Daily Archives: 03/02/2010

સાધુ બાવાઓ સાથે જન સમાજનો અમાનવીય વ્યવહાર – આગંતુક

જન સમાજમાં ઘણાં પ્રકારના લોકો હોય છે. તેમાંથી કોઈ કોઈ વ્યક્તિ વધુ ઉચ્ચ ધ્યેય અથવા તો કશીક દિવ્ય અનુભુતિની પ્રાપ્તિ માટે જીવનની ચીલાચાલુ ઘરેડને તોડી, પોતાની જાતને સમજવા માટે વધારે ઉંડા ઉતરીને સામાન્ય કર્તવ્યનો ત્યાગ કરી, પોતાની જાતને જાણવાનો તથા આ સમષ્ટીના ચાલક સાથે એક્તા અનુભવવાનો પ્રયત્ન કરે છે. આવા લોકો પોતે કોઈ અલગ ધ્યેય માટે જઈ રહ્યા છે તેવું દર્શાવવા જુદા પ્રકારના વસ્ત્રો ધારણ કરે છે અને જુદો બાહ્ય વેશ અપનાવે છે જેથી જન સમાજ સમજી શકે કે તેમનું ધ્યેય આપણી જેમ ભૌતિક જગતની સિદ્ધિ નથી પણ કશીક આંતરખોજ માટે તે પ્રયત્નશીલ છે.

હવે આ પ્રકારની સાધનાઓ કરનારાઓમાં જેઓ પોતાની સાધના અને લક્ષ્ય પ્રત્યે ગંભીર હોય છે તેમને આંતરજગતના ઘણાં બધા સત્યો સમજાય છે કે જે માનવના આંતરિક દુ:ખોને દુર કરવા માટે ઉપયોગી હોય છે. સમયાનુસાર આ પ્રકારના લોકો જન સમુહને આ સત્યો પોતાની ભાષામાં સમજાવવા માટે પ્રયત્ન કરે છે અને તેનાથી ઘણાં લોકોને જીવનના પરિતાપમાંથી છૂટીને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનો અવસર મળે છે. આવી આંતરિક શાંતિ પ્રાપ્ત કરનાર મનુષ્યો પોતાની કૃતજ્ઞતા દર્શાવવા માટે આવા મહાનુભાવોની અર્ચના વંદના કરવાનું શરુ કરી દે છે. તેમને જોઈને બીજા લોકો પણ દેખાદેખીથી તેમની પૂજા અર્ચના શરુ કરે છે. આવા માનપાન બહારથી મેળવતા અને કશું કામ કરતા ન દેખાતા લોકોને જોઈને બીજા કેટલાક લોકો દંભ કરીને પોતાના વસ્ત્રો અને વેશ આવા મહાનુભાવો જેવો કરીને લોકોને મુર્ખ બનાવવાનું અને માનપાન મેળવવાનું શરુ કરે છે. પરીણામે માત્ર બાહ્ય વેશ અને વસ્ત્રોથી અંજાનારા તેમની પાસે જઈને મુર્ખા બને છે. આવા ઢોંગી – ધુતારાઓને હાથે છેતરાયા પછી તે સાચા વાસ્તવિક અનુભુતિ પ્રાપ્ત લોકો પાસે જવાનું પણ બંધ કરે છે અને પરીણામે યથાર્થ જ્ઞાન મેળવવા માટે યોગ્ય માર્ગદર્શનથી વંચિત રહે છે.

મુળ વાત તે છે કે દંભી બાવા હોય કે સંયમી સાધુ પણ તેની સાથે સામાન્ય જન સમાજનો વ્યવહાર અમાનવીય હોય છે. શ્રદ્ધાળું લોકો આ સાધુ બાવાઓના પગમાં પડી પડીને તેમના ચરણોમાં ગલગલીયા કરતાં રહે છે અને તેમને જી બાપજી, જી બાપજી કરતાં રહે છે પણ તેઓ શું કહે છે તે કશું સમજતા નથી. તેવી જ રીતે બાવાઓથી છેતરાતા લોકો બધા જ સાધુ બાવાઓને ધૂત્કારે છે અને તેમને મન ફાવે તેવા વચનો કહે છે. આ બંને પ્રકારના વર્તનો અમાનવીય છે. કોઈ પણ મનુષ્યને મનુષ્યોચિત્ત સન્માન આપવું જોઈએ પણ તેને વધુ પડતો ઉંચો કે વધુ પડતો હીન સમજી લઈને વધુ પડતા માન પાન આપવાની કે ધૄણાજનક અશોભનીય વ્યવહાર કરવાની આવશ્યકતા નથી. જો જન સમાજ આ બાબત ઉપર વિચાર કરે અને પ્રત્યેક મનુષ્યને તેના બાહ્ય વેશ પરિધાનથી નહીં પણ આંતરિક ગુણોથી ઓળખવાનો પ્રયત્ન કરે અને તે પ્રમાણે તેની સાથે મનુષ્યોચિત્ત યથાયોગ્ય વ્યવહાર કરે તો માનવ માનવ વચ્ચે યોગ્ય સંવાદિતા જળવાઈ રહે અને ઘણી ભ્રાંત ઘરેડમાંથી બહાર આવી શકે. ટૂંકમાં સાધુ બાવાઓ પણ આપણી જેમ સામાન્ય માનવી જ છે તેથી તેમને એક વિચિત્ર પ્રાણી કે કોઈ દેવ પુરુષ માની લેવાને બદલે સામાન્ય વ્યવહાર કરીને તેમની સાથે યોગ્ય સંવાદિતા જાળવી શકીએ.

Categories: ચિંતન | Tags: | 10 Comments

Create a free website or blog at WordPress.com.