરીર (અંત:કરણ + જ્ઞાનેન્દ્રીયો + કર્મેન્દ્રીયો + પ્રાણ) ને બાંધીને શરીરની બહાર ઉડાણ કરે છે.

આ ઉપરાંત જીવમાં એક વધારાનું અંગ અહંકાર હોય છે, જે કોમ્પ્યુટરમાં નથી હોતુ. આ અહંકારને લીધે જ જીવ હેરાન થાય છે જ્યારે કોમ્પ્યુટરને કશી ઉપાધી નડતી નથી.

જેવી રીતે કોમ્પ્યુટર તે માણસે બનાવેલ મશીન છે તેવી રીતે જીવ તે ઈશ્વરે બનાવેલ મશીન છે. કોમ્પ્યુટરને કોણે બનાવ્યું છે તે કોમ્પ્યુટર જાણી શકતું નથી જીવને કોઈકે બનાવ્યો છે તે વધારે વિકસિત માણસ નામનો જીવ જાણે છે છતાં અજાણ્યો થવાનો પ્રયત્ન કર્યા કરે છે.

મીત્રો હજુ વધારે વિશ્લેષણ કરી શકાય અને આ તો માત્ર પ્રાથમીક કક્ષાએ સરખામણી કરી છે, આપ પણ આવી સરખામણી આપના ધ્યાનમાં આવે તો પ્રતીભાવોમાં ઉમેરજો.

Categories: ચિંતન | Tags: | 11 Comments

આતમ રાજા, ઉભો થા – આગંતુક

લમણે હાથ કાં દઈ બેઠો?
માર હાંકને , ઉભો થા

હોડી શીદ લંગારી બેઠો?
માર હલેસા, ઉભો થા

વાડામાં શીદ જઈ પુરાણો?
તોડ વાડને, ઉભો થા

પીંજરમાં પુરાવુ ખોટું
રહેજે સાવધ, ઉભો થા

કુવામાં છબછબીયા શાને?
આવ દરીયે, ઉભો થા

હું ને મારું આ છે બંધન
સઘળું તારુ, ઉભો થા

રાગ દ્વેષના દ્વંદો છોડી
આગંતુક તું , ઉભો થા

ભીખ માંગતો કાં ફરે છે?
આતમ રાજા, ઉભો થા

Categories: ચિંતન, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 3 Comments

Blog at WordPress.com.