મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા
વ્યોમ વિરાટને હિંડોળે હિંચાવું
હીંચકે ઝૂલતા નીરખી મારા શામળા
વસંતને મોકલી ફૂલડે વધાવું
મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા
ઉંચા ડુંગરિયે દેવને બેસાડું
ડુંગરની ડગરો શણગારું મારા શામળા
આઠે પહોર તને સજાવું
મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા
તમને સુવર્ણ સિંહાસને પધરાવું
આનંદથી ચામર ઢોળું મારા શામળા
ધૂપ દીપ આરતીથી મંગલ વરતાવું
મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા
તમને ગુલાબોની સેજે સુંવાડું
મઘમઘતા અત્તર છંટાવું મારા શામળા
નારદજીને બોલાવી વીણા વગડાવું
મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા
જીવડો હરિ શરણમાં રમાડું
ભાવ ઝૂલે ભગવાનને હસાડું મારા શામળા
વ્રજનાં મધુરાં માખણ જમાડું
મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા
વ્યોમ વિરાટને હિંડોળે હિંચાવું
જીવડો હરિ શરણમાં રમાડું
જીવડો હરિ શરણમાં રમાડું