રંગ ભરી રમશું રાસ
રંગ ભરી રમશું રાસ, સહિયર મોરી
રંગ ભરી રમશું રાસ
રાધા રાણી ને રમાડે કામણગારો કાન
બંસરીના નાદે ઘેલું ગોકુળિયું ગામ
સહિયરમોરી, મીઠડી કરશું વાત (૨)
હાલોને રંગભરી રમીએ રાસ
ગોવાળ ગોકુળના હાંકે ગાવલડી
ગોપીઓ છલકાવે વહાલ
ઢોલીડા જમાવે તાલીઓના તાલ
સહિયરમોરી,ચાંદની ચમકી આકાશ (૨)
હાલોને રંગભરી રમીએ રાસ
શોભતા મોર પીંછે મનમોહનજી
ખળખળ વહે યમુનાજીની ધાર
ચૂંદડીએ ચમકે તારલાની ભાત
સહિયરમોરી,શરમાવે શામળના સાથ (૨)
હાલોને રંગભરી રમીએ રાસ
ભાવે રમાડે દિલડાં હરખાવે
નટખટ નંદજીનો લાલ
ઝીલે ગોપીઓનાં ભીંના વહાલ
સહિયરમોરી, ઝાંઝરીના રણકે નાદ (૨)
હાલોને રંગભરી રમીએ રાસ
પ્રભુ સંગ ઝૂમે ભક્તોના ભાવ
સહિયરમોરી,રાધાજી છલકાવે લાડ
હાલો હાલો રંગભરી રમીએ રાસ (૨)
સહિયરમોરી,રંગભરી રમીએ રાસ