Monthly Archives: September 2009

કથરોટ મેં ગંગા – નાનાભાઈ જેબલીયા

જીવીબાઇએ ભત્રીજા રતિલાલના ફળિયે પગ મૂકયો ત્યારે દીવે વાટુયો ચડી ગઇ હતી અને રામજી મંદિરની આરતી પછી સીતારામની ધૂન બોલાતી હતી. જીવીબાઇનો જાત્રાળુ જીવડો સીતારામની ધૂનના લય પર બેસીને ગંગાકિનારે છબછબિયાં કરી આવ્યો. શાસ્ત્રની રીતે ગંગા સ્નાન કરવાનું સપનું હવે જીવીબાઇની હથેળીમાં જ હતું. સૂરજ ઊગતા ચલાળાના રેલવે સ્ટેશનેથી રેલમાં બેસીને દેવભૂમિ યાત્રા આરંભાતી હતી.

ગંગા અને યમુનાના પુનિત જળમાં પંડય બોળીને પછી જશોદાના કાનાના જયાં પગલાં પડયાં હતાં એ ગોકુળ અને મથુરામાં જવાનું હતું. સાડા ત્રણસો રૂપિયાના ભાડામાં જીવીબાઇનો મનખા અવતાર ધન્ય થવાનો હતો. ખાંભા ગામેથી દશ જેટલી ડોશીઓનો સંઘ ગોકુળ મથુરા જવા માટે ખાંભેથી ચલાળા આવ્યો હતો. ભાડાના રૂપિયા સાડા ત્રણસો દોરીવાળી કોથળીમાં બાંધીને કોથળી કાંડામાં ભરાવીને જીવીબાઇ ચલાળામાં રહેતા પોતાના જેઠના દીકરા રતિલાલને મળવા એને ફળિયે આવ્યાં. ડોશીઓ બધી ધર્મશાળામાં રોકાણી અને જીવીબાઇ ભત્રીજા પાસે રાત રોકાવા આવ્યાં. રતિલાલ બચ્ચારો જીવ ગરીબ હતો.

ચલાળાથી અમરેલીના એક વેપારીનું નામું લખવા રોજ આવજાવ કરતો. પગાર રૂપિયા પાંત્રીસ. બે નાનાં બાળકો અને બે માણસ પોતે -માંડ પૂરું થતું. ‘ઓહો, આવો આવો કાકીમા!’ કાકીને જોતાં બીમાર ભત્રીજો ખાટલેથી ઊભો થઇને પગે લાગ્યો અને એટલી વારમાં તો લોટવાળા હાથ ધોઇને કમુ વહુ પણ કાકીને પગે લાગી. ‘અમે બૌ રાજી થયાં કાકીમા! અમારી ઉપર દયા કરી. હાસ્તો.. તમે તો જાત્રાળુ ગણાઓ બા! તમે કાકી ભત્રીજો વાતો કરો ત્યાં વાળુ તૈયાર કરી નાખું.’

‘કાકી, અમે સાંભળ્યું કે તમે જાત્રામાં જાઓ છો. ઓહો, ભગવાનની દયા!’ ભત્રીજો રતિલાલ વાતોએ ચડયો. કાકીએ, પાઇપાઇ કરીને ત્રીસ વરસે સાડા ત્રણસો રૂપિયા કઇ રીતે ભેગા કર્યા એની વાત કરી. ‘તારા કાકા ગયા તઇં મારે પરણ્યાંને પંદર જ દી’ થયા’તા. હું ય ૧૫ વર્ષની હતી. રતિલાલ! આપણે નમૂડિયાં મજૂર માણસો. આખી જિંદગી એકલા પંડયે રંડાપો કેમ વેઠવો એની મૂંઝવણ થઇ હતી. પણ પ્રભુએ લાજ રાખી પંદરથી પાંસઠ વરસે પૂગી ગઇ બેટા!’

‘હા કાકી! આપણા નાતરિયા વેરણમાં તો અડધી અવસ્થાએ ઘરઘરણાં થાય પણ તમે ખાનદાન નીકળ્યાં. મારા કાકાના નામ ઉપર પડતા આભને ઝીલીને અવતાર ગાળી નાખ્યો અને એક ભવમાં બે ભવ ન કર્યા.’

‘હા રતિ, તારા કાકાનો સંચો મારો પ્રભુ બનીને મને ગદરાવતો રહ્યો. કપડાં સીવવાં, ગોદડાં સીવવાં અને ટાંકો ટેભો કરીને બે પૈસા રળવા અને રતિ, તારા કાકા જેવા ખાનદાન અને અમીર પતિ કોને મળે. પાકા ઝાડ તળે ભૂખ્યા બેસે અને ઊચા સાદે કોઇ દી’ મને બોલાવે નહીં. એવા ધણીની ચૂંદડી ઓઢયા પછી ઘરઘરણું કરીને એના નામ ઉપર પાણી ફેરવું?’ ભીની આંખો પર સાડલાનો છેડો દાબીને કાકીમા ભત્રીજાની માંદગીના ખાટલાને જોઇ રહ્યાં. જીવતરની એક માત્ર મંછા એ હતી કે પતિના આત્માની સદ્ગતિ માટે ગંગામાં ઊભી રહીને એને ખોબા જળની અંજલિ આપવી. અને પતિનો સંચો લઇને જીવીબાઇ રાત-દિવસ મજૂરીમાં ગરકાવ થઇ ગયાં. બે પૈસા બચે તો ગંગા જવાય અને સખત મજૂરી થાય તો મનનાં માંકડાં સખણાં રહે. સવારથી માંડીને મોડી રાત સુધી નવાં કપડાં સીવવાં, જૂનાં સાંધવાં અને કાંઇ ન મળે તો હાથે ગોદડાં સીવવાં. દેહને થકવાડીને પથારીએ નાખવો કે કોઇ પાંતિના વિચાર વગર નિદ્રાદેવીને શરણે જતું રહેવાય.

ચારસો પાંચસોની મૂડી થઇ અને પ્રભુની દયા પણ થઇ કે ખાંભામાંથી વૃદ્ધાઓનો યાત્રા સંઘ નીકળ્યો. ખાંભામાં રેલવે લાઇન નહીં એટલે બધી ડોશીઓ ‘રેલમાં’ બેસવા ચલાળા આવી. ચલાળાની ધર્મશાળામાં રાત્રિવાસ હતો એટલે જીવીબાઇ પોતાના ભત્રીજાને ધેર રાતવાસો આવ્યાં. ભત્રીજા અને ભત્રીજા વહુએ સગી માને આપે એવો આદર આપ્યો. રાત્રે વાળુ કરીને સૌ વાતો કરવા બેઠા. પણ જીવીબાઇને વારે વારે ભત્રીજા રતિવાસની માંદગી યાદ આવી રહી હતી. રતિલાલે એક રોટલી તો માંડ ખાધી. પથારીએથી ઊઠતાં- બેસતાં રતિલાલ હાંફી જતો હતો!

‘હેં વહુ! રતિલાલ નોકરીએ જાય છે?’ કાકીએ પૂછ્યું.

‘જતાં, પણ આઠ દિવસથી વધારે નબળાઇ આવી છે એટલે ઘેર છે.’ શાણી વહુએ જાત્રાએ જતાં કાકી સાસુને નહીં દુભાવવા વધારે વાત ન કરી પણ અવસ્થાના ખાધેલાં કાકીએ બધું પ્રમાણી લીધું. વહુના સાડલે ચાર પાંચ થીગડાં હતાં. ગળાના મંગળસૂત્ર સિવાય કોઇ દાગીનો નહીં. નાનાં ભૂલકાં મેલાં ધેલાં કપડે હતાં!

‘કમુ વહુ! વાત તો કર્ય, રતિલાલને શાનો રોગ છે!’ ‘ઝીણો તાવ આવે છે અને ઉધરસ છે કાકીમા!’ વહુએ ટી.બી.ની વાત સંતાડી છતાં આંખના ખૂણે સાડલાનો છેડો પહોંરયે રહ્યો! ‘કાંઇ દવા-દારૂ?’

‘અહીંના હરિલાલ વૈદની દવા લઇએ છીએ પણ એની સલાહ છે કે એકાદ માસ જિંથરી દવાખાને જઇ આવવું.’ ‘તો પછી કમુ વહુ, મોડું ન કરાય.’

કાકીજીએ કમુવહુના બંધ કમાડ ખોલવા ટકોરા દીધા. ‘ગમે તેમ કરીને પણ જઇ આવો. કમુવહુ.’ ‘આ અઠવાડિયામાં જ જવું છે કાકીમા!’ રંડવાળ્ય કાકીમાની જાત્રામાં કોઇ પણ અડચણ ન મૂકવા માગતી સયરી, શાણી અને સ્વમાની કમુવહુએ હસીને ઉમેર્યું. ‘પૈસાનો વેંત પણ થઇ જવાનો છે. ચિંતા કર્યા વગર યાત્રાએ જાઓ તમ તમારે.’

ઉપર આકાશ અને નીચે ધરતી જેવી લાચાર દશામાં ડૂસકું નીકળી જાય એવી તકેદારીએ કમુવહુ હસવા લાગી. પડતીના સમયમાં કોઇને પણ, કોઇનો સહારો મળ્યો છે કયાંથી કયારેય? કમુવહુ અને રતિલાલનો પડતીનો સમય હતો. કયાંયથી પાઇ પૈસાની આશા નહોતી. જિંથરી દવાખાને જવું તો જવું કઇ રીતે? બે બાળકો અને પોતાની ખાધાખોરાકી, પતિ માટે ફ્રૂટ, દૂધ અને પોષક દવાઓ વિચારી વિચારીને આંસુ ભીનાં થયાં કરતાં પતિ-પત્ની હવે જિંથરીની દિશામાં પણ જોઇ શકે એમ નહોતાં.

કમુવહુ અને ભત્રીજો મૌન હતાં પણ જીવીબાઇ ઊડાં ને ઊડા ઊતરી રહ્યાં હતાં. યાત્રાના ડબ્બામાં ચડતાં અને ઊતરી જતાં. વળી ચડતાં અને વળી ઊતરી જતાં હતાં. પૈસો જાત્રા માટે હતો પણ જાત્રા કઇ સાચી? ગરીબ ભત્રીજાનો દેહ ભોંયે લેવાતો દેખાતો હતો. નાનાં ટબુડિયાં બાપ વિનાનાં થઇને કકળતાં હતાં અને જુવાન કમુવહુના છાજિયા રાજિયા સંભળાતા હતા. પતિના કુળનો દીવો હોલવાતો હતો. પતિ શું કહેશે? મા ગંગા શું કહેશે? અજોધાનો મારો શું કહેશે? કાકી થથરી ગયાં.

‘કાકીમા!’ કાકીજીને વિચારોમાં અટવાયેલાં જોઇને ભત્રીજા વહુ બોલી. ‘હવે સુખરાત કરો. સવારે કેટલા વાગ્યે જાગવાનાં છો?’ ‘જાગવાનાં છો.’

‘બસ’ જાગવું જોઇએ.’ મનોમન નિર્ણય કંડારીને કાકીએ વહુને કીધું. ‘હું મારી મેળે જાગીશ કમુ! અને તને જગાડીશ. થાકી પાકી સૂઇ જા’ અને કાકીએ ચાદર ઓઢી લીધી. કમુવહુને કશું સમજાયું નહીં પણ સાસુનો આદેશ માનીને પથારીએ ગઇ.

‘કમુ વહુ!’ કાકીમાએ ખરેખર કમુવહુને વહેલી સવારે જગાડી અને સાડા ત્રણસોની મૂડી એના હાથમાં સોંપી. ‘જો આમાં સાડા ત્રણસો છે. સવારે આપણે મળતી બસમાં જિંથરી ઊપડી જવું છે. એક મહિનો રતુની દવા કરાવશું તે ઘોડા વાળતો થઇ જશે.’

‘કાકીમા! તમારી જાત્રા?’ વહુ રડી પડી.

‘મારી જાત્રા મારા ભત્રીજાના નવા જીવન સુધીની કમુ! તારા કાકાજી અને જાત્રાના બધા દેવે મને આ રસ્તો ચિંઘ્યો છે માટે હવે એક પણ શબ્દ બોલીશમાં.’ અને પગ ઉપાડતાં બોલ્યાં. ‘હું ધર્મશાળામાં જઇને ના પાડીને આવું છું. તું નહાવા માટે પાણી મૂક.’

અને જીવીબાએ નવા માર્ગે આદરેલી માનવતાની યાત્રાએ ડગ દીધા ત્યારે પૂર્વાકાશમાં રતુંબડા ઉજાસની ધજાઓ ફરકી રહી હતી.


(કથાબીજ : હબીબ ખાંભાવાળા, મુંબઇ)

Categories: ટુંકી વાર્તા | Tags: | 4 Comments

પ્રગટ દેવ – રમેશ પટેલ(આકાશદીપ)

પરબ્રહ્મ પરમેશ્વરે જગતને આપેલું અણમોલ નઝરાણું એટલે પ્રત્યક્ષ દેવ માતાપિતા.આજ ભાવ શ્રી પ્રિયકાન્ત મણિયારની ,’આ નભ ઝૂક્યું તે કાનજી’ ની રચના સાથે રમ્યા અને માતપિતાનું ઋણ સ્વીકારતાં આ કવન ગૂંજ્યું. (રમેશભાઈ પટેલ)


આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતા રે
આ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતા રે
આ પૂષ્પ ખીલ્યું તે…

આ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રે
આ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત તે માતા રે
આ પૂષ્પ ખીલ્યું તે…

આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રે
આ કવચ કૌવત તે પિતાજી
ને મમતા ઢળી તે માતા રે
આ પૂષ્પ ખીલ્યું તે…

આ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રે
આ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રે
આ પૂષ્પ ખીલ્યું તે…

આ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રે
આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતા રે
આ પૂષ્પ ખીલ્યું તે…

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 3 Comments

અકળ તારી લીલા ! – (વિણેલાં ફૂલ ૧/૨૮ – હરિશ્ચન્દ્ર)

vinela_ful_1_28_1
vinela_ful_1_28_2

Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: | 4 Comments

ઠાકુર – મા – સ્વામીજી

2

ઈશ્વરપ્રાપ્તિ એ જ માનવ જીવનનું ધ્યેય છે.
– શ્રીરામકૃષ્ણ પરમહંસ

3

જો શાંતિ ઇચ્છતાં હો તો કોઇના દોષ જોતા નહિ.
દોષ જોજો પોતાના, જગતને પોતાનું કરી લેતા શીખો.
– શ્રી મા શારદાદેવી

104

ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો.
– સ્વામી વિવેકાનંદ

Categories: રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ | Tags: | Leave a comment

હૃદય માગું છું – શ્રી યોગેશ્વરજી

પ્રભાતના પ્રથમ પ્રહરમાં, સમીપવર્તી સરોવરમાંનાં કમળ કળા કરીને ખીલી ઊઠ્યાં, પુષ્પો પ્રકટી ઉઠ્યાં, ત્યારે મેં તમારી પાસે વજ્રના જેવું હૃદય માંગ્યું, તેથી તમને હસવું આવ્યું ?

મારી આવી માગણીને માટે હસવું આવે એ સ્વાભાવિક છે; છતાં પણ તમને શી ખબર કે એ માગણીમાં મારું સર્વસ્વ સમાયેલું છે ?

હા, હું તમારી પાસે હૃદય માગું છું : સંસારના સાધારણ અથવા અસાધારણ આઘાત-પ્રત્યાઘાતોને જે ઝીલી શકે : દુઃખોથી ડગી કે ડરી ના જાય: ચિંતા જેને ચંચલ કે ચલાયમાન ના કરે : નિરાશા કે નિષ્ફળતાથી જે નાસીપાસ ના થાય : વેદના જેના મર્મસ્થાનને વ્યથા પહોંચાડીને વલોવી નાખે નહિ : સંગ્રામમાં શૌર્ય બતાવતા શૂરવીરની જેમ, જે પૌરુષથી પ્રેરાઈને સસ્મિત ઘા સહે : અંતઃસ્થ શાંતિને સાચવીને આનંદ લહે : લોકાપવાદથી હતાશ કે હતપ્રભ થયા વિના, પોતાની પસંદગીના પથ પર પ્રસન્નતાપૂર્વક પ્રયાણ કરવામાં મદદરૂપ બને : રાગ અને દ્વેષ, અહંતા અને મમતા, હર્ષ ને શોક, નિંદા ને સ્તુતિ, પતન અને ઉત્થાનની અસરથી અલિપ્ત રહે. અને સમસ્ત સૃષ્ટિનો સ્નેહ, સર્જનની શાંતિ, શુચિતા ને સુધામયતા જેના અણુએ અણુને આલોકિત કરે, પદ અને પ્રતિષ્ઠાથી જે મદોન્મત્ત ના થાય; સંપત્તિ કે વિપત્તિ જેને કટુ કે ક્લિષ્ટ ના કરી જાય : લાગણીના પ્રવાહો જેમાં પેદા થવા છતાં લાગણીવશ થઈ જે ભાન ના ભૂલી જાય: એવું કઠોર છતાં કોમળ, સ્નેહાળ છતાં શુચિ ને શૂરતાભરેલું, સહનશીલ, સુધામય, સ્વસ્થ કે શાંત હૃદય માંગું છું.

એ હૃદયના પ્રભાવથી જ આજની કટોકટીમાંથી માર્ગ કાઢી શકીશ. નવસર્જનના પ્રભાતના પ્રથમ પ્રહરમાં કમળો કળા કરીને ખીલી ઊઠશે; જીવનમાં જાદુ ભરશે.

Categories: ચિંતન | Tags: | Leave a comment

વિધિની વક્રતા – (વિણેલાં ફૂલ ૧/૨૭ – હરિશ્ચન્દ્ર)

vinela_ful_1_27_1
vinela_ful_1_27_2

Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: | 1 Comment

સંકટ મોચન – રમેશ પટેલ(આકાશદીપ)

અંજની જાયો કેસરી નંદન ,ભગવદ ભક્ત મહાન
બાળા નામ છે સુંદર, સમરીએ કર જોડી હનુમાન
જન્મ સાથે પરાક્રમ પ્રગટે, બળ બુધ્ધિ અમાપ
ચૈત્ર પૂનમે અવતરીયા, પવન પુત્ર પ્રખ્યાત

સરપાવ દીધા દેવ ગણોએ,કરવા જગ હીતકારી કામ
ગતિ સામર્થ્ય ગરુડરાજનું, અંજની સુત મહાન
ઋષ્યક પર્વતે શુભ મિલને, પુલકિત કેસરી નંદ
પૃથ્વી પટે ભાર ઉતરશે, પ્રભુ સંગ શોભે બજરંગ

વાત સુણી સીતાજી હરણની,સંચર્યા દક્ષિણ દેશ
સીતામાતાની ભાળ કાજે ધરીયું રુપ વિશેષ
વીર મારુતીની ભક્તિ શક્તિ,કંપ્યો મહેન્દ્ર ગિરિવર
વાયુવેગે આકાશે વિચરે,રામ મુદ્રા સંગ કપિવીર

છાયા પકડી લક્ષ્ય શોધતી સિંહકાને સંહારી
કર્યો પરાભવ લંકાદેવીનો,હુંકાર ભરિયો લંકા નગરી
શુરવીરોને દીધો પરિચય, હણ્યા ધુમ્રાક્ષ નિકુંભ
અક્ષયરાજને પળમાં રોળ્યો, સેના શોધે શરણ

ઈન્દ્ર જિતના બ્રહ્મપાશે બંધાયા, મુક્ત થઈને કીધો પ્રતિશોધ
રાવણરાજની સભા મધ્યે, રામ દુતે દીધો મહા બોધ
પૂંછ પર લપેટી અગન જ્વાળ, કીધું લંકાનગરી દહન
સીતામાતને રામ મુદ્રા આપી પૂછ્યા ક્ષેમ કુશળ

પ્રભુ રામે સમરીયા સદાશીવ, રામેશ્વરે દીધા આશિષ
રાજ તિલકે શોભે વિભીષણ,અટલ વિશ્વાસુ છે રઘુવીર
સુગ્રીવ સેના જાણે સાગર, ભક્તિભાવે ભીંજાયે ધીર
રામ કાજ કરવા અંગદ સંગ, હનુમંત દીસે વીરોના વીર

નલ નીલ બજરંગી સેના, બાંધે સેતુ સાગરે રમતાં
પથ્થર પાણી પર તરતા, નીંદર છોડી લંકેશ ભમતા
કુંભકર્ણ માયાવી ઇન્દ્રજીત, યુધ્ધે દીશે અતી દુષ્કર
અતિ સંહારી પ્રલય શક્તિથી,વેરે વિનાશ અવની અંબર

મેઘનાદ રચે માયાવી જાળ, ઘવાયા રણમધ્યે લક્ષ્મણ ભ્રાત
મૂર્છિત લક્ષ્મન શોકાતુર રામ,વિશાદનાં વાદળ ઘેરાયાં આજ
ઔષધી સહ ઊંચક્યો પર્વત,મૃત સંજીવનિ લાવ્યા હનુમંત
સંકટ ઘેરા પળમાં ટાળ્યા, યુધ્ધે ટંકાર કરે લક્ષ્મણ

રામ પ્રભુનો ધનુષ્ય ટંકાર, કંપે દિશાઓ અપરંપાર
સેવક ધર્મ બજાવે હનુમંત, જામ્યો સંગ્રામ કંપે સંસાર
યુધ્ધ કૌશલ્ય રામનું અમાપ,હણ્યો દશાનન કુંભકર્ણ સાથ
હનુમંત સુગ્રીવ વિજય વધાવે, ધર્મ પથ પર વરસે પુષ્પ

રામ મુખે વહી પ્રશસ્તી, પરમવીર છે પવન પુત્ર
વીર મારુતી થકી મળીયા, ભાઈ ભાર્યાને મિત્ર
રામ કથા સંસારે ગવાશે ,અમરપટ ભોગવશે હનુમંત વીર
શ્રીફળ સિંદૂર આકડાના ફૂલે, રીઝશે મહા મારુતી ધીર

સીતામાતાએ દીધું સૌભાગ્ય સીંદૂર, આપત્તી ના આવે તમ પાસ
અયોધ્યા મધ્યે હનુમાન ગઢીમાં, આજ પણ પ્રગટે તમારો વાસ
સ્નેહે સમરીએ સંકટ મોચન, પ્રત્યક્ષ પરચો પામે ગુણીજન
પંચાયતમાં સ્થાન તમારું, ભગવંત સંગ શોભે હનુમંત

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 2 Comments

કબૂતરથીયે બદતર ! – (વિણેલાં ફૂલ ૧/૨૬ – હરિશ્ચન્દ્ર)

vinela_ful_1_26_1
vinela_ful_1_26_2

Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: | 5 Comments

હાલોને રંગભરી રમીએ રાસ – રમેશ પટેલ(આકાશદીપ)


રંગ ભરી રમશું રાસ
રંગ ભરી રમશું રાસ, સહિયર મોરી
રંગ ભરી રમશું રાસ

રાધા રાણી ને રમાડે કામણગારો કાન
બંસરીના નાદે ઘેલું ગોકુળિયું ગામ
સહિયરમોરી, મીઠડી કરશું વાત (૨)
હાલોને રંગભરી રમીએ રાસ

ગોવાળ ગોકુળના હાંકે ગાવલડી
ગોપીઓ છલકાવે વહાલ
ઢોલીડા જમાવે તાલીઓના તાલ
સહિયરમોરી,ચાંદની ચમકી આકાશ (૨)
હાલોને રંગભરી રમીએ રાસ

શોભતા મોર પીંછે મનમોહનજી
ખળખળ વહે યમુનાજીની ધાર
ચૂંદડીએ ચમકે તારલાની ભાત
સહિયરમોરી,શરમાવે શામળના સાથ (૨)
હાલોને રંગભરી રમીએ રાસ

ભાવે રમાડે દિલડાં હરખાવે
નટખટ નંદજીનો લાલ
ઝીલે ગોપીઓનાં ભીંના વહાલ
સહિયરમોરી, ઝાંઝરીના રણકે નાદ (૨)
હાલોને રંગભરી રમીએ રાસ

પ્રભુ સંગ ઝૂમે ભક્તોના ભાવ
સહિયરમોરી,રાધાજી છલકાવે લાડ
હાલો હાલો રંગભરી રમીએ રાસ (૨)
સહિયરમોરી,રંગભરી રમીએ રાસ

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 4 Comments

વીણેલાં ફૂલ (1/25) – હરિશ્ચન્દ્ર

vinela_ful_1_25_1
vinela_ful_1_25_2

Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.