પ્રભાતના પ્રથમ પ્રહરમાં, સમીપવર્તી સરોવરમાંનાં કમળ કળા કરીને ખીલી ઊઠ્યાં, પુષ્પો પ્રકટી ઉઠ્યાં, ત્યારે મેં તમારી પાસે વજ્રના જેવું હૃદય માંગ્યું, તેથી તમને હસવું આવ્યું ?
મારી આવી માગણીને માટે હસવું આવે એ સ્વાભાવિક છે; છતાં પણ તમને શી ખબર કે એ માગણીમાં મારું સર્વસ્વ સમાયેલું છે ?
હા, હું તમારી પાસે હૃદય માગું છું : સંસારના સાધારણ અથવા અસાધારણ આઘાત-પ્રત્યાઘાતોને જે ઝીલી શકે : દુઃખોથી ડગી કે ડરી ના જાય: ચિંતા જેને ચંચલ કે ચલાયમાન ના કરે : નિરાશા કે નિષ્ફળતાથી જે નાસીપાસ ના થાય : વેદના જેના મર્મસ્થાનને વ્યથા પહોંચાડીને વલોવી નાખે નહિ : સંગ્રામમાં શૌર્ય બતાવતા શૂરવીરની જેમ, જે પૌરુષથી પ્રેરાઈને સસ્મિત ઘા સહે : અંતઃસ્થ શાંતિને સાચવીને આનંદ લહે : લોકાપવાદથી હતાશ કે હતપ્રભ થયા વિના, પોતાની પસંદગીના પથ પર પ્રસન્નતાપૂર્વક પ્રયાણ કરવામાં મદદરૂપ બને : રાગ અને દ્વેષ, અહંતા અને મમતા, હર્ષ ને શોક, નિંદા ને સ્તુતિ, પતન અને ઉત્થાનની અસરથી અલિપ્ત રહે. અને સમસ્ત સૃષ્ટિનો સ્નેહ, સર્જનની શાંતિ, શુચિતા ને સુધામયતા જેના અણુએ અણુને આલોકિત કરે, પદ અને પ્રતિષ્ઠાથી જે મદોન્મત્ત ના થાય; સંપત્તિ કે વિપત્તિ જેને કટુ કે ક્લિષ્ટ ના કરી જાય : લાગણીના પ્રવાહો જેમાં પેદા થવા છતાં લાગણીવશ થઈ જે ભાન ના ભૂલી જાય: એવું કઠોર છતાં કોમળ, સ્નેહાળ છતાં શુચિ ને શૂરતાભરેલું, સહનશીલ, સુધામય, સ્વસ્થ કે શાંત હૃદય માંગું છું.
એ હૃદયના પ્રભાવથી જ આજની કટોકટીમાંથી માર્ગ કાઢી શકીશ. નવસર્જનના પ્રભાતના પ્રથમ પ્રહરમાં કમળો કળા કરીને ખીલી ઊઠશે; જીવનમાં જાદુ ભરશે.