તા.06-04-2003, રવિવાર (શિષ્યો)
પ્રશ્નઃ- (13) જીવ ચિદાભાસ પોતે પુર્ણ સ્વતંત્ર થઈ શકે છે. તો જીવ એટલે કર્તા સ્વતંત્ર કઈ રીતે સમજવું ?
તા.13-04-2003, રવિવાર (સ્વામી ભજનપ્રકાશાનંદજી)
પ્રત્યુત્તરઃ- (13) અંત:કરણ વિશિષ્ટ ચૈતન્ય જીવ પ્રમાતા કર્તા ભોક્તા મનાય છે. પરંતુ અંતઃકરણ ઉપહિત ચૈતન્ય વેદાંત મતે મિથ્યા પ્રમાતા કર્તા ભોક્તા અવિદ્યાદિ ક્લેશોને ભોગવનાર મનાય છે. કુટસ્થ સાક્ષિ ચૈતન્ય નહીં આ વાત ખ્યાલ રાખશો. કુટસ્થ ચૈતન્યનો અંત:કરણમાં પડતો આભાસ તે ચિદાભાસ. જીવ અંત:કરણ આભાસ અને કુટસ્થ આ ત્રણેનો અભિન્નરૂપે અનુભવ કરનાર ચિદાભાસ જીવ તે કર્તા ભોક્તા મનાય છે તે કુટસ્થ કે સાક્ષિરૂપમાં તે ચૈતન્ય સ્વરૂપે સ્વતંત્ર છે પરંતુ આપણે વેદાંત પ્રક્રિયામાં જોઈ ગયા છે કે જે જ્ઞાન થાય છે તે કોને થાય છે. ચિદાભાસને કે કુટસ્થને ? કુટસ્થ જ્ઞાન સ્વરૂપ છે. તેથી તેને જ્ઞાન થાય છે. તેમ કહી શકાય નહીં. તો ચિદાભાસના સઘળાં જ્ઞાનો છે તે બાહ્ય નામરૂપ પદાર્થોના છે અને અંત:કરણ તથા ઇન્દ્રિયોની સહાયથી બહારના પદાર્થોનું જ્ઞાન કરે છે. જે ભ્રાંતિ યુક્ત છે. વહેવારીક રીતે યથાર્થ છે. પરમાર્થ રીતે અયથાર્થ છે. તેથી તેને પણ જો બ્રહ્મનું જ્ઞાન થાય છે તેમ કહીએ તો તે પણ બ્રહ્મજ્ઞાન ન હોવું જોઈએ. પણ ભ્રમજ્ઞાન હોવું જોઈએ. તો બ્રહ્મનું જ્ઞાન કોને થાય છે. ચિદાભાસને કે કુટસ્થને તો આપણે પ્રક્રિયામાં તે પણ જોઈ ગયા છે કે જ્ઞાન તો ચિદાભાસને થાય છે પરંતુ ત્યાં મુખ્ય સામાનાધિકરણ અને બાધ સમાનાધિકરણના જે ભેદ છે તેમાં મુખ્ય સામાનાધિકરણમાં કુટસ્થ તથા બ્રહ્મ મુખ્ય સામ્ય ધરાવે છે બંને સચ્ચિદાનંદ છે તેથી તેમાં મુખ્ય સામ્ય છે. પરંતુ ચિદાભાસ તથા કુટસ્થ બ્રહ્મનું મુખ્ય સામ્ય નથી તેથી ત્યાં ચિદાભાસનો બાધ કરીને ચિદાભાસ પોતાને આભાસરૂપ ન માનતા કુટસ્થરૂપે અનુભવવા લાગે છે. પોતાના આભાસરૂપનો બાધ કરે છે. અને પછી કહે છે હું કુટસ્થ સાક્ષિ કેવલ ચૈતન્ય સ્વતંત્ર બ્રહ્મ છું. કારણ કે એકલુ કુટસ્થ પણ કર્તા ભોક્તા ન થઈ શકે. એકલો ચિદાભાસ પણ કર્તા ભોક્તા ન થઈ શકે. એકલું અંત:કરણ પણ કર્તા ભોક્તા ન થઈ શકે. ત્રણે મળીને કર્તા ભોક્તા થઈ શકે તો ચિદાભાસ કર્તા ભોક્તા છે. ઇશ્વર પણ માયામાં પડતો બ્રહ્મનો આભાસ છે. તેમાં પણ એકલું બ્રહ્મ છે. તેને ઇશ્વર ન કહી શકાય.
એકલી માયાને પણ ન કહી શકાય. એકલા આભાસ ને પણ ન કહી શકાય. માયા આભાસ તથા બ્રહ્મ ત્રણની અભિન્નતાથી ઇશ્વર કહી શકાય અને તે ઇશ્વર જગત કર્તા છે. જગતના જીવોના કર્મ ફલ દાતા પણ મનાય છે. તેમાં ઇશ્વર પોતે પોતાની માયાશક્તિ દ્વારા સંકલ્પ કે સંકલ્પનો નાશ સંકલ્પ કરવો કે ન કરવો ઇચ્છા કરવી કે ન કરવી તેમાં સ્વતંત્ર છે. તેમ જીવ ચિદાભાસ પણ ઇચ્છા કરવામાં સ્વતંત્ર છે. તેમ ઇચ્છા ન કરવામાં પણ સ્વતંત્ર છે અને તેને જ આત્મા કહેવાય. તેમાં જ તેની પુર્ણતા મનાય છે. કરોળીયો લાળ જેમ કાઢી શકે છે તેમ ગળી પણ શકે છે. છતાં જ્યારે તે ગળવાની જે શક્તિ છે તેની વિસ્મૃતિ કરે છે ત્યારે તે જાળાથી પરાધિન થઈ જાય છે. તેમ જીવ પણ પોતાની જીવપણાની વ્યષ્ટિ શક્તિ એક સમષ્ટી શક્તિનો અંશ જ છે. તેથી તે તેનાથી ભિન્ન નથી. સમષ્ટિરૂપ જ છે છતાં મિથ્યા કલ્પિત અહંથી સમષ્ટીથી પોતાને અલ્પજ્ઞ અને અલ્પશક્તિ માને છે. શરીર અંત:કરણ ઇન્દ્રિયો ઇત્યાદિના ભાવથી બંધાઈને પોતાને પરતંત્ર માને છે. પછી અવિધાને લઈને કર્મ સંસ્કારો વાસના તેનું ફલ ઇત્યાદિ સાથે પુર્ણરૂપમાં બંધ માને છે. કર્મનાં ફલ ભોગવે છે. તો ઇશ્વર જગનિયંતા હોવાથી જીવના કર્મ ફલની વ્યવસ્થા પણ ઇશ્વર કરે છે અને જીવ પરાધિન થઈને ભોગવે છે. કર્તા હોય તે જ ભોક્તા પણ હોય છે.
સમાધિમાં નિર્વિકલ્પ દશામાં જ્યારે યોગી જાય છે ત્યારે તેને પ્રત્યક્ષ એવું કર્તા ભોક્તા અકર્તા અભોક્તાનું જ્ઞાન થાય છે. જ્યારે પોતે પોતાના સ્વતંત્ર સંકલ્પ દ્વારા શરીર ઇન્દ્રિયોમાં અંત:કરણમાં પોતાની ચેતના ને સ્થાપે છે ત્યારે તે કર્તાભોકતા થઈ જાય છે. અને પોતાની ચેતનાના આભાસને ખેંચી લેતા સઘળું જડ થઈ જાય છે ત્યારે ત્યાં પોતાને અકર્તા અભોક્તા અનુભવે છે. તેથી ચૈતન્ય કુટસ્થમાં વાસ્તિવિકમાં કર્તા ભોક્તા પણું છે નહીં. તે પોતાના અકર્તા અભોક્ત સ્વરૂપમાં જ રહે છે છતાં પોતાની શક્તિ દ્વારા કર્તા ભોક્તા થઈ શકે છે. પરંતુ આ જીવદશાની વાત જ્યાં આવે ત્યાં મનુષ્યથી ઇતર સઘળા જીવો પરતંત્ર છે. ઇશ્વર સંપૂર્ણ સ્વતંત્ર છે કારણ કે ઇશ્વર પોતાને ઇશ્વરરૂપમાં પણ સમજે છે ત્યાં આવરણ નથી. એટલે સ્વતંત્ર છે. ત્યાં કર્તા જગત કર્તુત્વ પણું છે. ઇશ્વરને કર્મ નથી તેથી ભોકતૃત્વપણું નથી. જીવમાં કર્તાપણું છે અને કર્મ છે તેથી ભોકતૃત્વપણું પણ છે. પરંતુ મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે. ફલ ભોગવવામાં પરતંત્ર છે. એટલે જ જીવ છે પરંતુ જેમ કર્મ કરવામાં કે ઇચ્છા કરવામાં પણ સ્વતંત્ર છે તેમ કર્મ કે ઇચ્છા ન કરવામાં પણ સ્વતંત્ર છે પરંતુ એને જ્યાં સુધી પોતાની શક્તિનું જ ભાન કે જ્ઞાન નથી કે હું જેમ ઇચ્છા કરી શકું છું તેમ ઇચ્છાને રોકી પણ શકું છું. તેવું આત્માનું સ્વતંત્ર જ્ઞાન નથી. તેથી તે જીવદશાની પશુદશાની ગણનામાં આવે છે અને સઘળું નિયતિની સત્તા નીચે નિયમ નીચે ચાલવું પડે છે. પરંતુ જ્યારે આકસ્મિક કોઈ પૂર્વાપરના સૃકૃતના ફલરૂપે તેને સદ્ગુરુ કે શાસ્ત્રમાં જ્યારે પ્રીતિ જાગે છે અને સદ્ગુરુનું સેવન અને શાસ્ત્રનો વિચાર જાગે છે ત્યારે પોતાની સાચી કર્તૃત્વશક્તિ જાગી જાય છે. કે માત્ર કરોળીયાની માફક તંતુ કાઢી શકું છું તેટલું જ નહીં પણ ગળી પણ શકું છું. વાસનાત્મક ઇચ્છાઓનો જેમ વિસ્તાર કરી શકુ છુ તેમ સંકોચ પણ કરી શકું છે તેથી કર્તૃત્વશક્તિનું જાગરણ થતાં જ તેનું પરાધિનપણું જે સ્વતંત્ર કર્તાપણામાં જે મનુષ્ય જીવાત્મા અડધો કર્મ તથા ઇચ્છા કરવામાં સ્વતંત્ર હતો તે પૂર્ણરૂપમાં સ્વતંત્ર શક્તિનું જાગરણ થતાં જ જે પરાધિનતા કે પરતંત્રતાના કારણો અવિદ્યા વાસના કર્મ અને તેનું ફલ ભોક્તાપણું હતું તેને નિવૃત કરવામાં શક્તિ કામે લાગી જાય છે.
જેને આપણે જ્ઞાનનો માર્ગ કહીએ છીએ. અને સાત્વિક અહં કર્તૃત્વ જાગૃત થતાં જ દ્રઢ ઇચ્છા કે જીજ્ઞાસા સાથે પોતાનું વાસ્તવિક કર્તવ્ય સદવિચાર છે તે કરવા લાગે છે. પછી મુમુક્ષુતાને લગતા સઘળા સાધનો કરે છે અને ગુરુમુખેથી મહાવાક્ય કાને પડતા જ જે પોતે પાતાને કર્તા ભોક્તા માનતો હતો તે આત્મા પરમાત્માના અભિન્નત્વનું જ્ઞાન થતાં જ અકર્તા અભોક્તારૂપમાં અનુભવવા લાગે છે. શરીર મન ઇન્દ્રિયો ઇત્યાદિનો વ્યષ્ટીભાવ પણ તુટી જાય છે. સમષ્ટીભાવ પણ હોતો નથી. અને પોતાના આત્માની જે નિજ સ્વતંત્ર શક્તિ છે તેનો અનુભવ કરે છે. જે અવિદ્યા વાસના સંસ્કાર તથા કર્મથી જે આ શરીર મળ્યું છે તે પણ નિયતિના વિષય પ્રમાણે જેમ ચાકડો કુંભારનો કામ કંઈ પણ રહ્યું નથી પછી ધીમે ધીમે ફરતો બંધ થઈ જાય છે અને કુંભાર ધારે તો વચમાં પણ બંધ કરી શકે છે તેમ જ્ઞાની પછી સ્વતંત્ર છે. શરીરની પરવા કરતો નથી. જ્ઞાન થયા પછીની મસ્તી છે. છતાં પણ ઇચ્છા થઈ ગઈ અને યોગ શાસ્રોક ક્રિયાથી સફલ હોય તો યોગ દ્વારા શરીરરૂપ ચાકડાને થંભાવીને નિવૃત થઈ જાય છે. વિદેહ કેવલ્યમુક્તિને પ્રાપ્ત થાય છે. તો આપણે જોયું કે ઇશ્વર પણ સ્વતંત્ર કર્તા છે. પરંતુ ઇશ્વર ને શુદ્ધ માયાના પરિણામરૂપ ઉપાધિ છે તેથી ઇશ્વર કાયમ માટે નિરાવરણ રહે છે. અને ઇશ્વર ને કોઈ કર્મ નથી તેથી ઇશ્વર પોતા માટે કાંઈ કરતા નથી પરંતુ જીવના કર્મ વાસના ફલ ઇત્યાદિના ઇક્ષણને લઈને કરે છે. પરંતુ છે સ્વતંત્ર કર્તા તેમ મનુષ્યથી ઇતર જીવો છે તેમાં જે સ્થાવરો છે તેમાં તો તેનું જીવન પણ ન્યુનાધિકપણે સુપ્ત હોય છે. પત્થરમાં બિલકુલ સુપ્ત હોય છે તો જ્યાં જંગમ જીવો છે જે અંત:કરણવાળા જીવ છે ત્યાં ચૈતન્ય તો આભાસ પ્રાણોમાં છે અને તે ક્રિયા કરી શકે છે. ભોગનો કડવો મીઠો અનુભવ લઈ શકે છે. અને તેમાં પણ કોઈ એક ઇન્દ્રિયવાળા કોઈ બે ત્રણ એમ હોય છે. પરંતુ તે સંપૂર્ણ પરતંત્ર જીવો છે તેમાં કોઈ પણ સ્વતંત્રતા નથી. તે તો કર્તૃત્વનું નવું કર્મ સર્જી શકતા નથી. કરેલાં કર્મનું ફલ ભોગવી રહ્યા છે. અને મનુષ્ય છે તે જ કર્મ કરી પણ શકે છે અને ફલ ભોગવી પણ શકે છે. જુનાને ભોગવે છે અને નવાં કરી શકે છે. ભવિષ્યનું નિર્માણ પણ કરી શકે છે કારણ કે તે ઇશ્વર જેવો પૂર્ણ સ્વતંત્ર નથી તેમ પશુ પક્ષી ઇત્યાદિ જીવોની માફક પુર્ણ પરતંત્ર પણ નથી. પરંતુ કર્મ કરવામાં તે સ્વતંત્ર છે કર્મ ફલ ભોગવવામાં પરતંત્ર છે. પરંતુ તે પરતંત્રતા કયાં સુધી છે કે જ્યાં સુધી તેને કર્મનો કર્તા કોણ છે કર્મનો ભોકતા કોણ છે ઇત્યાદિ જીવ સૃષ્ટિ ઇશ્વર માયા ઇત્યાદિનો વિચાર જાગ્રતનાં પરતંત્રતાના કારણો તેને સમજાય જાય છે.
અને આત્માની પૂર્ણ સ્વતંત્રતા તથા શક્તિનું જ્ઞાન થતાં જ સ્વઇચ્છાઓના અને કર્તૃત્વના નિરસન દ્વારા પોતે પોતાને સ્વતંત્ર અનુભવી શકે છે. માત્ર અનુભવી શકે છે તેટલું જ નહીં પણ યોગવશિષ્ઠમાં જે સિદ્ધોની શક્તિનું ઐશ્વર્યના વર્ણનો આવે છે કે સંપૂર્ણપણે સંકલ્પ પર સત્તા પ્રાપ્ત કરીને પૃથ્વીની કઠોરતાને ભેદી શકે છે. જલની દ્રવ્યતાને પી જાય છે. અગ્નિની આગને ઉષ્ણતાને તે ઠારી શકે છે. વાયુની ગતીને રોકી શકે છે. આકાશ સઘળે અવકાશ આપે છે. તેવું કાગભુશુંડીના આખ્યાનમાં સાંભળવા મળશે. અન્યે પણ તેવી ઘણી કથાઓ આવે છે તો સૃષ્ટીના પ્રલય સુધી પણ પોતાની સ્વતંત્ર કર્તા ભોક્તાપણું કાલ્પનીકરૂપમાં રાખીને અસલમાં પોતાના અકર્તા અભોક્તા સ્વરૂપમાં રહીને મહાપ્રલય સુધી કે બ્રહ્માના આયુ પર્યંત તે સ્વતંત્ર કર્તા ભોક્તા રહી શકે છે. એ બ્રહ્માનું આયુ પુરું થતાં મહાપ્રલયમાં વિદેહમુક્તિને પ્રાપ્ત થાય છે. તે જ્ઞાની યોગી સ્વતંત્ર છે.
વેદાંત મતે જીવ તથા ઇશ્વર બંને બ્રહ્મ તથા માયાના દીકરા મનાય છે. ઇશ્વર પણ ઐશ્વર્યવાન છે. જીવ પણ ઐશ્વર્યવાન છે પરંતુ ઇશ્વરનું ઐશ્વર્ય ત્રિકાલાબાધિત છે. જીવનું ઐશ્વર્ય ત્રણ કાલથી બાધિત થઈ જાય છે. માયાના આવરણથી સુપ્ત થઈ જાય છે. ગુપ્ત સુપ્ત ઐશ્વર્ય જીવમાં રહેલું છે. અને તે સુપ્ત ગુપ્ત ઐશ્વર્યનો જ દાહ વેદના તથા પીડા છે. જીવને કે મારી પાસે કંઈ નથી પરંતુ જીવ પણ તેનું અનૈશ્વર્યને લઈને છે તેને પ્રયત્ન છે કે હું પણ ઇશ્વર જેવો થાઉં. એવી ઇચ્છા તે જ તેના ગુપ્ત સુપ્ત ઐશ્વર્ય તરફનું આકર્ષણ છે. અને તે જ્યારે યોગીક સઘળી ક્રિયા દ્વારા પોતાની ઇન્દ્રિયો મન બુદ્ધિ શરીર ઇત્યાદિ પર અષ્ટાંગ યોગ દ્વારા શરીર તન મન પર નિયંત્રણ પ્રાપ્ત કરશે. પ્રાણ પર નિયંત્રણ પ્રાપ્ત કરશે અને ફરી સંકલ્પ પર સતાને પ્રાપ્ત કરશે ત્યારે સઘળા પરવશકાર પ્રાપ્ત થતાં અણીમાદિક સઘળાં ઐશ્વર્યો છે તે પ્રગટ થઈ જશે. ગુપ્ત સુપ્ત છે તે પ્રગટ તથા જાગી જાશે ત્યારે તે ઇશ્વર સદૃશ્ય હશે . ઇશ્વર ઇશ્વર જ છે કારણ કે યોગીને સંકલ્પ પર સત્તા આવે છે. ત્યારે ભુતસૃષ્ટિના પરમાણુઓમાં ફેરફાર કરી શકે છે. પરંતુ એક ઇશ્વરે જે પૃથ્વી સુર્ય ચંદ્ર ઇત્યાદિનું જેણે જે રીતે સ્થાપન કર્યું છે તેમાં ફેરફાર ન કરી શકે તેથી ઇશ્વર તો એક જ છે. આપણે ઇશ્વરો કહેવાય અને તેવા ઘણા ઇશ્વરો હોય છે. પરંતુ ન્યુનાધિકપણે ઐશ્વર્ય ભોગવતા હોય છે પરંતુ બ્રહ્મલોકવાસી સિદ્ધો સ્વતંત્ર કર્તા ભોક્તા છે. કર્તા ભોક્તા બનવા માટે શરીર જોઈએ તેમાં વિજ્ઞાનમય શરીરથી જ તે સ્વતંત્ર કર્તા ભોક્તા બની શકે છે. પોતાની અસ્મિતતામાંથી ઘણા ચિતોનું નિર્માણ કરીને ઘણા શરીરોની રચના કરીને ભિન્ન ભિન્ન પ્રકારના ભોગપણ ભોગવી શકે છે. તેવી કથા યોગવશિષ્ઠમાં આવશે. અને તે સઘળાં કાલ્પનિક ચિતો તથા શરીરો પર તેનું મુખ્ય ચિત હોય છે તે જ નિયમન કરતું હોય છે. અને સઘળી ચિતો કે કાયવ્યુહની જે રચના કરી છે તેને એકી વખતે નિવૃત કરવા હોય તો પણ સ્વતંત્ર સંકલ્પ દ્વારા કરી શકે છે.
તો જીવ ચિદાભાસ પોતે પૂર્ણ સ્વતંત્ર થઈ શકે છે. તો જીવ કર્તા એટલે કઈ રીતે સમજવું. કંઈ આચાર્યોના મતે જીવ સત્તા પ્રકૃતિની સત્તા તથા ઈશ્વર સત્તા તે અલગ અલગ સ્વતંત્ર સત્તા ધરાવે છે. પ્રલય વખતે પણ અલગ અલગ સત્તામાં હોય છે કોઈ આચાર્યના મતે જીવ સત્તા તથા જગત સત્તા ઇશ્વર સત્તાને આધિન હોય છે અને વેદાંત તો જીવ સત્તા તથા જગત સતાને કલ્પીત તથા મિથ્યા માને છે. અને એક જ બ્રહ્મ સતાને આધિન હોય છે. એક બ્રહ્મ સત્તા જ સ્વતંત્ર સત્તા હોય છે. તો જીવ સિદ્ધ દશામાં આ ઇશ્વર રચિત ભોગ્ય જગતમાં સ્વતંત્ર રીતે કર્તા ભોક્તા પોતાના અકર્તા અભોક્તા સ્વરૂપમાં રહીને મહાપ્રલય સુધી કે તેની સ્વતંત્ર ઇચ્છા સુધી તે રહે બાદ નિર્વાણમાં જવાની કે વિદેહમુક્તિની ઇચ્છા થતાં બ્રહ્મ સત્તા સાથે અભિન્ન બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. આ ત્રણે સત્તા સુક્ષ્મ હોવાથી અનુભવ ગમ્ય છે. પ્રત્યુત્તર પૂર્ણ.